World News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે રીતે રહેતા વિદેશી નાગરિકો સામે ડિપોર્ટેશન અભિયાન વધુ આક્રમક બનાવવાની તૈયારી શરૂ કરી છે. આ અભિયાનમાં આશરે 18 હજાર દસ્તાવેજ વિનાના ભારતીયો પણ નિશાન પર હોવાનું સામે આવ્યું છે. ટ્રમ્પ પ્રશાસન સૈન્ય વિમાનો, નવા ડિટેન્શન સેન્ટરો અને ICEની સતત કાર્યવાહી દ્વારા ઇમિગ્રેશન નિયમોના કડક અમલ તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે અમેરિકામાં વસતા અનેક ભારતીય પરિવારોમાં ચિંતા વધી છે.
18 હજાર ભારતીયો પર ડિપોર્ટેશન (Deportation) નું જોખમ
ટ્રમ્પ પ્રશાસને ગેરકાયદે રીતે અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટ્સ સામે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. તેમાં આશરે 18 હજાર અનડૉક્યુમેન્ટેડ ભારતીયો (Indians)પણ સામેલ હોવાનું જણાવાઈ રહ્યું છે. આ વખતે પણ ડિપોર્ટેશન માટે સૈન્ય વિમાનોનો ઉપયોગ કરવાની તૈયારી ચાલી રહી છે. ટ્રમ્પ (Donald Trump)સરકારની આ કાર્યવાહી તેમની કડક ઇમિગ્રેશન નીતિનો મહત્વનો ભાગ માનવામાં આવી રહી છે.
અપીલ, દલીલ કે વકીલની તક નહીં
અહેવાલો અનુસાર, ICE દ્વારા પકડાયેલા દસ્તાવેજ વિનાના લોકોને અગાઉની જેમ પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક મળી રહી નથી. ઇમિગ્રેશન અધિકારીઓ સતત દરોડા પાડી રહ્યા છે અને અનેક લોકોને સીધા જ ડિટેન્શન સેન્ટરોમાં મોકલવામાં આવી રહ્યા છે. જેના કારણે પ્રવાસીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ડિપોર્ટેશન અભિયાનને વધુ અસરકારક બનાવવા ટ્રમ્પ પ્રશાસને ટેક્સાસના એલ પાસો અને કેલિફોર્નિયામાં નવા ડિટેન્શન સેન્ટરો માટે વેરહાઉસ ખરીદ્યા છે. આ પ્રોજેક્ટ પર અંદાજે 16,500 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ કેન્દ્રોમાં લગભગ 12 હજાર જેટલા પ્રવાસીઓને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઇમિગ્રેશન વકીલો શું કહે છે?
ન્યૂયોર્કના ઇમિગ્રેશન એટર્ની ગ્રેગ સિસ્કિન્ડે જણાવ્યું કે તેઓ છેલ્લા ત્રણ દાયકાથી આવા કેસ લડી રહ્યા છે, પરંતુ હાલની સ્થિતિ અગાઉથી અલગ છે. તેમના જણાવ્યા અનુસાર, અગાઉ ગેરકાયદે રીતે રહેતા લોકોને કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળતી હતી. હવે ICEની કાર્યવાહી બાદ ઘણા લોકોને સીધા ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવામાં આવે છે. તેમણે એ પણ જણાવ્યું કે અમેરિકાના દરેક રાજ્યમાં માનવાધિકારો સંબંધિત નિયમો અલગ હોવા છતાં ICE સમગ્ર દેશમાં કાર્યવાહી કરી રહી છે.
