Ahmedabad News : અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ સંગીતના દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસ (Gaurang Vyas)નું 87 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનથી ગુજરાતી સંગીતજગતમાં શોકની લાગણી પ્રસરી છે. ગૌરાંગ વ્યાસએ દાયકાઓ સુધી પોતાની આગવી અને પ્રયોગશીલ શૈલીથી ગુજરાતી ફિલ્મ, સુગમ અને લોકસંગીતને સમૃદ્ધ બનાવ્યું હતું.
24 નવેમ્બર, 1938ના રોજ મુંબઈમાં જન્મેલા ગૌરાંગ વ્યાસ જાણીતા સંગીતકાર અવિનાશ વ્યાસ અને વસુમતીબેનના પુત્ર હતા. બાળપણથી જ તેમને સંગીતના સંસ્કાર મળ્યા હતા. માત્ર પાંચ વર્ષની ઉંમરે તેઓ હાર્મોનિયમ પર ‘વૈષ્ણવજન’ વગાડતા હતા.
તેમણે મુંબઈની પોદાર હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ અમદાવાદની એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા મેળવ્યો હતો. શરૂઆતમાં એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરી હતી, પરંતુ અંતે તેમણે પોતાનું સમગ્ર જીવન સંગીતને સમર્પિત કર્યું.
પિતાના વારસાને પોતાની આગવી ઓળખ આપી
અવિનાશ વ્યાસ જેવા દિગ્ગજ પિતાના સંગીત વારસામાંથી મળેલા સંસ્કારોને ગૌરાંગ વ્યાસે (Gaurang Vyas)પોતાની આગવી સર્જનાત્મકતા સાથે આગળ વધાર્યા. ગુજરાતી ફિલ્મ સંગીત (Gujarati Film Music)માં પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે ‘લીલુડી ધરતી’ માટે તેમણે સંગીત આપ્યું અને શ્રેષ્ઠ સંગીતકારનો સહિયારો પુરસ્કાર મેળવ્યો.
‘ઉપર ગગન વિશાળ’માં પણ તેમનું સહિયારું સંગીત નોંધપાત્ર રહ્યું હતું. પિતા અવિનાશ વ્યાસ સાથે ‘જેસલ તોરલ’માં સહાયક તરીકે કામ કરીને તેમણે ફિલ્મ સંગીતની બારીકીઓ શીખી હતી.
1976માં આવેલી ‘લાખો ફૂલાણી’થી તેમણે સ્વતંત્ર સંગીતકાર તરીકે પોતાની ઓળખ બનાવી. ફિલ્મના ગીતોમાં અવિનાશ વ્યાસની રચનાઓ હતી. આ ફિલ્મમાં કિશોરકુમારના કંઠનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે ગૌરાંગ વ્યાસે પ્રફુલ્લ દવેને પણ પ્લેબેક ગાયક તરીકે તક આપી હતી.
‘મણિયારો તે હલુ હલુ થઈ રે વીયો…’ ગીતે પ્રફુલ્લ દવેને વિશાળ લોકપ્રિયતા અપાવી અને તેમની કારકિર્દીના ઘડતરમાં ગૌરાંગ વ્યાસની ભૂમિકા મહત્વપૂર્ણ બની.
100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત
ગૌરાંગ વ્યાસે 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેમણે ગુજરાતી ફિલ્મોમાં માત્ર સ્થાનિક ગાયકો જ નહીં, પરંતુ હિન્દી ફિલ્મ જગતના જાણીતા ગાયકોના અવાજનો પણ સર્જનાત્મક ઉપયોગ કર્યો હતો.
આશા ભોંસલે, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, પ્રીતિ સાગર અને ભૂપેન્દ્રસિંહ જેવા જાણીતા ગાયકોના કંઠને તેમણે ગુજરાતી ગીતો સાથે જોડ્યા હતા. ‘પારકી થાપણ’નું ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ ગીત લતા મંગેશકરના કંઠમાં લોકપ્રિય બન્યું હતું.
કેતન મહેતાની ‘ભવની ભવાઈ’માં તેમનું સંગીત આજે પણ યાદગાર ગણાય છે. ગુજરાતી ફિલ્મ સંગીત (Gujarati Cinema Music)માં તેમના પ્રયોગોએ પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય સર્જ્યો હતો.
11 જેટલા પુરસ્કારોથી સન્માન
ગૌરાંગ વ્યાસને ગુજરાતી ફિલ્મોમાં શ્રેષ્ઠ સંગીત માટે અનેક સન્માનો મળ્યા હતા. તેમના સંગીત માટે આશરે 11 પુરસ્કારો મળ્યા હોવાનું જણાવાય છે.
ફિલ્મ સંગીત ઉપરાંત તેમણે ગુજરાતી સુગમ સંગીત, લોકસંગીત, ભજન, ગરબા, ગઝલ, નૃત્યનાટિકા અને ટેલિવિઝન શ્રેણીઓ માટે પણ નોંધપાત્ર સર્જન કર્યું હતું.
ગુજરાતી સુગમ સંગીત (Sugam Sangeet) ક્ષેત્રે તેમણે 500થી વધુ રચનાઓને સ્વરબદ્ધ કરી હતી. ગુજરાતી ગીતકારો અને ગઝલકારોની રચનાઓને સંગીતબદ્ધ કરીને તેમણે અનેક ગીતોને લોકપ્રિય બનાવ્યાં હતાં.
ગુજરાતી રાસ-ગરબા અને ભજનસંગીતને પણ તેમણે પોતાની સ્વરરચનાઓથી નવી ઓળખ આપી હતી. 1961માં અમદાવાદમાં સુગમ સંગીત (Sugam Sangeet)ના પ્રચાર-પ્રસાર માટે સ્થાપવામાં આવેલી ‘શ્રુતિ’ સંસ્થા સાથે પણ તેમનો ગાઢ સંબંધ રહ્યો હતો.
ગૌરાંગ વ્યાસને કલાકારોએ આપી ભાવભીની શ્રદ્ધાંજલિ
ગૌરાંગ વ્યાસ (Gaurang Vyas)ની અંતિમયાત્રા અમદાવાદમાં તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી. સંગીત, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રના અનેક દિગ્ગજો તથા કલાકારો અંતિમયાત્રામાં જોડાયા હતા.
ગાયક પ્રફુલ્લ દવેએ ગૌરાંગ વ્યાસને યાદ કરતાં જણાવ્યું હતું કે તેમની કારકિર્દીના ઘડતરમાં ગૌરાંગભાઈનો મોટો ફાળો રહ્યો છે. ‘લાખો ફૂલાણી’ના રેકોર્ડિંગે તેમને વિશાળ ઓળખ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ગાયક અને સંગીતકાર શ્યામલ મુનશીએ જણાવ્યું હતું કે ગૌરાંગ વ્યાસ સાથેના તેમના સંબંધો સંગીતથી આગળ વધીને પરિવાર જેવા રહ્યા હતા. તેમના મતે ગૌરાંગ વ્યાસ અત્યંત શક્તિશાળી, વર્સેટાઇલ અને પ્રતિભાશાળી સંગીતકાર હતા. જ્યાં સુધી ગુજરાતી ગીતો ગવાતા અને સાંભળાતા રહેશે ત્યાં સુધી તેમનું નામ જીવંત રહેશે.
ગાયક સંજય ઓઝાએ પણ ગૌરાંગ વ્યાસના નિધનને ગુજરાતી સંગીતજગત માટે મોટી ખોટ ગણાવી હતી. તેમણે યાદ કર્યું કે 1985માં ગૌરાંગ વ્યાસે તેમને ગુજરાતી ફિલ્મમાં પ્લેબેક ગાયક તરીકે તક આપી હતી. સંજય ઓઝાના જણાવ્યા મુજબ ગૌરાંગ વ્યાસે અનેક કલાકારોને તૈયાર કર્યા અને અમદાવાદ તથા ગુજરાતમાં રેકોર્ડિંગ ક્ષેત્રને મોટો વ્યાપ આપ્યો.
કવિ અંકિત ત્રિવેદીએ ગૌરાંગ વ્યાસ (Gaurang Vyas)ના નિધનને ગુજરાતી સંગીતના સુવર્ણ યુગના અંત સાથે સરખાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અવિનાશ વ્યાસ પછીની સંગીત પરંપરામાં ગૌરાંગ વ્યાસનું નામ અત્યંત ઉજળું અને વિશિષ્ટ છે.
નયન પંચોલીએ પણ શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે ગૌરાંગ વ્યાસના નિધનથી ગુજરાતી સુગમ સંગીતનો એક યુગ પૂરો થઈ ગયો છે.
ગૌરાંગ વ્યાસનું અવસાન માત્ર એક કલાકારની વિદાય નથી, પરંતુ ગુજરાતી સંગીતની એક સમૃદ્ધ પરંપરાના મહત્વના અધ્યાયનો અંત છે. જોકે તેમની સ્વરરચનાઓ, ગીતો, ફિલ્મ સંગીત અને કલાકારોને આપેલી તકો આગામી પેઢીઓ સુધી તેમની યાદ જીવંત રાખશે.
