Business News : સોના-ચાંદી ખરીદનારા અને કિંમતી ધાતુના વેપારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સોના, ચાંદી અને પ્લેટિનમની આયાત પર કેટલીક નામાંકિત એજન્સીઓ અને બેન્કોને મળતી 3 ટકા IGST મુક્તિ (IGST Exemption) હવે સમાપ્ત થઈ શકે છે. અહેવાલ મુજબ, સરકાર આ છૂટને પાછી ખેંચવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.
IGST Exemption : 7 ઓક્ટોબરે GST કાઉન્સિલમાં ચર્ચા
મળતી માહિતી પ્રમાણે, આગામી 7 ઓક્ટોબરે જીએસટી કાઉન્સિલની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં સોના, ચાંદી અને પ્લેટિનમની આયાત સાથે જોડાયેલી IGST મુક્તિ અંગે ચર્ચા થઈ શકે છે. જો પ્રસ્તાવને મંજૂરી મળે છે તો આયાતકારોને અત્યાર સુધી મળતી ખાસ ટેક્સ રાહતમાં મોટો ફેરફાર થઈ શકે છે.
બેન્કો અને અધિકૃત એજન્સીઓને મળતી હતી છૂટ
હાલની વ્યવસ્થા પ્રમાણે કિંમતી ધાતુઓની આયાત પર 3 ટકા IGST લાગુ પડે છે. જોકે, બેન્કો તથા સરકાર દ્વારા માન્ય કેટલીક નામાંકિત એજન્સીઓને આ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે. વર્ષ 2017માં વેપાર પ્રક્રિયાને સરળ બનાવવા માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
હવે સરકાર આ રાહત વ્યવસ્થાની સમીક્ષા કરી રહી છે. છૂટ દૂર કરવામાં આવશે તો બેન્કો, બુલિયન એજન્સીઓ અને અન્ય આયાતકારો વચ્ચે ટેક્સના મામલે વધુ સમાનતા આવી શકે છે.
સોનાની આયાત સરકાર માટે ચિંતાનો વિષય
ભારતમાં કિંમતી ધાતુઓની મોટા પાયે આયાત થતી હોવાથી સરકાર માટે તે વિદેશી હૂંડિયામણના દૃષ્ટિકોણથી મહત્વનો મુદ્દો છે. સોનાની ઊંચી આયાતને કારણે દેશમાંથી વિદેશી ચલણનો પ્રવાહ વધે છે અને વેપાર ખાધ પર પણ અસર પડી શકે છે.
ભારત વિશ્વના સૌથી મોટા સોનાના વપરાશકારોમાં સામેલ છે. આયાત પર નિયંત્રણ લાવવા માટે સરકાર અગાઉ પણ વિવિધ ડ્યુટી અને ટેક્સ સંબંધિત પગલાં લઈ ચૂકી છે.
જો 3 ટકા IGSTની છૂટ પાછી ખેંચાય છે તો તેની સીધી અસર કિંમતી ધાતુના આયાત વ્યવસાય પર પડી શકે છે. જોકે, અંતિમ નિર્ણય GST કાઉન્સિલ ની ચર્ચા અને સરકારના નિર્ણય બાદ જ સ્પષ્ટ થશે.
