Surat Cyber Crime: સાયબર ગઠિયાઓ હવે પોલીસથી બચવા કેવા નવા કિમિયા અપનાવે છે, તેનો એક ચોંકાવનારો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. સુરત અલથાણ પોલીસે એક એવા આંતરરાજ્ય સાયબર રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમના તાર સુરતથી અજમેર અને ત્યાંથી છેક દુબઈ સુધી જોડાયેલા હતા. નવાઈની વાત એ છે કે, આ આરોપીઓ ફ્રોડના ATM કાર્ડ સાચવવા માટે ધાર્મિક પુસ્તક ‘રામાયણ’ અને ‘સાયકોલોજી ઓફ મની’ નો ઉપયોગ કરતા હતા!

પોલીસે ‘ડમી પાર્સલ’ મોકલી જાળ બિછાવી
આ ટોળકીને પકડવા માટે અલથાણ પોલીસે કોઈ બોલીવુડ મુવી જેવો જબરદસ્ત પ્લાન બનાવ્યો હતો. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સુરતથી બેંક કીટ (ATM, ચેકબુક) પાર્સલ મારફતે રાજસ્થાનના અજમેર મોકલવામાં આવે છે. આ બાતમીના આધારે પોલીસે એક ‘ડમી પાર્સલ’ તૈયાર કર્યું અને તેને કુરિયર મારફતે અજમેર રવાના કર્યું. આ તરફ સુરત પોલીસની ટીમ પહેલેથી જ અજમેરમાં વોચ ગોઠવીને બેઠી હતી; જેવા આરોપીઓ આ પાર્સલ લેવા માટે આવ્યા કે તરત જ ત્યાં ગોઠવાયેલી પોલીસ ટીમે તેમને રંગેહાથ દબોચી લીધા હતા.
પુસ્તકોમાંથી મળ્યું ‘પાપ’નું પોટલું
પોલીસ જ્યારે આરોપીઓના અજમેર સ્થિત ભાડાના મકાન પર તપાસ માટે પહોંચી ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને તેઓ પણ ચોંકી ગયા હતા. મકાનમાંથી ‘રામાયણમાં સંસ્કૃતિનો સંદેશ’ નામનું ગુજરાતી પુસ્તક અને ‘સાયકોલોજી ઓફ મની’ નામનું અંગ્રેજી પુસ્તક મળી આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓ આ પુસ્તકોનો ઉપયોગ જ્ઞાન મેળવવા માટે નહીં, પરંતુ ગુનાઈત પુરાવા છુપાવવા માટે કરતા હતા. જે ATM કાર્ડનો ઉપયોગ પૂરો થઈ ગયો હોય અથવા બ્લોક થઈ ગયા હોય, તેને તેઓ ‘રામાયણ’ જેવા પવિત્ર પુસ્તકના પાનાઓમાં ચોંટાડીને સંતાડી રાખતા હતા. ધાર્મિક પુસ્તકનો આવો નૃશંસ દુરુપયોગ જોઈને ખુદ પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

સુરતનો હીરા ઘસુ અને કાપડ વેપારી પણ ગેંગમાં સામેલ
આ હાઈ-પ્રોફાઈલ રેકેટમાં પકડાયેલા પાંચ આરોપીઓ કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ વ્યવસાયે સારી પ્રોફાઈલ ધરાવતા લોકો હોવાનું બહાર આવ્યું છે. આ ટોળકીમાં સુરતના ક્યુઆર કોડ એક્સપર્ટ ભાવિક ઉર્ફે પ્રિન્સ, રત્નકલાકાર રવિ ગાબાણી અને કાપડના વેપારી તરુણ રાઠોડ જેવા શિક્ષિત અને વ્યવસાયિક લોકો સામેલ હતા. આ ઉપરાંત, રાજસ્થાનથી પાર્સલ રિસીવર તરીકે કામ કરતો સુરેન્દ્ર ઉર્ફે બાલકિશન અને તેનો રૂમ પાર્ટનર ગોવિંદ સિદ્ધ પણ આ ગુનાઈત પ્રવૃત્તિમાં સક્રિય ભાગ ભજવતા હતા.
11 કરોડનો વહીવટ અને દુબઈ કનેક્શન
આ ટોળકી સુરતના ભોળા લોકોના દસ્તાવેજો પર બેંક એકાઉન્ટ ખોલાવી, તેની કીટ અજમેર મોકલતી હતી. ત્યાંથી આ વિગતો દુબઈ બેઠેલા મુખ્ય સાયબર માફિયાઓને મોકલવામાં આવતી. અત્યાર સુધીમાં માત્ર 35 એકાઉન્ટ ચેક કરતા 11 કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે.
પોલીસે અજમેરમાંથી જે મુદ્દામાલ કબજે કર્યો છે તે જોતા જાણે કોઈ આખો ‘મિની કંટ્રોલ રૂમ’ પકડી પાડ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 21 નંગ અત્યાધુનિક મોબાઈલ ફોન, 88 જેટલા વિવિધ બેંકોના ATM કાર્ડ, 33 એક્ટિવ સીમકાર્ડ તેમજ 36 બેંક પાસબુક અને 5 ચેકબુક મળી આવી છે. આટલી મોટી માત્રામાં મળી આવેલા બેંકિંગ દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ આ કૌભાંડ કેટલું મોટું અને વ્યવસ્થિત રીતે ચાલતું હશે તેનો પુરાવો આપે છે.
આ પણ વાંચો: ઉનામાં નકલી NCTE મંજૂરી કૌભાંડ, ગેરકાયદેસર રીતે ચલાવાતી હતી નકલી બી.એડ. કોલેજ!
આ પણ વાંચો:સુરતના વેસુમાં હની ટ્રેપ કૌભાંડ, મુંબઈ લઈ જઈ વેપારીને ડ્રગ્સ આપી ₹5.04 કરોડની મિલકત હડપ
આ પણ વાંચો: ભ્રષ્ટાચાર સામે લાલ આંખ! દાહોદમાં દીવાલ કૌભાંડમાં મહિલા સરપંચ સસ્પેન્ડ
