અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ટ્રમ્પ સરકારે એક મોટો આંચકો આપ્યો છે. યુએસ પ્રશાસને ઇમિગ્રેશન નિયમોમાં મોટો ફેરફાર કરતાં ‘ડ્યુરેશન ઓફ સ્ટેટસ’ (D/S) ના જૂના નિયમને નાબૂદ કરવાનો નિર્ણય ફાઇનલ કરી લીધો છે. નવા નિયમ અનુસાર, હવે વિદેશી વિદ્યાર્થીઓને F-1 સ્ટુડન્ટ વિઝા (Visa)પર અમેરિકામાં રહેવા માટે માત્ર 4 વર્ષની જ ફિક્સ સમયમર્યાદા આપવામાં આવશે. આ નિર્ણય ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત થયાના 60 દિવસ બાદ સત્તાવાર રીતે લાગુ થઈ જશે.
હવે ભણવા કે OPT માટે લેવું પડશે એક્સટેન્શન, વકીલોએ આપી વતન ન આવવાની સલાહ
અત્યાર સુધીના નિયમ પ્રમાણે, જો કોઈ વિદ્યાર્થી પોતાની યુનિવર્સિટીની તમામ શરતો પૂરી કરતો હોય તો તેને કોઈપણ ફિક્સ લિમિટ વિના અમેરિકામાં રહેવાની મંજૂરી મળતી હતી. પરંતુ હવે, જો કોઈનો કોર્સ 4 વર્ષથી લાંબો ચાલશે અથવા તે ભણ્યા પછી OPT (ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ) હેઠળ ત્યાં નોકરી કરવા માંગશે, તો તેણે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) પાસેથી ખાસ પરવાનગી લેવી પડશે. ઇમિગ્રેશન વકીલ એમીલી ન્યૂમેનના જણાવ્યા અનુસાર, હાલમાં અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓએ અત્યારે વતન પરત ફરવાનું ટાળવું જોઈએ, કારણ કે ટ્રાવેલ કરીને પાછા ફરતી વખતે તેમના પર આ નવા કડક નિયમો લાગુ થઈ શકે છે, જેમાં દેશ છોડવાની વિન્ડો પણ 60 દિવસથી ઘટાડીને 30 દિવસ કરી દેવામાં આવી છે.
નવા નિયમો બાદ વિદ્યાર્થીઓએ આ 5 બાબતોનું રાખવું પડશે ખાસ ધ્યાન:
વિઝા ટ્રેકિંગ: હવે માત્ર યુનિવર્સિટીના રજિસ્ટર (SEVIS) માં પ્રોગ્રામ લંબાવવો પૂરતો નથી. વિદ્યાર્થીઓએ પોતાના I-94 દસ્તાવેજ પર નજર રાખવી પડશે અને સમયમર્યાદા વધારવા માટે જાતે USCIS માં ફોર્મ I-539 સબમિટ કરવું પડશે.
કોલેજ કે વિષય બદલવા પર પ્રતિબંધ: ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવે અધવચ્ચેથી પોતાનો મુખ્ય વિષય (Major) કે કોલેજ સરળતાથી બદલી શકશે નહીં.
એક જ સ્તરની બીજી ડિગ્રી નહીં: એકવાર માસ્ટર્સ પૂરું કર્યા પછી વિદ્યાર્થી ફરીથી બીજું માસ્ટર્સ કરીને ત્યાં રોકાઈ શકશે નહીં (જેને ડે-1 CPT તરીકે ઓળખવામાં આવે છે). તેમણે આગામી લેવલ (પીએચ.ડી.) પર જ જવું પડશે.
OPT માટે ડબલ ફોર્મ: અભ્યાસ પૂરો થયા પછી નોકરી કરવા માટે વિદ્યાર્થીઓએ આઈ-539 અને આઈ-765 એમ બંને ફોર્મ ભરવા પડી શકે છે.
વધારાની દોડધામ: અત્યાર સુધી યુનિવર્સિટીના અધિકારીઓ (DSO) બધી પ્રક્રિયા સંભાળતા હતા, પરંતુ હવે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી અને યુએસ ઇમિગ્રેશન વિભાગ બંને સાથે જાતે તાલમેલ મેળવવો પડશે.
શું યુએસ કંપનીઓ ભારતીયોને નોકરી આપવાનું બંધ કરશે?
આ ઇમિગ્રેશન અનિશ્ચિતતાના કારણે અમેરિકન કંપનીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને હાયર કરવામાં કે H-1B વિઝા સ્પોન્સર કરવામાં ખચકાશે, કારણ કે હાયરિંગ મેનેજર્સ હંમેશા જોખમ લેવાનું ટાળતા હોય છે. એક તરફ દુનિયાના અન્ય દેશો ભણ્યા પછી કામ કરવાના રસ્તા સરળ બનાવી રહ્યા છે, ત્યારે અમેરિકા પોતાના આ કડક નિયમોના કારણે વૈશ્વિક ટેલેન્ટ ગુમાવવાનું આર્થિક જોખમ ખેડી રહ્યું છે.
આ પણ વાંચો: અમેરિકામાં H-1B કામદારો શું ‘બોડી શોપિંગ’નો શિકાર બની રહ્યા છે? તેના ગેરફાયદા વિશે જાણો
આ પણ વાંચો: વિઝા રિજેકશનથી બચવું છે? અરજી કરતા પહેલા આ 10 મહત્વપૂર્ણ બાબતો જરૂર ચેક કરો
આ પણ વાંચો: અમેરિકામાં ભણ્યા પછી નોકરીનું સપનું રોળાશે? ટ્રમ્પ સરકાર OPT પ્રોગ્રામના નિયમો કરશે કડક
