Surat News/ કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી મુંબઈ આવતા જ ઝડપાયો, સુરત સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી

સુરત સાયબર ક્રાઈમ (Surat Cyber Crime) પોલીસે દુબઈથી મુંબઈ આવેલા 3 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી. ટાસ્ક ફ્રોડ, ફેક ICEGATE કૌભાંડ અને ₹5.17 કરોડના ટ્રાન્ઝેક્શનની તપાસમાં દેશભરની 49 ફરિયાદો જોડાઈ.

Top Stories Gujarat Surat Breaking News
Surat Cyber Crime: દુબઈથી મુંબઈ ઉતરતાં જ સાયબર ફ્રોડનો આરોપી ઝડપાયો

Surat News: સુરત સાયબર ક્રાઈમ  (Surat Cyber Crime) સેલે કરોડો રૂપિયાના ઓનલાઈન ફ્રોડના કેસમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી દુબઈમાં રહીને આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગ સાથે જોડાયેલો હતો અને બેન્ક એકાઉન્ટ તથા ડમી કંપનીઓના નેટવર્ક મારફતે નાણાકીય વ્યવહારો કરાવતો હતો.

પોલીસે આરોપી સામે લુકઆઉટ સર્ક્યુલર (LOC) જાહેર કર્યો હતો. આરોપી દુબઈથી ફ્લાઇટ મારફતે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચતા જ સુરત સાયબર ક્રાઈમ (Surat Cyber Crime)ની ટીમે એરપોર્ટ ઓથોરિટીની મદદથી તેને ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપીની ઓળખ 38 વર્ષીય મોહમદ સાહીબ મોહમદ સાદીક તંબુવાલા તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ તે સુરતના રાંદેર રોડ, અડાજણ પાટિયા વિસ્તારમાં ઝલ એપાર્ટમેન્ટમાં રહેતો હતો.

Telegram પર YouTube Task આપી ₹29.89 લાખની છેતરપિંડી

સુરત સાયબર ક્રાઈમ (Surat Cyber Crime) પોલીસ મથકમાં વર્ષ 2023માં નોંધાયેલા એક કેસની તપાસ દરમિયાન આ નેટવર્ક સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદીને Telegram મારફતે ‘mbbz4.cc’ નામની લિંક મોકલવામાં આવી હતી. લિંક પર રજિસ્ટ્રેશન કરાવી શરૂઆતમાં YouTube ચેનલ Subscribe કરવાના Task આપવામાં આવ્યા હતા.

આ ટાસ્ક પૂર્ણ કરવા બદલ કમિશન આપીને ફરિયાદીનો વિશ્વાસ જીતવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ કમાણીની લાલચ આપીને Prepaid Taskના નામે અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદી પાસેથી કુલ ₹30,20,137 ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. તેમાંથી શરૂઆતમાં માત્ર ₹30,450 કમિશન તરીકે પરત આપવામાં આવ્યા હતા. બાકીના ₹29,89,687ની રકમની છેતરપિંડી થઈ હતી.

Fake Digital Signatureથી ICEGATE પોર્ટલનો દુરુપયોગ

બીજા કેસમાં આરોપીઓએ એક ફર્મના નામે બનાવટી દસ્તાવેજો અને ખોટું Digital Signature Certificate (DSC) તૈયાર કર્યું હોવાનો પોલીસનો આરોપ છે. આ બનાવટી DSCનો ઉપયોગ કરીને ભારત સરકારના ICEGATE પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ માટે ફેક ઈ-મેઈલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ફર્મના Import Export Code (IEC)નો કથિત રીતે ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદીની જાણ બહાર સરકારની ROSCTL યોજના હેઠળ મળેલી 7 ઈ-સ્ક્રિપ્સમાંથી 4 ઈ-સ્ક્રિપ્સ અન્ય ધારકોને ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ 4 ઈ-સ્ક્રિપ્સની કુલ કિંમત ₹54,25,767 હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે 7 ઈ-સ્ક્રિપ્સની કુલ કિંમત ₹95,42,831 હતી.

માત્ર 2 દિવસમાં ₹5.17 કરોડના ટ્રાન્ઝેક્શન

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી વધુ માહિતી સામે આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, સાહીબ તંબુવાલા સુરતના સ્થાનિક સાગરીતો પાસેથી કમિશનના આધારે બેન્ક એકાઉન્ટ મેળવતો હતો. ત્યારબાદ આવા બેન્ક એકાઉન્ટ દુબઈમાં રહેલા સાયબર ગેંગના કથિત મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડવામાં આવતા હતા. આરોપી પોતે આશરે 20,115 UAE દિરહામ, એટલે કે અંદાજે ₹5 લાખ, જેટલું કમિશન રાખતો હોવાનો પોલીસનો દાવો છે. તપાસમાં એક બેન્ક એકાઉન્ટમાં 11 અને 12 મે 2023, એટલે કે માત્ર બે દિવસ દરમિયાન ₹5,17,54,598ના વ્યવહારો થયાનું સામે આવ્યું છે.

Surat Cyber Crime
Surat Cyber Crime

એક બેન્ક એકાઉન્ટ સાથે દેશભરની 49 ફરિયાદો જોડાઈ

પોલીસે નેશનલ સાયબર ક્રાઈમ (Surat Cyber Crime) રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતાં આ બેન્ક એકાઉન્ટ સાથે દેશના અલગ-અલગ રાજ્યોમાંથી નોંધાયેલી 49 ફરિયાદો જોડાયેલી હોવાનું શોધી કાઢ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ફરિયાદોમાં સીધી રીતે ₹86,34,942ની ફ્રોડ રકમ આ એકાઉન્ટમાં જમા થયેલી હોવાનું સામે આવ્યું છે. આ ખુલાસા બાદ સુરત સાયબર ક્રાઈમ (Surat Cyber Crime) સેલે આરોપીના આંતરરાષ્ટ્રીય કનેક્શન અંગે તપાસ વધુ તેજ કરી છે.

બોગસ કંપની બનાવી IEC અને ID-Password આપ્યા

આ કેસમાં અગાઉ ઝડપાયેલા સલાબતપુરાના તક્ષલ લુંગીવાલા સાથે મળીને આરોપીએ એક બોગસ કંપની અને તેની બનાવટી DSC તૈયાર કરી હોવાનો પોલીસનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ફેક કંપનીનો Import Export Code (IEC) તેમજ ID અને Password દુબઈમાં રહેલા વોન્ટેડ આરોપીને આપવામાં આવ્યા હતા. તેના બદલામાં ₹50,000 કમિશન મેળવવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કથિત નેટવર્ક દ્વારા ફરિયાદીની ₹25,36,877ની સરકારી ઈ-સ્ક્રિપ્સ ટ્રાન્સફર કરવામાં આવી હોવાનો પોલીસનો દાવો છે.

Surat Cyber Crime દ્વારા અગાઉ બે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે

આ સમગ્ર કેસમાં ડીંડોલીના કૃણાલ સેંધાણે અને સલાબતપુરાના તક્ષલ લુંગીવાલાની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે અને તેઓ જેલમાં હોવાનું પોલીસ તપાસમાં જણાવાયું છે. હવે મોહમદ સાહીબ તંબુવાલાની ધરપકડ બાદ સાયબર ક્રાઈમ (Surat Cyber Crime) પોલીસે તેના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.

પોલીસ હાલ આરોપીના બેન્ક એકાઉન્ટ, ડમી કંપનીઓ, સ્થાનિક સાગરીતો અને દુબઈમાં રહેલા કથિત સાયબર ગેંગ સાથેના કનેક્શન અંગે તપાસ કરી રહી છે. આ નેટવર્ક સાથે વધુ લોકો જોડાયેલા છે કે કેમ અને અન્ય કેટલા નાણાકીય વ્યવહારો થયા છે તે અંગે તપાસ આગળ વધી રહી છે.


આ પણ વાંચો: સુરતમાં 3.80 કરોડના સાયબર ફ્રોડના ગુનાનો આરોપી ઝડપાયો

આ પણ વાંચો: સુરતના કતારગામ અને સરથાણાનો સાયબર ફ્રોડનો પર્દાફાશ, 1 યુવતી સહિત 4ને વોન્ટેડ જાહેર કર્યા

આ પણ વાંચો: સુરત ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડ અને હવાલા રેકેટમાં વધુ ત્રણ ઝડપાયા