Surat News : સુરતમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓએ ફેરવેલ પાર્ટીની ઉજવણી માટે 30 જેટલી લક્ઝરી કાર સાથે રેલી કાઢી કાયદાનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે. ઓલપાડ તાલુકામાં આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલના વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓએ BMW, મર્સિડીઝ, સ્કોડા જેવી મોંઘી કાર સાથે જહાંગીરપુરાના ડી-માર્ટથી ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી રેલી કાઢી હતી.
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુંકણી ગામની ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની ફેરવેલ રાખવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ સ્કોડા, મર્સિડિઝ, બીએમડબ્લ્યુ જેવી 30 જેટલી લક્ઝરી કાર લઈને પહોંચ્યા હતા. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો છે તેમાં વિદ્યાર્થીઓ કારના રૂફટોપમાંથી બહાર નીકળી સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. એકસાથે રસ્તા પર 30 જેટલી કાર દોડાવતા અન્ય વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
આ રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ હાથમાં ફાયર ગન જેવા હથિયારો સાથે કારના દરવાજા પર લટકીને સ્ટંટ કર્યા હતા. જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ઘટનાથી સુરત પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે. પોલીસને આ રેલીની જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.વિદ્યાર્થીઓએ જાહેર માર્ગો પર સ્ટંટ કરી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. જેના કારણે અન્ય વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રકારની બેફામ ડ્રાઇવિંગ અને સ્ટંટના કારણે અકસ્માત થવાની પણ શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ વિદ્યાર્થીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે.
સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ફાઉન્ટેન હેડ સ્કૂલ નજીક વિદ્યાર્થીઓના ગાડીઓના કાફલા સાથેના વીડિયો વાયરલ થયા બાદ, સુરત ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. DCP અમીતા વાનાણી એ જણાવ્યું કે, પોલીસ સ્ટેશન દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા તમામ કાર નંબર અને માહિતી મંગાવવામાં આવી છે અને મોટર વાહન અધિનિયમ (MV એક્ટ)ની કલમો અનુસાર જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. DCP અમીતા વાનાણી એ સ્પષ્ટ કર્યું કે, ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે શિક્ષાત્મક અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદના મેમનગરમાં નબીરાએ 6 વાહનોને અડફેટે લીધાં, યુવકની અટકાયત, CCTV સામે આવ્યા
આ પણ વાંચો: સુરતમાં નબીરાઓને રીલ બનાવાતા અટકાવાતા કોન્સ્ટેબલ પર કાર ચઢાવી
આ પણ વાંચો: અમદાવાદના પોશ વિસ્તારમાં દારૂની મહેફીલ, અચાનક પોલીસે આવીને નબીરાઓના રંગમાં ભંગ પાડ્યો
