Manipur Violence: મણિપુરમાં (Manipur) લાંબા સમય બાદ ફરી હિંસાની ઘટનાઓ સામે આવતાં તંત્રની ચિંતા વધી છે. કાંગપોકપી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન આશરે 35 જેટલા મકાનોને આગ લગાવી દેવામાં આવી હોવાના અહેવાલ છે. મંગળવારે લગભગ 10 મકાનો સળગાવાયા હતા, જ્યારે બુધવારે વધુ 25 મકાનો આગની ઝપેટમાં આવ્યા હતા. ઘટનાને પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ સતર્ક કરવામાં આવી છે. મંગળવારે ઇમ્ફાલ-તામેંગલોન્ગ રોડની આસપાસ આવેલા વિસ્તારમાં લગભગ 10 મકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી. તેના બીજા જ દિવસે આ જ વિસ્તારમાં વધુ 25 ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અહેવાલો મુજબ, સળગાવવામાં આવેલા મકાનોમાંથી પાંચ મકાન નેપાળી સમુદાયના લોકોના હતા.
Manipur હુમલામાં એક નાગરિકને ગોળી વાગી
ઘરોમાં આગ લગાડવાની ઘટના દરમિયાન એક ગ્રામીણ નાગરિકને ગોળી વાગી હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રક સહિત ચાર જેટલા વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, હથિયારોથી સજ્જ કેટલાક હુમલાખોરો ગ્રામીણ વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા અને લોકો પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ અનેક મકાનોને આગ લગાવી દેવામાં આવી હતી. આગમાં ઘરોની સાથે અનાજ અને અન્ય ખાદ્ય સામગ્રી પણ નષ્ટ થઈ હોવાનું જણાવાય છે.
મૈતેઇ-કુકી બાદ હવે કુકી-નાગા વચ્ચે તણાવ
અહેવાલ મુજબ, હુમલાની શરૂઆત પીપુરામ નાગા ગામથી થઈ હતી. ત્યારબાદ હુમલાખોરોએ મકુઇ નાગા ગામ તરફ પણ હુમલો કર્યો હતો. આ દરમિયાન એક નાગરિકને ગોળી વાગતાં તે ઘાયલ થયો હતો. મણિપુરમાં અત્યાર સુધી મુખ્યત્વે મૈતેઇ અને કુકી સમુદાયો વચ્ચે હિંસાની ઘટનાઓ જોવા મળતી હતી. પરંતુ હવે કુકી અને નાગા સમુદાયો વચ્ચે પણ અથડામણ અને હિંસાના અહેવાલો સામે આવતાં સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. જે વિસ્તારમાં તાજેતરની ઘટનાઓ બની છે ત્યાં નેપાળી સમુદાયની પણ નોંધપાત્ર વસ્તી છે. 24 કલાકમાં મોટી સંખ્યામાં મકાનો સળગાવાયા હોવાના અહેવાલ બાદ સ્થાનિક તંત્ર અને સુરક્ષા એજન્સીઓ(Manipur) સતર્ક બની છે. વિસ્તારમાં વધુ હિંસા ન ફેલાય અને લોકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
