Chhota Udepur Superstition Case: આપણે ભલે 21મી સદીમાં જીવી રહ્યા હોઈએ અને વિજ્ઞાન ગમે તેટલી પ્રગતિ કરી રહ્યું હોય, પરંતુ ગુજરાતના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ અંધશ્રદ્ધાના મૂળિયાં ખૂબ ઊંડા છે. છોટાઉદેપુરમાં બનેલી એક ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે, જેમાં એક પરિવાર મૃતકની આત્મા લેવા માટે ખાનગી હોસ્પિટલમાં ‘બળવા’ (ભૂવા) ને લઈને પહોંચ્યો હતો.
Chhota Udepur: શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, છોટાઉદેપુર જિલ્લાના બોકડિયા ગામના એક વ્યક્તિનું ત્રણ દિવસની ટૂંકી બીમારી બાદ સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આદિવાસી સમાજની પરંપરા અને આસ્થાના નામે આ પરિવાર મૃત્યુના ત્રીજા દિવસે હોસ્પિટલ પહોંચ્યો હતો. પરિવાર પોતાની સાથે એક ભૂવાને પણ લઈને આવ્યો હતો, જેણે હોસ્પિટલના મુખ્ય ગેટ પર જ ધૂણવાનું શરૂ કર્યું હતું. અહીં વિધિ-વિધાન અને નાળિયેર પર મંત્રતંત્ર કરીને એવો દાવો કરવામાં આવ્યો કે મૃતકની આત્માને કળશમાં પૂરી દેવામાં આવી છે. ત્યારબાદ પરિવાર આ ‘આત્મા’ ભરેલા કળશને લઈને વાજતે-ગાજતે પોતાના ગામ બોકડિયા પરત ફર્યો હતો.
વિજ્ઞાન જાથાએ ગણાવ્યો ભ્રમ
આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ‘વિજ્ઞાન જાથા‘ ના જયંત પંડ્યાએ આ બાબતની કડક શબ્દોમાં આલોચના કરતા જણાવ્યું કે, આત્માને કળશમાં પૂરવી કે કોઈના શરીરમાં પ્રવેશ કરવો એ તદ્દન પાયાવિહોણી વાત છે અને વિજ્ઞાનમાં આવી કોઈ બાબતને સ્થાન નથી. લોકોને અપીલ કરતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ પ્રકારની પ્રથાઓ લોકોને અંધશ્રદ્ધાના અંધકાર તરફ ધકેલે છે, તેથી લોકોએ આવા ભ્રમમાં ન આવવું જોઈએ.
છોટાઉદેપુર જિલ્લામાં અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે, જેને સ્થાનિક લોકો પોતાની પરંપરા ગણાવે છે, પરંતુ આધુનિક યુગમાં આવી ઘટનાઓ અનેક સવાલો ઉભા કરી રહી છે.
આ પણ વાંચો:છોટાઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં વાઘના ધામા, પગના નિશાન આધારે વન વિભાગનો દાવો
આ પણ વાંચો:છોટાઉદેપુરના બહાદરપુર ગામની જવાહર નવોદય વિદ્યાલયમાં 18 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગની અસર
