Ahmedabad News/ અમદાવાદમાં 11 વર્ષની બાળકીના લગ્ન અટકાવાયા, મંડપમાંથી જ 181 અભયમે બચાવી

Child Marriage: અમદાવાદના નારોલ વિસ્તારમાં જાગૃત નાગરિક અને 181 અભયમ ટીમની મદદથી 11 વર્ષની સગીરાના લગ્ન મંડપમાંથી અટકાવી લેવાયા છે. પરિવારના પૂર્વના બાળલગ્નોનો પણ પર્દાફાશ થયો છે.

Top Stories Ahmedabad Gujarat
Child Marriage

Ahmedabad Narol Child Marriage: અમદાવાદના નારોલ વિસ્તારમાં બાળલગ્નનો ગંભીર પ્રયાસ સમયસર અટકાવવામાં આવ્યો છે.

એક જાગૃત નાગરિકની માહિતીના આધારે 181 અભયમ સહિતની ટીમો લગ્નસ્થળે પહોંચી હતી. અહીં માત્ર 11 વર્ષની સગીર બાળકીના લગ્નની તૈયારી ચાલી રહી હતી.

એટલું જ નહીં, જાન લઈને આવેલો વરરાજો પણ માત્ર 17 વર્ષનો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

Child Marriage

લગ્નની વિધિ શરૂ થાય તે પહેલાં ટીમ પહોંચી

નારોલ વિસ્તારમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો હતો અને 17 વર્ષીય સગીર વરરાજાની જાન પણ પહોંચી ચૂકી હતી.

દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર એક જાગૃત નાગરિકે ફોન કરીને સગીર બાળકીના લગ્ન કરાવાઈ રહ્યા હોવાની માહિતી આપી હતી.

માહિતી મળતાં જ 181 અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પરિવારજનોની પ્રાથમિક પૂછપરછ દરમિયાન બાળકી પુખ્ત વયની હોવાનું જણાવવામાં આવ્યું હતું.

જોકે, ટીમે ઓળખના દસ્તાવેજોની તપાસ કરતાં હકીકત સામે આવી હતી કે બાળકીની ઉંમર માત્ર 11 વર્ષ છે.

Child Marriage

વરરાજો પણ 17 વર્ષનો હોવાનું સામે આવ્યું

ઓળખના પુરાવાની તપાસમાં સામે આવ્યું કે લગ્ન માટે આવેલો છોકરો પણ સગીર છે અને તેની ઉંમર 17 વર્ષ છે. બંને પક્ષ સગીર હોવાથી ટીમે તાત્કાલિક લગ્ન અટકાવી દીધા હતા.

બાળકીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને પોલીસ મથકે લઈ જવામાં આવી હતી. ત્યારબાદ બાળલગ્ન(Child Marriage) પ્રતિબંધક અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, DCPU, 181 અભયમ અને ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમોએ સંયુક્ત રીતે પરિવારજનોનું કાઉન્સેલિંગ કર્યું હતું.

Child Marriage

11 વર્ષની બાળકી સુરક્ષિત, ચિલ્ડ્રન હોમમાં મોકલાઈ

કાયદેસરની પ્રક્રિયા અંતર્ગત બાળકીનું નિવેદન લેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને સુરક્ષિત આશ્રય માટે ‘ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ’ ખાતે મોકલી આપવામાં આવી છે.

કાઉન્સેલિંગ બાદ માતા-પિતાએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને બાળકી પુખ્ત વયની થાય ત્યાં સુધી તેના લગ્ન(Child Marriage) નહીં કરાવવાની બાંહેધરી આપી હોવાનું સામે આવ્યું છે.

અગાઉ પણ ત્રણ દીકરીઓના સગીર વયે લગ્ન કરાવ્યા હતા

આ કેસમાં પૂછપરછ દરમિયાન વધુ એક ગંભીર બાબત સામે આવી હતી. પરિવાર અગાઉ પોતાની ત્રણ દીકરીઓના પણ સગીર વયે લગ્ન(Child Marriage) કરાવી ચૂક્યો હોવાનો ખુલાસો થયો છે.

આ ત્રણેય દીકરીઓ હાલ કાયદાકીય રીતે સગીર હોવા છતાં તેમના લગ્ન(Child Marriage) થઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે.

પરિવારજનો દ્વારા સમાજમાં વહેલા લગ્ન કરવાની પરંપરાનો હવાલો આપવામાં આવ્યો હતો. જોકે, ટીમે સ્પષ્ટ કર્યું કે કોઈપણ સામાજિક રિવાજ કાયદાથી ઉપર નથી અને સગીર વયે લગ્ન કરાવવું કાયદેસર ગુનો છે.


આ પણ વાંચો :અમદાવાદના ઢાલગરવાડ કાપડ બજારમાં વેપારી પર હુમલો, વિરોધમાં બજાર બંધ

આ પણ વાંચો :અસારવા પાણીની ટાંકીમાંથી ખોપરી-હાડકાં મળતાં સવાલ, માનવીના છે કે પ્રાણીના રહસ્ય

આ પણ વાંચો : અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, સરસપુરવાસીઓના હાલ બેહાલ