Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી જાણીતી હોટલ હયાત (Hyatt Ahmedabad)ને બે કોફીના બિલમાં સર્વિસ ચાર્જ અને GSTની વસૂલાત મામલે ગ્રાહક પંચ તરફથી આંચકો લાગ્યો છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચે ગ્રાહકની ફરિયાદ પર સુનાવણી કરતાં હોટલને કુલ રૂ.4,040 ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ રકમમાં માનસિક યાતના અને કાનૂની ખર્ચનું વળતર સામેલ છે. સાથે જ, ગેરવ્યાજબી રીતે વસૂલવામાં આવેલી રકમ વ્યાજ સાથે પરત કરવા પણ આદેશ કરાયો છે.
Hyatt Ahmedabad: બે કોફીના બિલમાં સર્વિસ ચાર્જ અને GST વસૂલ્યાનો આક્ષેપ
મળતી માહિતી મુજબ, સાયન્સ સિટી રોડ પર આવેલા સપ્તક બંગ્લોઝમાં રહેતા રોહિત પટેલ 11 સપ્ટેમ્બર, 2025ના રોજ બપોરે વસ્ત્રાપુરની હોટલ હયાતમાં ગયા હતા. તેમણે બે કોફીનો ઓર્ડર આપ્યો હતો. આ બે કોફીનું બિલ (Hotel Bill) રૂ.854 થયું હતું, જેમાં રૂ.62 GST (GST Charge) અને રૂ.34.50 સર્વિસ ચાર્જ (Service Charge) વસૂલવામાં આવ્યો હતો.
ગ્રાહક રોહિત પટેલે આ વસૂલાત સામે વાંધો ઉઠાવી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ નોંધાવી હતી.
હોટલ તરફથી કોઈ પ્રતિનિધિ હાજર ન થયો
ફરિયાદ અંગે ગ્રાહક પંચે હોટલ સત્તાવાળાઓને નોટિસ પાઠવી હતી. જોકે, આપવામાં આવેલી વિગતો મુજબ હોટલ તરફથી કોઈ પ્રતિનિધિ સુનાવણીમાં હાજર રહ્યો નહોતો. આથી પંચે કેસની એકતરફી સુનાવણી આગળ ધપાવી હતી.
ગ્રાહક પંચે રૂ.4,040 ચૂકવવાનો હુકમ કર્યો
ફરિયાદી દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને પંચે હુકમ કર્યો હતો. વિગતો મુજબ, હોટલને સર્વિસ ચાર્જના રૂ.34.50 અને GSTના રૂ.6, કુલ રૂ.40.50, 9 ટકા વ્યાજ સાથે પરત કરવા આદેશ અપાયો હતો.
આ ઉપરાંત ગ્રાહકને થયેલી માનસિક યાતના બદલ રૂ.2,000 અને કાનૂની ખર્ચ પેટે રૂ.2,000 ચૂકવવા જણાવાયું હતું. આમ, હોટલને કુલ રૂ.4,040 ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ચુકવણી આગામી 30 દિવસમાં કરવાની સૂચના અપાઈ હોવાનું જણાવાયું છે.
કન્ઝ્યુમર વેલ્ફેર ફંડમાં રૂ.1 લાખ જમા કરવાની માગ નામંજૂર
ફરિયાદી દ્વારા હોટલ પાસે રૂ.1 લાખ કન્ઝ્યુમર વેલ્ફેર ફંડમાં જમા કરાવવાની માગ પણ કરવામાં આવી હતી. ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની કલમ 39(1)(k) હેઠળ મોટા પ્રમાણમાં ગ્રાહકોને નુકસાન થયું હોય તેવા સંજોગોમાં આવો આદેશ થઈ શકે છે.
જોકે, આ કેસમાં હોટલે અગાઉ કેટલા ગ્રાહકો પાસેથી આવી વસૂલાત કરી હતી અને કેટલા લોકો અસરગ્રસ્ત થયા હતા તે દર્શાવતા વિશ્વસનીય પુરાવા રજૂ થયા ન હોવાનું પંચે નોંધ્યું હતું. તેથી રૂ.1 લાખ ફંડમાં જમા કરાવવાની માગ મંજૂર કરવામાં આવી નહોતી.
આ પણ વાંચો: હોટલ-રેસ્ટોરન્ટમાં પણ કડકાઈ! એનાલોગ પનીરને ‘પનીર’ તરીકે વેચવા પર રોકની તૈયારી
આ પણ વાંચો: મહેસાણામાં પકવાન હોટલ સામે ફાયરિંગથી ચકચાર
