Food Recipe: સવારની શરુઆત જો કોઈ સ્વાદિષ્ટ અને હૅલ્ધી નાસ્તા સાથે કરવામાં આવે તો આખો દિવસ એનર્જેટિક રહે છે. સાબુદાણાની ખીચડી તો તમે અનેક વાર ખાધી હશે, પરંતુ શું તમે કદીયે સાબુદાણા પરોઠા (Sabudana Paratha)નો સ્વાદ ચાખ્યો છે ખરો? આ પરોઠા સ્વાદમાં લાજવાબ હોવા ઉપરાંત એને બનાવવાનું પણ અત્યંત આસાન છે.
સૌથી સારી બાબત એ છે કે તમે સામાન્ય દિવસોમાં એને નાસ્તા (Breakfast)ના સ્વરુપમાં ખાવા ઉપરાંત, વ્રત-ઉપવાસમાં પણ ખાઈ શકો છો. આજ-કાલ નવરાત્રિ (Navratri 2026)ની ધૂમ છે અને ઘણા લોકોએ નવરાત્રિનો ઉપવાસ કર્યો હશે. તો આ રેસિપી (Navratri Fasting Recipe) તમને ઘણી જ અનુકૂળ આવશે. તો ચાલો જાણીએ કે સાબુદાણાના પરોઠા શી રીતે બનાવવા?
શી રીતે બનાવશો સાબુદાણા પરોઠા? (Sabudana Paratha Recipe)
સાબુદાણા પરોઠા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કપ સાબુદાણા
2 બાફેલા બટાટા
અડધો કપ શેકીને વાટેલી અધકચરી મગફળી
2-3 ઝીણા સમારેલા લીલા મરચાં
1 ચમચી છીણેલું આદુ
ઝીણી સમારેલી કોથમીર
સ્વાદાનુસાર સિંધાલૂણ
અડધી ચમચી કાળા મરીનો પાવડર
પરોઠા શેકવા માટે ઘી અથવા તેલ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ સાબુદાણા (Sago)ને ધોઇને 3-4 કલાક સુધી પાણીમાં પલાળી દો. જ્યારે સાબુદાણા સારી રીતે ફૂલી જાય અને હાથેથી દબાવતા સૉફ્ટ લાગે ત્યારે એનું તમામ પાણી ગાળી લેવું.
2. હવે કોઈ મોટા વાસણમાં પલળેલા સાબુદાણા, મૅશ કરેલા બટાટા, અધકચરી વાટેલી મગફળી (Peanuts), લીલા મરચા, આદુ, તાજી કોથમીર, કાળા મરીનો પાવડર અને સ્વાદાનુસાર સિંધવ લૂણ ઉમેરો. આ તમામ સામગ્રીને મિક્સ કરીને સૉફટ લોટની જેમ બાંધી લો.
3. હવે હાથમાં થોડું ઘી અથવા તેલ લગાવીને મિશ્રણમાંથી મધ્યમ આકારના લુવા બનાવી દેવા.
4. એને એક બટર પેપર અથવા પોલીથીન શીટ પર થોડું ઘી લગાવી લો. લુવાના મધ્યમાં રાખીને એની મદદથી ધીમે-ધીમે દબાવીને ગોળ પરોઠાનો શૅપ આપો.
5. તવાને મધ્યમ તાપે ગરમ કરો અને ઘીથી ગ્રીસ કરી લો. પરોઠાને સાવધાનીપૂર્વક તવા પર ઉમેરો.
6. બંને તરફ ઘી (Ghee) લગાવીને ધીમાથી મધ્યમ તાપે જ્યાં સુધી એ સોનેરી અને ક્રિસ્પી ન બની જાય ત્યાં સુધી પરોઠાને શેકી લો.

તો તૈયાર છે તમારા ગરમાગરમ સાબુદાણા પરોઠા (Sabudana Paratha)…જેને તમે કોથમીર, લીલા મરચાં અને સિંધવ લૂણની ચટણી કે દહીં સાથે સર્વ કરી શકો છો.
આ પણ વાંચો: નવરાત્રિ સ્પેશ્યલ ફરાળી અપ્પમ…સામા કે મોરૈયા વડે બનાવો અને લીલી તીખી ચટણી સાથે ખાઓ!
આ પણ વાંચો: નવરાત્રિનો ફરાળી નાસ્તો…ચટપટી સાબુદાણા સેન્ડવીચ….બનાવવાનું છે તદ્દન સરળ..!
આ પણ વાંચો: જન્માષ્ટમી વ્રતને બનાવો વિશેષ…ઝટપટ બનતી પારંપરિક અને સ્વાદિષ્ટ સાબુદાણા વડા રેસિપી…
