Entertainment News/ દમદાર અવાજ અને યાદગાર ડાયલોગના બાદશાહ નાના પાટેકરનું ગોવામાં કાર્ડિયાક અરેસ્ટ નિધન

દમદાર અવાજ અને યાદગાર અભિનયથી દિલ જીતનાર નાના પાટેકરે (Nana Patekar) 75 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી.

Top Stories Entertainment
Nana Patekar

Entertainment News: જાણીતા બોલિવૂડ અને મરાઠી અભિનેતા નાના પાટેકર (Nana Patekar) નું ગુરુવાર, 8 ઓક્ટોબર 2026ના રોજ 75 વર્ષની વયે નિધન થયું છે. ગોવાના ડોના પૌલા સ્થિત તેમના નિવાસસ્થાને તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ લગભગ 45 મિનિટ સુધી CPR સહિતના પ્રયાસો કર્યા હતા. જોકે, કોઈ પ્રતિક્રિયા ન મળતાં તેમને સવારે આશરે 5:20 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યા. પ્રાથમિક માહિતી અનુસાર, તેમના મૃત્યુનું કારણ ગંભીર કાર્ડિયાક અરેસ્ટ હોવાનું સામે આવ્યું છે.

નાના પાટેકરના અચાનક નિધનના સમાચારથી ફિલ્મ જગત અને તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ છે. હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર, તેમને બચાવવા માટે સતત પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ સારવારનો પ્રતિસાદ આપી શક્યા નહોતા. મૃત્યુના ચોક્કસ કારણની વધુ તપાસ માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવનાર હોવાની માહિતી પણ સામે આવી છે.

ચાર દાયકાથી વધુ લાંબી શાનદાર કારકિર્દી

નાના પાટેકરે વર્ષ 1978માં આવેલી ફિલ્મ ‘ગમન’થી અભિનય ક્ષેત્રે પગ મૂક્યો હતો. ત્યારબાદ તેમણે હિન્દી અને મરાઠી સિનેમામાં પોતાના દમદાર અભિનય અને સંવાદશૈલીથી આગવી ઓળખ બનાવી હતી.

‘પરિંદા’, ‘પ્રહાર’, ‘તિરંગા’, ‘ક્રાંતિવીર’, ‘ખામોશી’, ‘અબ તક છપ્પન’ સહિત અનેક ફિલ્મોમાં તેમની યાદગાર ભૂમિકાઓ રહી છે. તેઓ માત્ર ગંભીર કે એક્શન ભૂમિકાઓ પૂરતા મર્યાદિત રહ્યા નહોતા, પરંતુ કોમેડી અને નેગેટિવ પાત્રોમાં પણ પોતાની અલગ છાપ છોડી હતી.

છેલ્લાં વર્ષોમાં પણ ફિલ્મોમાં સક્રિય રહ્યા

નાના પાટેકર તાજેતરના વર્ષોમાં પણ ફિલ્મોમાં સક્રિય હતા. તેઓ ‘હાઉસફુલ 5’માં અક્ષય કુમાર, અભિષેક બચ્ચન અને રિતેશ દેશમુખ સહિતના કલાકારો સાથે જોવા મળ્યા હતા. આ ઉપરાંત વિશાલ ભારદ્વાજની ‘ઓ’રોમિયો’માં પણ તેમણે પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી.

ફિટનેસને લઈને પણ ચર્ચામાં હતા

નાના પાટેકરના નિધનના થોડા સમય પહેલાં તેમનો એક ફિટનેસ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો હતો. ફોટોગ્રાફર અને નિર્માતા અતુલ કાસ્બેકરે શેર કરેલા વીડિયોમાં નાના પાટેકર સ્મિત સાથે સતત 15 ટ્રાઇસેપ ડિપ્સ કરતા જોવા મળ્યા હતા. તેમની ફિટનેસ જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થયા હતા.

નાના પાટેકરના નિધનથી ભારતીય સિનેમાએ એક દમદાર અને બહુમુખી અભિનેતા ગુમાવ્યો છે. તેમની ફિલ્મો, પાત્રો અને સંવાદો કાયમ માટે ચાહકોની યાદોમાં જીવંત રહેશે.


આ પણ વાંચો: કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજી ઠુમ્મરનું નિધન: લાંબી બીમારી બાદ લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો: નેશનલ એવોર્ડથી સન્માનિત અભિનેત્રી સાવિત્રી શ્રીધરનનું 85 વર્ષની વયે નિધન

આ પણ વાંચો: ગૌરાંગ વ્યાસનું નિધન: ગુજરાતી સંગીતનો સુવર્ણ યુગ આથમી ગયો