World News/ અમેરિકામાં અંધાધૂંધ ફાયરિંગ: હુમલાખોર સહિત 3નાં મોત, 3 પોલીસકર્મી ઘાયલ

USAના મિનિયાપોલિસમાં બહુમાળી એપાર્ટમેન્ટમાં અચાનક ગોળીબાર થતા હુમલાખોર સહિત 3 લોકોના મોત થયા છે અને ૩ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે. જાણો વિગતવાર અહેવાલ.

Top Stories international World
USA

USA Shooting News: અમેરિકામાં ગન વાયલન્સની ઘટનાઓ સતત ચિંતાનો વિષય બની રહી છે. બુધવારે, 2 સપ્ટેમ્બરની સાંજે મિનિયાપોલિસ શહેરની એક બહુમાળી એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં અચાનક ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનામાં (USA) હુમલાખોર સહિત કુલ 3 લોકોનાં મોત થયા છે, જ્યારે ઘટનાસ્થળે પહોંચેલા 3 પોલીસ અધિકારીઓ પણ ગોળી વાગતાં ઘાયલ થયા છે. મિનિયાપોલિસ પોલીસના જણાવ્યા પ્રમાણે, સાંજે લગભગ 4:30 વાગ્યે એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં ગોળીબાર થઈ રહ્યો હોવાની માહિતી સાથે 911 પર ઈમરજન્સી કોલ આવ્યો હતો. પોલીસ ટીમ માત્ર ત્રણ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અધિકારીઓ બિલ્ડિંગમાં પ્રવેશ્યા ત્યારે તેમને કેટલાક લોકો ઘાયલ હાલતમાં જોવા મળ્યા હતા. તે દરમિયાન ઉપરના માળેથી ફરી ગોળીબારનો અવાજ સંભળાયો હતો.

USAમાં ધુમાડા વચ્ચે મળ્યા ઘાયલ લોકો

પોલીસ અધિકારીઓ(USA) ગોળીબારના અવાજની દિશામાં ઉપરના માળે પહોંચ્યા ત્યારે ત્યાં ધુમાડાને કારણે દૃશ્યતા ખૂબ જ ઓછી હતી. તપાસ દરમિયાન બે લોકો ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યા હતા. તેમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજા ઘાયલ વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ ઉપરાંત, પોલીસને શંકાસ્પદ હુમલાખોર પણ મૃત હાલતમાં મળી આવ્યો હતો. જોકે તેનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે હજુ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

3 પોલીસકર્મીઓ ગોળી વાગવાથી ઘાયલ

ઓપરેશન દરમિયાન હુમલાખોરના ગોળીબારમાં ત્રણ પોલીસ અધિકારીઓને ઈજા થઈ હતી. એક પોલીસકર્મીના પગમાં ગોળી વાગી હતી, જ્યારે અન્ય એક અધિકારીને સર્જરી કરાવવાની જરૂર પડી હતી. હેન્નેપિન કાઉન્ટી મેડિકલ સેન્ટર તરફથી મળેલી માહિતી પ્રમાણે ત્રણેય ઘાયલ પોલીસ અધિકારીઓની હાલત સ્થિર છે અને તેઓ હાલ ખતરાની બહાર છે.

પ્રત્યક્ષદર્શીએ કહ્યું- લગભગ 8 ગોળીઓના અવાજ સાંભળ્યા

ઘટનાના પ્રત્યક્ષદર્શી જુલિયસ બેલીએ જણાવ્યું હતું કે તેઓ બિલ્ડિંગની બહાર બેઠા હતા ત્યારે અચાનક લગભગ 8 ગોળીઓ છૂટવાનો અવાજ સંભળાયો હતો. ત્યારબાદ એક મહિલાની ચીસ પણ સાંભળવા મળી હતી. બેલીએ વધુમાં દાવો કર્યો કે તેમણે એક રહેવાસીને હાથમાં પિસ્તોલ લઈને ફરતો જોયો હતો. તેમના જણાવ્યા પ્રમાણે, આ વ્યક્તિ અગાઉ પણ લોકોની સામે બંદૂક બતાવવા માટે જાણીતો હતો. આ જ કારણસર જૂન મહિનાથી કેટલાક રહેવાસીઓ તેનાથી અંતર જાળવીને રહેતા હતા. હાલ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ તથા હુમલાખોરના મોતના સંજોગો જાણવા માટે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.


આ પણ વાંચો: ચીનના BRI પર ભારતનો ફરી વિરોધ, PM એ કહ્યું- કનેક્ટિવિટી સંપ્રભુતાનું સન્માન કરવી જોઈએ

આ પણ વાંચો:  SCO સમિટ દરમિયાન PM મોદી અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિની મુલાકાત, સંબંધોમાં નવો વળાંક?

આ પણ વાંચો: નેપાળે આર્થિક મદદ નહીં, ક્લાઇમેટ ચેન્જ બદલ માંગ્યું વળતર; પૂરની તબાહીમાં મૃત્યુઆંક હજાર પાર