World News/ ઓપરેશન સિંદૂર બાદ તૂર્કિયેનો બદલાયો સૂર, ભારત સાથે સંબંધો સુધારવા તૈયાર!

Turkey -ભારત સાથે પોતાના રાજદ્વારી અને આર્થિક સંબંધો સુધારવાના પ્રયાસો કરી રહ્યું છે. વિદેશ મંત્રી હાકન ફિદાને બંને દેશો વચ્ચે મજબૂત સંબંધોની ઈચ્છા વ્યક્ત કરી છે.

international Top Stories World
Turkey

India-Turkey Relations:  ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને સમર્થન આપનાર તૂર્કિયે હવે ભારત સાથેના રાજદ્વારી અને આર્થિક સંબંધોને સુધારવા માટે પ્રયાસ કરી રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે. જૂન મહિનામાં તૂર્કિયેના વિદેશ મંત્રી હાકન ફિદાને કહ્યું હતું કે તેમનો દેશ ભારત સાથે સારા અને મજબૂત સંબંધો ઈચ્છે છે. તેમના જણાવ્યા મુજબ, ભારત અને તૂર્કિયે વચ્ચે કોઈ ભૌગોલિક સીમા કે સીધો દ્વિપક્ષીય વિવાદ નથી અને બંને દેશો વચ્ચે કોઈ નકારાત્મક ઐતિહાસિક વારસો પણ નથી.

SCOનું પૂર્ણ સભ્ય બનવા Turkeyની નજર

તૂર્કિયે(Turkey) શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)નું પૂર્ણ સભ્ય બનવા માટે પણ ઉત્સુક છે. જો તૂર્કિયેને(Turkey) પૂર્ણ સભ્યપદ મળે છે, તો NATOના સભ્ય દેશ તરીકે તેની SCOમાં ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની શકે છે. જોકે, તૂર્કિયેના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોગને સ્પષ્ટ કર્યું છે કે SCO સાથે નજીકના સંબંધો બનાવવાનો અર્થ પશ્ચિમી દેશો અથવા અન્ય વૈશ્વિક ગઠબંધનોથી દૂર થવાનો નથી.

આર્થિક ફાયદો પણ મહત્વનું કારણ

ભારત સાથે સંબંધો સુધારવા પાછળ આર્થિક હિત પણ મોટું કારણ હોવાનું માનવામાં આવે છે. તૂર્કિયે(Turkey) ભારતીય વેપાર, વિદેશી રોકાણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પોતાની ભાગીદારી વધારવા માંગે છે. ભારતીય પ્રવાસીઓ પણ તૂર્કિયેના ટૂરિઝમ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ છે. બંને દેશો વચ્ચેના વેપારમાં તૂર્કિયે ભારતને માર્બલ, મશીનરી અને કૃષિ ઉત્પાદનોની નિકાસ કરે છે, જ્યારે ભારત તૂર્કિયેને કેમિકલ્સ, મશીનરી અને ઓટોમોબાઈલ પાર્ટ્સ સહિતની વસ્તુઓ મોકલે છે.

કાશ્મીર અને ઓપરેશન સિંદૂરથી વધ્યો હતો તણાવ

જમ્મુ-કાશ્મીર મુદ્દે તૂર્કિયે(Turkey) દ્વારા પાકિસ્તાનને આપવામાં આવતું સમર્થન ભારત માટે લાંબા સમયથી ચિંતાનો વિષય રહ્યું છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની લશ્કરી કાર્યવાહીની પણ તૂર્કિયેએ ટીકા કરી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન દ્વારા તૂર્કિયેમાં બનેલા ડ્રોનનો ઉપયોગ થયો હોવાના અહેવાલો બાદ બંને દેશો વચ્ચેનો તણાવ વધુ ચર્ચામાં આવ્યો હતો.

ચાર વર્ષ બાદ ફરી શરૂ થયો રાજદ્વારી સંવાદ

જોકે, હવે બંને દેશો વચ્ચે સંબંધો સુધારવાના પ્રયાસો દેખાઈ રહ્યા છે. એપ્રિલ 2026માં લગભગ ચાર વર્ષના અંતરાલ બાદ ભારત અને તૂર્કિયે(Turkey) વચ્ચે વિદેશ કાર્યાલય સ્તરની મંત્રણા ફરી શરૂ થઈ હતી. બંને પક્ષોએ ગેરસમજો અને મતભેદો દૂર કરવા માટે સંવાદ ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત ડ્રગ સ્મગલર સલીમ ડોલાના પ્રત્યાર્પણમાં તૂર્કિયેએ ભારતને સહયોગ આપ્યો હોવાના અહેવાલ છે. અન્ય વોન્ટેડ ગુનેગારોના પ્રત્યાર્પણને લઈને પણ બંને દેશો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમને ભારત-તૂર્કિયે સંબંધોમાં તણાવ બાદ સુધારાની દિશામાં એક સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો: ઈરાન સાથેની જંગ વચ્ચે અમેરિકાની મોટી તૈયારી, 2027 સુધી મધ્ય પૂર્વમાં રહેશે 50 હજાર સૈનિકો!

આ પણ વાંચો:વિનાશક પૂર-ભૂસ્ખલનથી નેપાળમાં તારાજી, 1200થી વધુનાં મોત અને 4000થી વધુ લાપતા

આ પણ વાંચો: ભારતને અમેરિકાની ચેતવણી? કહ્યું- પ્રતિબંધોથી બચાવવામાં મદદ કરનાર દેશ સામે પણ કાર્યવાહી