Gujarat News: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 13 શંકાસ્પદ આતંકવાદીઓની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક ગુજરાતમાં મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવા માટે બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ કરી રહ્યું હતું તેમજ ઝેરી ગેસ જેવા કેમિકલ હથિયાર તૈયાર કરવાની દિશામાં પણ પ્રયાસ કરી રહ્યું હતું.
ATSની તપાસમાં સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા
તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી છે કે આરોપીઓએ સિદ્ધપુર નજીક અલગ-અલગ સ્થળોએ આશરે આઠ વખત બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ (Bomb Testing)કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તપાસ એજન્સીઓ આ પરીક્ષણોના સ્થળો, તેમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રી અને તેના સંભવિત હેતુ અંગે વધુ માહિતી એકત્રિત કરી રહી છે. ATSના અધિકારીઓના જણાવ્યા મુજબ આરોપીઓ લાંબા સમયથી ગોપનીય રીતે તેમની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા હતા અને સુરક્ષા એજન્સીઓની નજરથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ અને કેમિકલ ગેસ બનાવવાનો પ્રયાસ
તપાસ દરમિયાન સૌથી ગંભીર ખુલાસો એવો થયો છે કે કેટલાક આરોપીઓએ કથિત રીતે ઝેરી ગેસ (Toxic Gas)અથવા કેમિકલ આધારિત હથિયાર તૈયાર કરવાની પદ્ધતિ પર પણ કામ શરૂ કર્યું હતું. તપાસમાં મળેલી માહિતી અનુસાર તેઓ વિવિધ પુસ્તકો અને માર્ગદર્શિકાના આધારે પ્રયોગો કરી રહ્યા હતા. તપાસ મુજબ કાચની હવાચુસ્ત બરણીમાં છાણ, મકાઈનો લોટ, મટનના ટુકડા અને કેટલાક કેમિકલ્સ ભેળવી તેને જમીનમાં દાટી રાખવામાં આવતું હતું. તપાસ એજન્સીઓનું માનવું છે કે આ પ્રયોગ દ્વારા જીવલેણ ગેસ તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોઈ શકે છે. જોકે, આ પ્રકારની સામગ્રીનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવાનો હતો તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી અને તપાસ ચાલુ છે.
પાકિસ્તાનના હેન્ડલર્સ સાથે સીધો સંપર્ક
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે ઝડપાયેલા 13માંથી પાંચ આરોપીઓ પાકિસ્તાન (Pakistan)માં બેઠેલા હેન્ડલર્સ અને જૈશ-એ-મોહમ્મદના સંગઠન સાથે સીધા સંપર્કમાં હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી કેટલાક પત્રો અને અન્ય દસ્તાવેજો પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. તપાસ એજન્સીઓ આ દસ્તાવેજોની ફોરેન્સિક તપાસ કરાવી રહી છે જેથી તેમના સંપર્કો, નાણાકીય વ્યવહારો અને સંચારના માધ્યમ અંગે વધુ માહિતી મળી શકે.
આંતકવાદી પ્રવૃતિઓના સાહિત્યનું વિતરણ
તપાસ દરમિયાન એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આરોપીઓએ ઉગ્રવાદી વિચારધારાને પ્રોત્સાહન આપતી અનેક પુસ્તિકાઓ તૈયાર કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કુલ 43 જેટલી પુસ્તિકાઓ અલગ-અલગ સ્થળોએ ગુપ્ત રીતે પહોંચાડવામાં આવતી હતી. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ કેટલાક યુવાનોને ખાસ કાર્યક્રમો અથવા ભોજન સમારંભના બહાને સંપર્ક કરી તેમને દેશવિરોધી વિચારો તરફ આકર્ષવાનો પ્રયાસ થતો હતો. આ દાવાઓની પણ વિગતવાર તપાસ ચાલી રહી છે અને સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ATS અને અન્ય સુરક્ષા એજન્સીઓ સમગ્ર કેસમાં ટેક્નિકલ પુરાવા, ડિજિટલ ડેટા, નાણાકીય વ્યવહારો અને આંતરરાષ્ટ્રીય સંપર્કોની પણ તપાસ કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર કાવતરાની સાચી વ્યાપકતા સ્પષ્ટ થઈ શકશે. સુરક્ષા એજન્સીઓએ રાજ્યમાં સતર્કતા વધારી છે અને સંભવિત તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ગુજરાત ATSના રડારમાં આતંકી બિલાલ: કઠવાડાની હોટલમાં એક વર્ષ રોકાયો, CCTVથી સામે આવી હિલચાલ
આ પણ વાંચો:ગુજરાત ATSનો મોટો ખુલાસો: આતંકીઓએ 3 વર્ષમાં 8 બ્લાસ્ટ ટ્રાયલ કર્યાનો આરોપ
આ પણ વાંચો:ગુજરાતમાં આતંકી નેટવર્ક પર ATSનો શિકંજો, જૈશના વધુ 5 શંકાસ્પદ આતંકીની ધરપકડ
