Ahmedabad News: અમદાવાદના ઇસનપુરમાં 21 વર્ષીય વિદ્યાર્થી જીગર શૈલેષ સોલંકીનું ગંભીર ઇજાઓ બાદ સારવાર દરમિયાન મોત (Isanpur Student Death) થયું છે. પ્રાથમિક માહિતી મુજબ, અજાણ્યા શખ્સોએ તેને માર માર્યો હોવાની આશંકા છે. ઇજાગ્રસ્ત હાલતમાં જીગર તિર્થભૂમિ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં મળી આવ્યો હતો. ઘટનાને પગલે ઇસનપુર પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો (Student Murder Case Ahmedabad) નોંધી તપાસ શરૂ કરી છે.
Isanpur Student Death: મિત્રને મળવા બાઇક લઈને ઘરેથી નીકળ્યો હતો
મૂળ ભાવનગરનો જીગર સોલંકી (Jigar Solanki) ગોતાની સિલ્વર ઓક યુનિવર્સિટીમાં (Silver Oak University Student) બી.વોક ફાઇનાન્સના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. શરૂઆતમાં તે પીજીમાં રહેતો હતો, પરંતુ છેલ્લા અઢી મહિનાથી ઇસનપુરની જયંતપાર્ક સોસાયટીમાં રહેતા તેના મામા હર્ષિત ચૌહાણ સાથે રહેતો હતો. તેના મામા વ્યવસાયે વકીલ છે.
2 ઓક્ટોબરની રાત્રે જીગર મિત્રને મળવા જવાનું કહીને પોતાની હોન્ડા એક્સટ્રીમ મોટરસાઇકલ લઈને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તે ઇસનપુરના તિર્થભૂમિ એપાર્ટમેન્ટ પાસે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો.
એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યો
મૃતકના મામાની ફરિયાદ મુજબ, તેમને ફોન દ્વારા જીગર સાથે અણબનાવ થયો હોવાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ તાત્કાલિક તિર્થભૂમિ એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા.
ત્યાં જીગર ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો હતો. તેને માર મારવામાં આવ્યો હોવાનું તેણે મામાને જણાવ્યું હતું અને શરીરના વિવિધ ભાગોમાં ઇજાના નિશાન જોવા મળ્યા હતા. જીગરને ઊભા થવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને બોલાવી તેને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સારવાર દરમિયાન મોત
એલ.જી. હોસ્પિટલમાં જીગરની સારવાર ચાલી રહી હતી. રાત્રે તેના મામા અને પરિવારજનો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે, સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
બાઇક એપાર્ટમેન્ટ બહાર પાર્ક કરી હોવાની માહિતી
પોલીસની પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી છે કે જીગર ઈજાગ્રસ્ત હાલતમાં બાઇક લઈને તિર્થભૂમિ એપાર્ટમેન્ટ સુધી આવ્યો હતો અને બાઇક બહાર પાર્ક કરી હતી. ત્યારબાદ તે ઉપર ગયો હતો. ફ્લેટના રહીશોએ બૂમાબૂમ કરતાં તે નીચે આવ્યો હતો અને બાદમાં કમ્પાઉન્ડમાં ઢળી પડ્યો હતો.હાલ આ સમગ્ર ઘટનામાં જીગરને કોણે અને કયા કારણસર માર માર્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
CCTV અને અન્ય પુરાવાના આધારે તપાસ
ઇસનપુર પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ડોગ સ્ક્વોડ સહિતની મદદથી ઘટનાના સંજોગો અને સંડોવાયેલા શખ્સોની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
ઇસનપુર પોલીસ ઇન્સ્પેક્ટર બી.એસ. જાડેજાના જણાવ્યા મુજબ
વિદ્યાર્થી ઘરેથી મિત્રોને મળવા જવાનું કહીને બાઇક લઈને નીકળ્યો હતો. તેની પાસેથી એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો છે. હાલ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: રાધનપુર-મહેસાણા હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત, ચાલક ફરાર
આ પણ વાંચો: સિદ્ધપુરમાં પ્રવિણ તોગડિયા કાર્યકરો સાથે મળ્યા, હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવા અંગે ચર્ચા કરી
આ પણ વાંચો: નવરાત્રિના પર્વ પહેલાં વડોદરા પોલીસની કડક તૈયારી, ડાર્ક સ્પોટ્સ પર ખાસ વોચ
