Mahisagar News : લુણાવાડા (Lunawada)શહેરમાં ચાર કોશીયા નાકા પાસે આવેલા બક્ષીપંચ કુમાર છાત્રાલય (Bakshipanch Kumar Chhatralaya)માં ભોજન લીધા બાદ 6 જેટલા બાળકોની તબિયત અચાનક લથડી જતાં દોડધામ મચી ગઈ હતી. બાળકોને પેટમાં અસહ્ય દુખાવો, ઝાડા અને ઊલટીની ફરિયાદ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફૂડ પોઈઝનિંગ (Food Poisoning)ની આ ઘટનાને લઈને વાલીઓએ છાત્રાલયમાં પીરસવામાં આવતા ભોજન અને પાણીની ગુણવત્તાની તપાસ કરવાની માંગ કરી છે
ભોજન બાદ બાળકોની તબિયત લથડી
મળતી માહિતી મુજબ, છાત્રાલયમાં મોડી સાંજે અથવા રાત્રિના સમયે ભોજન લીધા બાદ કેટલાક બાળકોને અચાનક તબિયત ખરાબ થવાની ફરિયાદ શરૂ થઈ હતી. એકસાથે 6 જેટલા બાળકોને પેટમાં દુખાવો તેમજ ઝાડા-ઊલટી થતાં છાત્રાલય સંચાલકોને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. સ્થિતિને ધ્યાનમાં રાખીને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી તમામ 6 બાળકોને લુણાવાડાની કોટેજ હોસ્પિટલ (Children Hospitalized)ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હાલ બાળકોની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
છાત્રાલયમાં 20 વિદ્યાર્થીઓ રહે છે
બક્ષીપંચ કુમાર છાત્રાલયમાં અંદાજે 50 વિદ્યાર્થીઓની રહેવાની ક્ષમતા છે, જ્યારે હાલમાં આશરે 20 વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરી રહ્યા છે. તેમાંથી એકસાથે 6 વિદ્યાર્થીઓની તબિયત બગડતાં છાત્રાલયમાં પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે સવાલો ઊભા થયા છે.
ભોજનના સેમ્પલ લેવાની માંગ
ઘટના બાદ સ્થાનિકો અને વાલીઓએ છાત્રાલયમાં પીરસવામાં આવતા ભોજન અને પાણીની ગુણવત્તાની તપાસ કરવાની માંગ કરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભોજન, પાણી તેમજ વાનગીઓના સેમ્પલ લઈ તપાસ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
સ્થાનિકોની માગ છે કે માત્ર લુણાવાડાની આ છાત્રાલય પૂરતી તપાસ સીમિત ન રાખવામાં આવે, પરંતુ સમગ્ર મહીસાગર જિલ્લામાં આવેલી કુમાર છાત્રાલયો અને આશ્રમશાળાઓમાં પીરસાતા ભોજનની પણ ચકાસણી કરવામાં આવે. બાળકોને ગુણવત્તાયુક્ત અને સ્વચ્છ ભોજન મળે તે માટે નિયમિત તપાસ અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો : સાબરકાંઠા: ઈડરની શાળામાં ફૂડ પોઈઝનિંગની અસર, 45થી વધુ બાળકોની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડાયા
આ પણ વાંચો : સુરેન્દ્રનગરની ભારત સીટ્સ કંપનીમાં ફૂડ પોઈઝનિંગ: ભોજનમાંથી ગરોળી મળ્યાનો આક્ષેપ, 10થી વધુ કર્મચારીઓ બીમાર
આ પણ વાંચો : જામનગરમાં મધ્યાહન ભોજન બાદ 10 વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગની આશંકા; હોસ્પિટલમાં સારવાર ચાલુ
