Gandhinagar News/ ગૂગલ મેપથી હોટેલ બુકિંગ કરો છો? સાવધાન! નકલી વેબસાઇટ બનાવી સાયબર ઠગાઈ કરતી ગેંગ સક્રિય

ગૂગલ મેપ (Google Maps Scam) પર હોટેલ અને ધર્મશાળાના નકલી નંબર તથા વેબસાઇટ બનાવી સાયબર ઠગાઈ કરતી ગેંગ સક્રિય થઈ છે. ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે અજાણ્યા આરોપીઓ સામે FIR નોંધાવી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Google Maps Scam: સોમનાથથી વૃંદાવન સુધી હોટેલ બુકિંગમાં મોટું ઓનલાઈન કૌભાંડ

Gandhinagar News: ગૂગલ મેપ (Google Maps Scam)નો ઉપયોગ કરીને હોટેલ અથવા ધર્મશાળાનું બુકિંગ કરતા લોકો માટે ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા છે. દેશના વિવિધ યાત્રાધામો અને પર્યટન સ્થળોની જાણીતી હોટેલો અને ધર્મશાળાઓના નામે નકલી વેબસાઇટો અને ભ્રામક સંપર્ક નંબર બનાવી સાયબર ઠગાઈ કરતી ગેંગ સક્રિય હોવાનું બહાર આવ્યું છે.આ સમગ્ર કૌભાંડને લઈને ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

જાણીતી ધર્મશાળા અને હોટેલોના નામે બનાવાયા નકલી પ્લેટફોર્મ

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઠગોએ દેશના જાણીતા યાત્રાધામો અને પર્યટન સ્થળોએ આવેલી ધર્મશાળા, આશ્રમ અને હોટેલોના નામે નકલી વેબસાઇટો અને વેબપેજ તૈયાર કર્યા હતા.આમાં સોમનાથનું મહેશ્વરી અતિથિ ભવન, વૃંદાવનનું ઇસ્કોન, ઋષિકેશનું ગીતા ભવન અને પરમાર્થ નિકેતન સહિત અનેક સ્થળોના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.

Google Maps Scam: ગૂગલ મેપ પર ફોટામાં મૂકાતા હતા નકલી નંબર

સાયબર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઠગોની કામગીરી ખૂબ જ આયોજનબદ્ધ હતી.તેઓ સૌપ્રથમ ગૂગલ મેપ (Google Maps Scam) પર લોકપ્રિય હોટેલ અથવા ધર્મશાળાનું લિસ્ટિંગ શોધતા અને ત્યારબાદ તેની ફોટો ગેલેરીમાં એવા ફોટા અપલોડ કરતા જેમાં મોટા અક્ષરોમાં પોતાના મોબાઇલ નંબર લખેલા હોય.બુકિંગ કરવા ઇચ્છતા લોકો આ નંબરને સત્તાવાર માનીને સંપર્ક કરતા અને ત્યારથી ઠગાઈની શરૂઆત થતી.

એડવાન્સ પેમેન્ટના નામે ખાતા ખાલી

ગ્રાહક ફોન કરતા સામેનો વ્યક્તિ પોતાને હોટેલ અથવા ટ્રસ્ટનો મેનેજર તરીકે ઓળખાવતો હતો. ત્યારબાદ રૂમ બુકિંગ કન્ફર્મ કરવા માટે એડવાન્સ રકમ માંગવામાં આવતી અથવા UPI લિંક, QR કોડ અથવા અન્ય ડિજિટલ પેમેન્ટ માધ્યમ મોકલવામાં આવતાં.કેટલાક કિસ્સાઓમાં ગ્રાહકોને UPI PIN અથવા બેંકિંગ વિગતો દાખલ કરવાનું કહેવામાં આવતું હતું. વિગતો શેર થતાં જ તેમના બેંક ખાતામાંથી રૂપિયા ઉપડી જતા હતા.

અનેક રાજ્યોમાંથી મળી ફરિયાદો

ગાંધીનગર સાયબર હેલ્પલાઇન 1930 પર દેશના વિવિધ રાજ્યોમાંથી હોટેલ અને ધર્મશાળા બુકિંગ સંબંધિત ઓનલાઈન છેતરપિંડીની અનેક ફરિયાદો મળી હતી.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 8 ઓક્ટોબર 2025થી 27 જુલાઈ 2026 દરમિયાન આ પ્રકારનું કૌભાંડ ચલાવવામાં આવતું હતું.દરેક પીડિત પાસેથી અલગ-અલગ પ્રમાણમાં રકમ પડાવવામાં આવતી હોવાથી ઘણી જગ્યાએ અલગથી ફરિયાદ નોંધાઈ નહોતી.

રાજ્ય સરકાર તરફથી FIR નોંધાઈ

આ સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના ઇન્વેસ્ટિગેશન યુનિટ દ્વારા રાજ્ય સરકાર તરફથી અજાણ્યા આરોપીઓ સામે સત્તાવાર ગુનો નોંધાવવામાં આવ્યો છે. હાલ પોલીસ મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસ કરી રહી છે.

Google Maps Scam: હોટેલ બુકિંગ કરતી વખતે રાખો આ સાવચેતીઓ

હંમેશા હોટેલ અથવા ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ પરથી જ બુકિંગ કરો.

ગૂગલ મેપ (Google Maps Scam)ની ફોટો ગેલેરીમાં લખાયેલા મોબાઇલ નંબર પર વિશ્વાસ ન કરો.

અજાણી UPI લિંક અથવા QR કોડ દ્વારા ચુકવણી ન કરો.

કોઈપણ સંજોગોમાં OTP, UPI PIN અથવા બેંકિંગ વિગતો શેર ન કરો.

શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત 1930 સાયબર હેલ્પલાઇન અથવા નજીકના સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો.


આ પણ વાંચો:ગૂગલ મેપનો ઉપયોગ કરી મંદિરોમાં ચોરી, બે આરોપી ઝડપાયા

આ પણ વાંચો:ગૂગલ મેપ્સ સંપૂર્ણપણે બદલાઈ ગયું! હવે 3D વ્યુ અને AI ની તાકાતથી મળશે એકદમ સચોટ રસ્તો

આ પણ વાંચો:ગૂગલ મેપએ પહોંચાડ્યા નદીમાં, વિદ્યાર્થીઓએ બારી ખોલી તરીને જીવ બચાવ્યો