USA Threat to India about Iran: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોના નિવેદનથી ફરી ચર્ચા શરૂ થઈ છે. રુબિયોએ વિશ્વના દેશોને ચેતવણી આપતા કહ્યું છે કે ઈરાન પર લગાવવામાં આવેલા અમેરિકન પ્રતિબંધોને ટાળવામાં મદદ કરનાર અથવા ઈરાન સાથે પ્રતિબંધિત પ્રકારનો વેપાર કરનાર દેશ સામે અમેરિકા પણ કડક પ્રતિબંધો લાદી શકે છે. આ નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચેની તાજેતરની મુલાકાત બાદ સામે આવ્યું છે.
રૂબિયોએ શું કહ્યું?
SCO સમિટ દરમિયાન PM મોદી અને ઈરાની(Iran) રાષ્ટ્રપતિ વચ્ચે થયેલી બેઠક અંગે સવાલ પૂછવામાં આવતા માર્કો રુબિયોએ કહ્યું હતું કે ભારત અને ઈરાન વચ્ચે કોઈ નવી વેપાર સમજૂતી થઈ હોવાનું તેમને હાલ લાગતું નથી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકાની નીતિ મુજબ કોઈપણ દેશે ઈરાનને અમેરિકન પ્રતિબંધોથી બચાવવામાં મદદ કરવી જોઈએ નહીં.

Iranની કમાણી અંગે અમેરિકાની ચિંતા
રૂબિયોએ દલીલ કરી હતી કે ઈરાનને(Iran) એવી રીતે કમાણી કરવાની તક ન મળવી જોઈએ કે તે નાણાંનો ઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન આપવા અથવા પરમાણુ હથિયારોના કાર્યક્રમ માટે કરી શકે. તેમણે સંકેત આપ્યો કે જો કોઈ દેશ ઈરાન સાથે એવો વેપારી કરાર કરે, જે અમેરિકન પ્રતિબંધોને નિષ્પ્રભાવી બનાવે, તો તે દેશ સામે પણ અમેરિકાને પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવી પડી શકે છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશકેકમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક દરમિયાન PM મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત થઈ હતી.
બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની સ્થિતિ અને ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવ અંગે ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન ભારતે શાંતિ અને સ્થિરતા માટે પોતાના વલણને પણ સ્પષ્ટ કર્યું હતું.
ભારતે કૂટનીતિ પર આપ્યો ભાર
PM મોદીએ કહ્યું હતું કે વિવાદોનો ઉકેલ યુદ્ધથી નહીં પરંતુ વાતચીત અને કૂટનીતિના માધ્યમથી શોધવો જોઈએ. તેમણે દરિયાઈ માર્ગો અને મુક્ત વેપારની સુરક્ષાનું મહત્વ પણ દર્શાવ્યું હતું. સાથે જ સામાન્ય નાગરિકો તથા દરિયાઈ જહાજોમાં કામ કરતા નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ઈરાને ભારતની ભૂમિકાની પ્રશંસા કરી
બીજી તરફ ઈરાનના(Iran) રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને તાજેતરના સંઘર્ષ દરમિયાન ભારત તરફથી મળેલા સહયોગની પ્રશંસા કરી હતી. તેમણે પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા માટે ભારત પોતાની કૂટનીતિક ક્ષમતાનો ઉપયોગ કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. પેઝેશ્કિયાને અમેરિકાની ટીકા કરતા આક્ષેપ કર્યો હતો કે કૂટનીતિનો રસ્તો અપનાવવાને બદલે અમેરિકાએ યુદ્ધ અને અસ્થિરતાનો માર્ગ પસંદ કર્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ભારત માટે ઈરાન સાથેના સંબંધો અને અમેરિકાની પ્રતિબંધ નીતિ વચ્ચે સંતુલન જાળવવું મહત્વપૂર્ણ બની શકે છે.
આ પણ વાંચો: અમેરિકામાં અંધાધૂંધ ફાયરિંગ: હુમલાખોર સહિત 3નાં મોત, 3 પોલીસકર્મી ઘાયલ
આ પણ વાંચો: ચીનના BRI પર ભારતનો ફરી વિરોધ, PM એ કહ્યું- કનેક્ટિવિટી સંપ્રભુતાનું સન્માન કરવી જોઈએ
આ પણ વાંચો: SCO સમિટ દરમિયાન PM મોદી અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિની મુલાકાત, સંબંધોમાં નવો વળાંક?
