Ahmedabad News: દિવાળીના તહેવાર પહેલાં અમદાવાદના કાલુપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ (Estate Department) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કાલુપુર દરવાજાથી કાલુપુર ટાવર તરફના વિસ્તારમાં આવેલી અંદાજે 30 ફટાકડાની દુકાનોને સીલ (Kalupur Firecracker Shop Seal) કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation) દ્વારા દુકાનદારોને નોટિસ આપીને ફટાકડાના વેચાણ માટે જરૂરી પરવાનગીઓ અને દસ્તાવેજો રજૂ કરવા જણાવાયું છે. જ્યાં સુધી જરૂરી પુરાવા રજૂ નહીં કરવામાં આવે ત્યાં સુધી સીલ કરાયેલી દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
Kalupur Firecracker Shop Seal: ફરિયાદ મળતાં કોર્પોરેશનની તપાસ
કાલુપુર વિસ્તારમાં ફટાકડાની દુકાનો અંગે ફરિયાદ મળ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (Deputy Municipal Commissioner) રમ્ય ભટ્ટના જણાવ્યા અનુસાર, કાલુપુર દરવાજાથી કાલુપુર ટાવર તરફ આવેલી ફટાકડાની દુકાનો અંગે ફરિયાદ મળી હતી. ત્યારબાદ એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે સ્થળ પર જઈ તપાસ કરી હતી.

30 જેટલી દુકાનો સામે કાર્યવાહી
તપાસ દરમિયાન અંદાજે 30 ફટાકડાની દુકાનોની ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા દુકાનદારો પાસેથી ફટાકડાના વેચાણ માટે જરૂરી દસ્તાવેજો અને મંજૂરીઓ અંગે માહિતી માગવામાં આવી હતી.
આ દરમિયાન બીયુ પરમિશન (BU Permission), ફાયર એનઓસી, એક્સપ્લોઝિવ સર્ટિફિકેટ અને પોલીસ પરવાનગી (Police Permission) સહિતના દસ્તાવેજો રજૂ કરવા જણાવાયું હતું. પૂરતા પુરાવા ઉપલબ્ધ ન હોવાનું જણાતા એસ્ટેટ વિભાગ દ્વારા અંદાજે 30 દુકાનોને સીલ કરી દેવામાં આવી છે.

ત્રણ દિવસમાં ખુલાસો આપવાનો આદેશ
કોર્પોરેશન દ્વારા તમામ સંબંધિત દુકાનદારોને નોટિસ આપવામાં આવી છે. નોટિસ મળ્યાના ત્રણ દિવસમાં ખુલાસો (Explanation) રજૂ કરવા જણાવાયું છે. દુકાનદારોને પોતાની દુકાન માટે જરૂરી પરવાનગીઓ અને મંજૂરીઓના પુરાવા રજૂ કરવાના રહેશે. કોર્પોરેશનના જણાવ્યા મુજબ જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી દુકાનો સીલ રહેશે.
ભરબજારમાં ફટાકડાની દુકાનો
કાલુપુર વિસ્તાર અમદાવાદના વ્યસ્ત બજાર વિસ્તારોમાં આવે છે. અહીં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. આ વિસ્તારમાં ફટાકડાની દુકાનો આવેલી હોવાથી જરૂરી સુરક્ષા મંજૂરીઓ (Safety Permissions) અને નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી છે.

ખાસ કરીને ફટાકડાના વેચાણ સાથે આગ અને વિસ્ફોટ સંબંધિત જોખમ હોવાથી ફાયર વિભાગ, પોલીસ અને અન્ય સંબંધિત વિભાગોની મંજૂરી મહત્વપૂર્ણ બને છે.
પોલીસ પરવાનગી અંગે પણ સવાલ
કાલુપુર પોલીસ સ્ટેશનથી આશરે 500 મીટરના અંતરે આ ફટાકડાની દુકાનો આવેલી હોવાનું સામે આવ્યું છે. જોકે, સંબંધિત દુકાનદારોને પોલીસ તરફથી વેચાણની પરવાનગી આપવામાં આવી છે કે નહીં તે અંગે સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
આ મામલે કાલુપુર પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) એચ.આર. વાઘેલાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. હાલ કોર્પોરેશનની કાર્યવાહી બાદ તમામ દુકાનદારોને જરૂરી દસ્તાવેજો રજૂ કરીને પોતાનો ખુલાસો આપવાનો રહેશે. દસ્તાવેજોની ચકાસણી બાદ જ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે.
આ પણ વાંચો: કડીના જમીન કૌભાંડ કેસમાં તંત્રની કાર્યવાહી, શાળા, મંદિરની જગ્યાના વેચાણની નોંધ કરાશે નામંજૂર
આ પણ વાંચો: ગાંધીનગરમાં ગુનાખોરી ડામવા વહીવટીતંત્રની કાર્યવાહી, બહાર પાડ્યો આ આદેશ
આ પણ વાંચો: રાજકોટમાં ટી. રાજા સિંહની ગર્જના: ‘હિન્દુઓની વસ્તી ઘટી રહી છે, મોદીજી હમ દો હમારે દો કાયદો બનાવો’
