Valsad News : ગુજરાતમાં હોસ્ટેલના ભોજનને લઈને સમયાંતરે ફૂડ પોઇઝનિંગ (Food Poisoning)ની ઘટનાઓ સામે આવતી રહી છે. વિદ્યાર્થીઓના ભોજન અને સુરક્ષાને લઈને હવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ગુજરાતભરમાં Student’s Raid અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત વલસાડ નગર ABVP દ્વારા નૂતન કેળવણી મંડળ સંચાલિત કોલેજ હોસ્ટેલ (Valsad Hostel)માં વિદ્યાર્થીઓ સાથે જઈને તપાસ (Student’s Raid)કરવામાં આવી હતી.
વલસાડ હોસ્ટેલ (Valsad Hostel)માં ABVPની તપાસ
ABVP વલસાડ નગરના જણાવ્યા મુજબ, હોસ્ટેલ (Valsad Hostel)માં તપાસ દરમિયાન ભોજનની ગુણવત્તા અને વિદ્યાર્થીઓની મૂળભૂત સુવિધાઓ અંગે અનેક બાબતો સામે આવી હતી. સંગઠન દ્વારા હોસ્ટેલની મેસ તેમજ સમગ્ર કેમ્પસની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન મેસમાં રાખવામાં આવેલા કેટલાક શાકભાજી સડી ગયેલા અને નીચી ગુણવત્તાના હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેટલાક પાપડ અને સોસ જેવી સામગ્રીની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવાનું પણ ABVP દ્વારા જણાવાયું છે.
રસોડામાં ખુલ્લા મસાલા અને ખોરાક અંગે સવાલ
તપાસ દરમિયાન ખુલ્લામાં રાખવામાં આવેલા મસાલા અને ખાંડમાં કીડીઓ જોવા મળી હોવાનો ABVPએ દાવો કર્યો હતો. રસોડામાં ખુલ્લા ખોરાકની આસપાસ સ્વચ્છતા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.
ABVPના જણાવ્યા પ્રમાણે, રસોડાની એક બારી તૂટેલી હાલતમાં હોવાથી બહારથી જીવજંતુઓ અંદર પ્રવેશી શકે તેવી સ્થિતિ જોવા મળી હતી. રસોડાની બહાર મૃત ઉંદર મળી આવ્યો હોવાનો પણ સંગઠન દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ તમામ બાબતોને લઈને Hostel Food Safety અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
સુરક્ષા કર્મચારી નહીં હોવાનો દાવો
ABVPની તપાસ દરમિયાન હોસ્ટેલ (Valsad Hostel)ની અંદર કોઈ સુરક્ષા કર્મચારી હાજર ન હોવાનું પણ જણાવાયું હતું. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોસ્ટેલમાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા હોવી જરૂરી હોવાનો મુદ્દો ABVP દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
સંગઠનના જણાવ્યા પ્રમાણે, સુરક્ષા કર્મચારીની ગેરહાજરીમાં જો કોઈ વિદ્યાર્થી સાથે અણબનાવની ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે તે અંગે પણ સ્પષ્ટતા જરૂરી છે.
પીવાના પાણીની સુવિધા અંગે પણ રજૂઆત
હોસ્ટેલ કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની પૂરતી સુવિધા ન હોવાનો ABVP દ્વારા દાવો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પાણી ભરવા માટે કોલેજ પરિસરમાં દૂરના સ્થળે જવું પડતું હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી.
ખાસ કરીને અંધારાના સમયે વિદ્યાર્થીઓને પાણી લેવા જવું પડતું હોવાનો મુદ્દો સામે આવતા સુરક્ષા અને મૂળભૂત સુવિધા બંને અંગે પ્રશ્નો ઊભા થયા છે.
ABVP દ્વારા હોસ્ટેલની સમસ્યાઓ અંગે વોર્ડન અને રેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા માંગ કરવામાં આવી હતી. હવે હોસ્ટેલ તંત્ર દ્વારા ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા, સુરક્ષા અને પીવાના પાણીની સુવિધા અંગે શું પગલાં લેવામાં આવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
