Business News/ સરકારની મોટી જાહેરાત: વિદેશમાં છુપાયેલી સંપત્તિ જાહેર કરવાની તક, 31 ડિસેમ્બર પછી નહીં મળે મોકો

વિદેશમાં અઘોષિત સંપત્તિ કે આવક ધરાવતા નાના કરદાતાઓ માટે FAST-DS યોજના 16 ઓગસ્ટથી શરૂ થશે. 31 ડિસેમ્બર સુધી જાહેરાત કરી 30% ટેક્સ સહિત જરૂરી ચુકવણી કરવાની તક મળશે.

Breaking News Business
FAST-DS 2026

Business News: વિદેશમાં અઘોષિત સંપત્તિ અથવા આવક ધરાવતા નાના કરદાતાઓ માટે સરકાર નવી FAST-DS (Foreign Assets of Small Taxpayers Disclosure Scheme) લઈને આવી છે. આ યોજના 16 ઓગસ્ટ 2026થી અમલમાં આવશે અને પાત્ર કરદાતાઓ 31 ડિસેમ્બર 2026 સુધી પોતાની અઘોષિત વિદેશી સંપત્તિ અથવા આવક જાહેર કરી શકશે. સત્તાવાર બજેટ દસ્તાવેજ મુજબ, કેટલીક શ્રેણીમાં 30% ટેક્સ ઉપરાંત એટલી જ વધારાની રકમ ચૂકવવાની રહેશે, જ્યારે અન્ય ચોક્કસ કિસ્સામાં 1 લાખની ફી લાગશે.

FAST-DS હેઠળ કોને મળશે લાભ?

FAST-DS ખાસ કરીને એવા નાના કરદાતાઓ માટે બનાવવામાં આવી છે જેમની વિદેશી સંપત્તિ (Foreign assets)અથવા વિદેશી આવક અગાઉ જાહેર થઈ નથી. તેમાં વિદ્યાર્થીઓ, યુવા પ્રોફેશનલ્સ, ટેક્નોલોજી ક્ષેત્રના કર્મચારીઓ અને એવા લોકોનો સમાવેશ થઈ શકે છે જેમણે NRI તરીકે વિદેશમાં સંપત્તિ મેળવી હોય અને બાદમાં ભારતમાં રહેવાસી બન્યા હોય. યોજનાનો હેતુ જૂની નાની-મોટી બિનજાહેરાતની ભૂલોને સ્વૈચ્છિક રીતે સુધારવાની તક આપવાનો છે.

1 કરોડ સુધીની અઘોષિત સંપત્તિ પર કેટલો ટેક્સ?

જો અઘોષિત વિદેશી સંપત્તિ અને અઘોષિત વિદેશી આવકનું કુલ મૂલ્ય 1 કરોડથી વધુ ન હોય, તો 31 માર્ચ 2026ની સ્થિતિ મુજબ સંપત્તિના વાજબી બજાર મૂલ્ય અને અઘોષિત વિદેશી આવક પર 30% ટેક્સ લાગશે. આ ઉપરાંત નક્કી કરાયેલા ટેક્સ જેટલી જ વધારાની રકમ ચૂકવવાની રહેશે. એટલે અસરકારક રીતે સંબંધિત મૂલ્ય પર કુલ 60% ચુકવણી થઈ શકે છે. ઉદાહરણ તરીકે, 60 લાખની અઘોષિત વિદેશી સંપત્તિ હોય તો 30% એટલે 18 લાખ ટેક્સ અને તેના જેટલી વધારાની રકમ ચૂકવવાની થાય છે. આ રીતે કુલ 36 લાખની ચુકવણી થઈ શકે છે.

5 કરોડ સુધીની સંપત્તિ માટે 1 લાખની ફી

બીજી શ્રેણી એવા કિસ્સાઓ માટે છે જ્યાં વિદેશી સંપત્તિ એવી આવકમાંથી ખરીદવામાં આવી હોય જેના પર ભારતમાં પહેલેથી ટેક્સ ચૂકવાયો છે, પરંતુ ITRમાં વિદેશી સંપત્તિની વિગતો દર્શાવવાનું રહી ગયું હોય. તેવી જ રીતે, વ્યક્તિ NRI હતી ત્યારે વિદેશમાં સંપત્તિ મેળવી હોય અને ભારતમાં રહેવાસી બન્યા બાદ તેની વિગતો જાહેર કરવાનું રહી ગયું હોય તો પણ આ શ્રેણી લાગુ પડી શકે છે. આ કિસ્સામાં સંપત્તિનું મૂલ્ય 5 કરોડથી વધુ ન હોવું જોઈએ અને 1 લાખની નિર્ધારિત ફી ચૂકવવાની રહેશે.

કાનૂની રાહત પણ મળશે

યોજના હેઠળ યોગ્ય રીતે જાહેરાત કરીને જરૂરી ચુકવણી કરનાર પાત્ર કરદાતાઓને સંબંધિત બાબતોમાં દંડ અને કાર્યવાહીથી નિર્ધારિત રાહત મળી શકે છે. જોકે દરેક કેસમાં યોજના આપમેળે લાગુ પડે એવું નથી. ગુનાની આવક, ચોક્કસ ચાલી રહેલી કાર્યવાહી અથવા કાયદા હેઠળ બહાર રાખવામાં આવેલા કેસોમાં આ રાહત ઉપલબ્ધ ન હોઈ શકે. તેથી જાહેરાત કરતા પહેલાં કર નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

આ ઉપરાંત આવકવેરા વિભાગે વિદેશી સંપત્તિ સંબંધિત માહિતી AISમાં ઉપલબ્ધ કરાવવાની સુવિધા પણ શરૂ કરી છે. વિભાગના જણાવ્યા મુજબ CRS/FATCA હેઠળ મળેલી વિદેશી સંપત્તિની માહિતી કરદાતાઓ AISના Reports વિભાગમાં જોઈ શકે છે.

 


આ પણ વાંચો: FCRA શું છે? CJP પર વિદેશી ભંડોળના આરોપો વચ્ચે જાણો કાયદો, નિયમો અને સુધારાઓનો સંપૂર્ણ ઇતિહાસ

આ પણ વાંચો: ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં મોટો ઘટાડો, RBI અનુસાર એક સપ્તાહમાં $7.51 બિલિયન ઘટ્યા

આ પણ વાંચો: EDએ અનિલ અંબાણીની 1452 કરોડની સંપત્તિ જપ્ત કરી