Surat News: શહેરના પુણા વિસ્તારમાં રેસ્ટોરન્ટ (Surat Restaurant Case)નું ભોજન લીધા બાદ ફૂડ પોઇઝનિંગની આશંકા વચ્ચે 4 વર્ષીય બાળકી આર્યાના મોતના કેસમાં મહત્વનો વળાંક સામે આવ્યો છે. બાળકીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તેના શરીરના વિસેરાના નમૂના સુરત FSLમાં હિસ્ટોપેથોલોજી અને ટોક્સિકોલોજીકલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. હવે સામે આવેલા સત્તાવાર FSL રિપોર્ટમાં વિસેરામાં કોઈપણ પ્રકારના ઝેરી રસાયણ કે ઘાતક કેમિકલની હાજરી મળી ન હોવાનું સામે આવ્યું છે.
FSL રિપોર્ટ ‘નીલ’ આવતા બાળકીનું મોત ઝેરના કારણે થયું હોવાની શક્યતા હાલના તબક્કે સાબિત થઈ નથી. બીજી તરફ, મોતનું ચોક્કસ કારણ પણ સ્પષ્ટ ન થતાં પોલીસ અને તબીબી નિષ્ણાતો હવે અન્ય સંભવિત મેડિકલ કારણોની તપાસ કરી રહ્યા છે.
રેસ્ટોરન્ટમાંથી ભોજન મંગાવ્યા બાદ આખા પરિવારની તબિયત બગડી
મળતી માહિતી મુજબ, પુણાગામ વિસ્તારમાં આવેલી રણુજાધામ સોસાયટીમાં રહેતા અશોકભાઈ કલસરિયા, તેમના પત્ની જ્યોત્સનાબેન અને ત્રણ પુત્રીઓએ ગત 15 ઓગસ્ટની રાત્રે માતાવાડી વિસ્તારમાં આવેલી ‘શીતલ રેસ્ટોરન્ટ’માંથી ભોજન પાર્સલ મંગાવ્યું હતું. પરિવારે રેસ્ટોરન્ટ (Surat Restaurant Case)માંથી પનીર ટિક્કા અને કાજુ મસાલાનું શાક મંગાવ્યું હતું. ભોજન લીધા બાદ બીજા દિવસે વહેલી સવારે પરિવારના પાંચેય સભ્યોની તબિયત અચાનક લથડી હતી. પરિવારજનોને અસહ્ય પેટમાં દુખાવો, સતત ઊલટી અને ઉબકા જેવી તકલીફો શરૂ થઈ હતી. શરૂઆતમાં તમામને ખાનગી ક્લિનિકમાં સારવાર આપવામાં આવી હતી. જોકે, તબિયતમાં સુધારો ન થતાં પરિવારના સભ્યોને સદવિચાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Surat Restaurant Case: સારવાર દરમિયાન 4 વર્ષીય આર્યાનું મોત
હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે પરિવારની સૌથી નાની 4 વર્ષીય દીકરી આર્યાની સ્થિતિ ગંભીર બની હતી. અંતે સોમવારે બપોરે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. પરિવારના અન્ય સભ્યોની પણ સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું હતું, પરંતુ લાંબી સારવાર બાદ તેઓ સ્વસ્થ થઈ શક્યા હતા. બાળકીના અચાનક મોત બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. જોકે, પોસ્ટમોર્ટમ દરમિયાન પણ બાળકીના મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શક્યું નહોતું.
મોતનું કારણ જાણવા વિસેરા FSLમાં મોકલાયા
પોસ્ટમોર્ટમ બાદ તબીબી કારણ સ્પષ્ટ ન થતાં બાળકીના શરીરના વિસેરાના નમૂના સુરત FSLમાં મોકલવામાં આવ્યા હતા. હિસ્ટોપેથોલોજી અને ટોક્સિકોલોજીકલ પરીક્ષણ દ્વારા શરીરમાં કોઈ ઝેરી રસાયણ, ઘાતક કેમિકલ અથવા અન્ય ઝેરી તત્વની હાજરી છે કે નહીં તે તપાસવામાં આવી હતી. હવે FSLના સત્તાવાર રિપોર્ટમાં વિસેરા ‘નીલ’ હોવાનું સામે આવ્યું છે. એટલે કે તપાસમાં કોઈ ઝેરી પદાર્થની હાજરી મળી નથી.
Surat Restaurant Caseમાં અસ્વચ્છતા મળી, SMCએ સીલ મારી હતી
બાળકીના મોત બાદ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે ‘શીતલ રેસ્ટોરન્ટ’ સામે કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન રેસ્ટોરન્ટ (Surat Restaurant Case)ના રસોડામાં અસ્વચ્છતા સહિત ફૂડ સેફ્ટીના નિયમોના ભંગ સામે આવ્યા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા રેસ્ટોરન્ટને સીલ મારીને બંધ કરાવવામાં આવ્યું હતું. રેસ્ટોરન્ટ (Surat Restaurant Case)ના ભોજન બાદ પરિવારના તમામ સભ્યો બીમાર પડ્યા અને ત્યારબાદ બાળકીનું મોત થયું હોવાથી સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.
Surat Restaurant Case: હવે બેક્ટેરિયલ ઇન્ફેક્શન સહિતના મેડિકલ કારણોની તપાસ
તપાસ અધિકારી ઇન્સ્પેક્ટર એ.આર. વાળાના જણાવ્યા મુજબ, FSLના પરીક્ષણમાં કોઈ પ્રકારના ઝેરના અંશ મળ્યા નથી. વિસેરા રિપોર્ટ ‘નીલ’ આવ્યા બાદ હવે તપાસની દિશા અન્ય સંભવિત કારણો તરફ વળી છે. બાળકીના શરીરમાં ગંભીર બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું હતું કે અન્ય કોઈ પેથોલોજીકલ અથવા મેડિકલ કારણને કારણે તેનું મોત થયું હતું, તે અંગે પોલીસ અને તબીબી નિષ્ણાતો વધુ તપાસ કરી રહ્યા છે.
આ કેસમાં એક તરફ પરિવારના પાંચેય સભ્યોને ભોજન બાદ તબિયત બગડ્યાની ઘટના છે, જ્યારે બીજી તરફ બાળકીના વિસેરામાં ઝેરની હાજરી મળી નથી. તેથી બાળકીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે હવે વધુ મેડિકલ તપાસ મહત્વપૂર્ણ બની રહેશે.
આ પણ વાંચો:સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગનો કહેર: એક જ પરિવારના 5 સભ્યોની તબિયત લથડી, 5 વર્ષની બાળકીનું મોત
આ પણ વાંચો:સુરતમાં કરુણ ઘટના: સચિન GIDCમાં પાણી ભરેલી ડોલમાં પડી માસૂમ બાળકીનું મોત
આ પણ વાંચો:સુરતમાં સ્તનપાન બાદ 2 મહિનાની બાળકીનું મોત, માતાનો કલ્પાંત
