Shivanand Reddy Army Jawan: કર્ણાટકના ચિક્કબલ્લાપુર જિલ્લામાં જમીન ફાળવણી માટે 26 વર્ષથી કથિત રીતે સરકારી કચેરીઓ અને નેતાઓના ધક્કા ખાઈ રહેલા કારગિલ યુદ્ધના(Kargil War) પૂર્વ સૈનિકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટના ચિંતામણિ તાલુકાના નિરીક્ષણ બંગલાના પરિસરમાં બની હતી.
ડેપ્યુટી CMને મળવા માંગતા હતા
1999ના કારગિલ યુદ્ધમાં સેવા આપનાર ભારતીય સેનાના(Kargil War) નિવૃત્ત નાયક શિવાનંદ રેડ્ડી પોતાની લાંબા સમયથી પડતર જમીનની માંગ અંગે કર્ણાટકના ડેપ્યુટી CM જી. પરમેશ્વરને મળવા માંગતા હતા. અહેવાલ મુજબ, તેઓ જમીન ફાળવણીની માંગ લઈને લાંબા સમયથી સરકારી કચેરીઓ, નેતાઓ અને મંત્રીઓનો સંપર્ક કરી રહ્યા હતા. જોકે, 29 ઓગસ્ટે ડેપ્યુટી CMને મળવાનો પ્રયાસ કર્યો ત્યારે વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ તેમને મળવા રોક્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Kargil Warમાં થયા હતા ઘાયલ
મળતી માહિતી પ્રમાણે શિવાનંદ રેડ્ડી(Kargil War) ભારતીય સેનાની મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીમાં ફરજ બજાવી ચૂક્યા છે. 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન તેઓ ઘાયલ થયા હતા અને ત્યારબાદ દિવ્યાંગ બન્યા હતા. સેનામાં તેમની સેવા બદલ ચિક્કબલ્લાપુરના ચિંતામણિ વિસ્તારમાં તેમને જમીન ફાળવવાનું વચન આપવામાં આવ્યું હોવાનો દાવો છે. જોકે, બે દાયકાથી વધુ સમય પસાર થયા છતાં જમીનનું ફાળવણી પ્રક્રિયા પૂર્ણ થઈ ન હતી.
કીટનાશક પીવાનો આરોપ, હાલત ગંભીર
જમીનના મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલી કથિત વિલંબની પ્રક્રિયા અને ડેપ્યુટી CMને મળી ન શકવાના કારણે નિરાશ થઈને રેડ્ડીએ કીટનાશક દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી સામે આવી છે. કીટનાશક પીધા બાદ તેમની તબિયત લથડી હતી અને હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
તહસીલદારને લખ્યો હતો ભાવુક પત્ર
આ વર્ષે શરૂઆતમાં શિવાનંદ રેડ્ડીએ ચિંતામણિના તહસીલદારને પત્ર લખીને બે હેક્ટર જમીન ફાળવવાની માંગ કરી હતી. પત્રમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 26 વર્ષથી જમીનની માંગ કરી હોવા છતાં હજુ સુધી તેમને જમીન મળી નથી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે 26 વર્ષથી જમીનની રાહ જોઈ રહેલા દિવ્યાંગ પૂર્વ સૈનિક માટે યોગ્ય જમીન શોધવી શું એટલું મુશ્કેલ છે? પત્રમાં તેમણે એ પણ લખ્યું હતું કે તેમણે ભારતીય સેનામાં સેવા આપી છે અને ભાવુક થઈને સવાલ કર્યો હતો કે શું દેશની સેવા કરવી તેમની ભૂલ હતી?
પોલીસ હજુ નિવેદન લઈ શકી નથી
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, તબીબોએ શિવાનંદ રેડ્ડીને હજુ નિવેદન આપવા માટે તંદુરસ્ત જાહેર કર્યા નથી. જેના કારણે પોલીસ તેમનું સત્તાવાર નિવેદન નોંધી શકી નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ રેડ્ડી વર્ષ 1987માં ભારતીય સેનામાં(Kargil War) જોડાયા હતા. હવે તેમની વર્ષોથી પડતર જમીનની માંગ અને સમગ્ર ઘટનાને લઈને તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: હું દેશની રક્ષા કરું કે પરિવારની? જવાનના વાયરલ વીડિયોથી ખળભળાટ, પોલીસ તપાસમાં ખુલ્યું સત્ય
આ પણ વાંચો: બરફીલા પહાડોમાં આતંકીઓની શોધ, ભારતીય સેના સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં
આ પણ વાંચો: ભારતીય સેનાએ જાહેર કરી નવી ગાઇડલાઇન: લાઈક, શેર અને કોમેન્ટ પર પ્રતિબંધ
