Visavadar News/ વિસાવદરના જાંબુડી ગામે વૃદ્ધા પર દીપડાનો હુમલો: 18 ફૂટની દીવાલ કૂદી ઘરમાં ઘૂસ્યો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

વિસાવદરના જાંબુડી ગામમાં દીપડો 18 ફૂટની દીવાલ કૂદી ઘરમાં ઘૂસ્યો અને સૂતેલા વૃદ્ધા પર હુમલો (Leopard Attack) કર્યો. ગંભીર હાલતમાં વૃદ્ધાને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

Top Stories Gujarat Others Breaking News
Leopard Attack: 18 ફૂટની દીવાલ કૂદી દીપડો ઘરમાં ઘૂસ્યો, વૃદ્ધા ગંભીર

Visavadar News: ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના સરહદી વિસ્તારોમાં દીપડાના વધતા આતંક વચ્ચે વિસાવદર તાલુકાના જાંબુડી ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મધરાતે એક દીપડો આશરે 18 ફૂટ ઊંચી કંપાઉન્ડ વોલ કૂદીને ઘરમાં ઘૂસ્યો અને ઊંઘી રહેલા વૃદ્ધા પર હુમલો (Leopard Attack) કર્યો. હુમલામાં વૃદ્ધાને માથા, હોઠ, પીઠ સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને પ્રથમ વિસાવદર હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Leopard Attack: મધરાતે દીપડો ઘરમાં ઘૂસ્યો

જાંબુડી ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરવાડીના મકાનમાં પુંજાભાઈ જેસાભાઈ વાળા પરિવાર સાથે રહે છે. મધરાતના સમયે તેમના માતા ડાહીબેન જેસાભાઈ વાળા ઘરમાં સૂતા હતા. તે દરમિયાન શિકારની શોધમાં આવેલો દીપડો લગભગ 18 ફૂટ ઊંચી દીવાલ કૂદીને મકાનમાં ઘૂસ્યો અને સીધો ઘરમાં પહોંચી વૃદ્ધા પર હુમલો (Leopard Attack) કર્યો.દીપડાએ વૃદ્ધાના હોઠ, માથા, પીઠ અને શરીરના અન્ય ભાગોમાં નખ અને દાંતના ઘા મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા.

પરિવારજનોની સતર્કતાથી દીપડો ભાગ્યો

વૃદ્ધાની ચીસો સાંભળીને પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિવારજનોને આવતા જોઈ દીપડો ભાગી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા ડાહીબેનને પ્રથમ વિસાવદર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમની સ્થિતિ ગંભીર હોવાથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા.

ગ્રામજનોમાં ભયનો માહોલ

આ ઘટના બાદ સમગ્ર જાંબુડી અને આસપાસના ગામોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાની અવરજવર વધી છે. અગાઉ પણ વન વિભાગે પાંજરું મૂક્યું હતું, પરંતુ દીપડો પકડાયો નહોતો.ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરીને દીપડાને પાંજરે પૂરવાની માંગ કરી છે, જેથી ખેડૂતો અને ગ્રામજનો સુરક્ષિત રીતે ખેતી અને રોજિંદું જીવન જીવી શકે.

વન વિભાગની અપીલ

વન વિભાગે લોકોને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા, દીપડો દેખાય તો નજીક જવાનો પ્રયાસ ન કરવા અને તરત જ વન વિભાગને જાણ કરવાની અપીલ કરી છે.

દીપડા વિશે જાણવાની મહત્વની બાબતો

દીપડો આશરે 18 ફૂટ સુધી લાંબો કૂદકો મારી શકે છે.

તે 58 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

દીપડો ઝાડ પર ચઢવામાં અત્યંત નિપુણ હોય છે.

મોટા ભાગે તે રાત્રિના સમયે વધુ સક્રિય રહે છે.

ગુજરાતમાં વર્ષ 2023ની ગણતરી મુજબ 2,294 દીપડા નોંધાયા હતા, જ્યારે હાલ તેમની સંખ્યા અંદાજે 2,600 સુધી પહોંચી હોવાનું માનવામાં આવે છે.


આ પણ વાંચો:ઊનાનાં વાડી વિસ્તારમાં ધોળા દિવસે ખેડૂત પર Leopard Attack

આ પણ વાંચો:ગીર સોમનાથના વિઠ્ઠલપુરમાં યુવક પર દીપડાનો હુમલો, વહેલી સવારે યુવક પર કર્યો હુમલો

આ પણ વાંચો:દુકાને જઈ રહેલ વૃદ્ધા પર Leopard Attack, ઘટનાસ્થળે જ મોત