Ahmedabad News: નવરાત્રિના તહેવારો વચ્ચે અમદાવાદના રિંગ રોડ અને હાઈવે પર માર્ગ અકસ્માતો (Ahmedabad Accidents)ની ગંભીર ઘટનાઓ સામે આવી છે. સનાથલ, ઓઢવ અને અસલાલી-કમોડ સર્કલ નજીક બનેલા ત્રણ અલગ-અલગ અકસ્માતોમાં ચાર લોકોનાં મોત થયાં છે. અકસ્માતોમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવવું અને રસ્તા પર અસુરક્ષિત રીતે વાહન પાર્ક કરવું જેવા મુદ્દાઓ સામે આવ્યા છે. ટ્રાફિક પોલીસે સંબંધિત ફરિયાદોના આધારે તપાસ શરૂ કરી છે.
Ahmedabad Accidents: સનાથલમાં કન્ટેનર ટ્રક પાછળ બાઈક અથડાતાં બે યુવકોનાં મોત
13 ઓક્ટોબરની રાત્રે સનાથલથી ઉજાલા તરફ જતા માર્ગ પર સનાથલ રેલવે બ્રિજ પાસે પોલારીસ શોરૂમ સામે અકસ્માત સર્જાયો હતો. ફરિયાદ મુજબ, રસ્તા પર સુરક્ષાનાં જરૂરી સંકેતો અને પાર્કિંગ લાઇટ વિના ઊભેલા કન્ટેનર ટ્રક પાછળ બાઈક અથડાઈ હતી.
આ અકસ્માતમાં હર્ષદકુમાર ઉર્ફે રવિ અરવિંદભાઈ મઢવી (ઉંમર 24) અને તેમના મિત્ર શનિ બળદેવભાઈ રાવળ (ઉંમર 20)નાં મોત થયાં હતાં. બંનેને ગંભીર ઈજાઓ થતાં 108ની ટીમે ઘટનાસ્થળે જ મૃત જાહેર કર્યા હતા. મૃતક હર્ષદના ભાઈની ફરિયાદના આધારે એસ.જી.-2 ટ્રાફિક પોલીસે કન્ટેનર ચાલક સાહેબખાન અજીમખાન સામે ગુનો નોંધ્યો છે.
ઓઢવ-નિકોલ રિંગ રોડ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત
11 ઓક્ટોબરની રાત્રે ઓઢવથી નિકોલ રિંગ રોડ ચાર રસ્તા (SP Ring Road Accident) વચ્ચે એક હોટલ નજીક બીજો અકસ્માત થયો હતો. ડુંગરપુરના વતની અને અમદાવાદમાં કડિયાકામ કરતા શૈલેષ માણાભાઈ રોત (ઉંમર 22) પોતાની સ્પ્લેન્ડર બાઈક પર જઈ રહ્યા હતા.
આ દરમિયાન રાજસ્થાન નંબરના ટેલર ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારતાં બાઈકને ટક્કર મારી હોવાનો આક્ષેપ છે. અકસ્માતમાં શૈલેષનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેમના પિતાની ફરિયાદના આધારે ‘આઈ’ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અસલાલી-કમોડ સર્કલ પાસે બોલેરોની ટક્કર, પ્લાન્ટ મેનેજરનું મોત
13 ઓક્ટોબરની સવારે એસ.પી. રિંગ રોડ પર અસલાલી સર્કલથી કમોડ સર્કલ તરફ જતા માર્ગ પર ત્રીજો અકસ્માત સર્જાયો હતો. લાંભા-નારોલ વિસ્તારમાં રહેતા અને ખેડા ખાતે કંપનીમાં પ્લાન્ટ મેનેજર તરીકે કામ કરતા ભાવેશ ભોળાભાઈ દુધાત (ઉંમર 33) ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર પર મકરબા ખાતે ઓફિસ મીટિંગ માટે જઈ રહ્યા હતા.
ફરિયાદ મુજબ, પાછળથી પૂરઝડપે આવેલા બોલેરો પિકઅપ વાહને તેમના ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થતાં ભાવેશભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ બોલેરો ચાલક ફરાર થઈ ગયો હોવાની વિગતો સામે આવી છે. મૃતકનાં પત્નીની ફરિયાદના આધારે ટ્રાફિક પોલીસે (Ahmedabad Traffic Police) તપાસ શરૂ કરી છે.
તહેવારોમાં ટ્રાફિક સલામતીનો પ્રશ્ન ફરી ચર્ચામાં
નવરાત્રિ (Navratri News) દરમિયાન રાત્રે અને વહેલી સવારે વાહનોની અવરજવર વધતી હોય છે. આવા સમયે વાહનચાલકોની બેદરકારી અને રસ્તા પર યોગ્ય સુરક્ષા વિના પાર્ક કરાયેલાં વાહનો ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. અમદાવાદમાં બનેલી આ ઘટનાઓ ફરી એકવાર ટ્રાફિક નિયમોનું પાલન અને માર્ગ સલામતીની જરૂરિયાત પર ધ્યાન દોરે છે.
આ પણ વાંચો: ઇસ્કોનથી સાબરમતી સુધી અકસ્માતનો કહેર! ક્યાંક બેકાબૂ ડિઝાયર તો ક્યાંક PSIની કાર
આ પણ વાંચો: વડોદરામાં અકસ્માત બાદ કારચાલક ફરાર! માતા-પુત્રી સવાર એક્ટિવાને જોરદાર ટક્કર
આ પણ વાંચો: ભાવનગરમાં ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત, 6નાં મોત
