Ahmedabad News : અમદાવાદના પાલડીમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય પાસે ABVP વિરોધ પ્રદર્શન (ABVP protest) યોજાયું હતું. SIR મુદ્દે કોંગ્રેસ અને CJPના આંદોલન સામે કાર્યકર્તાઓએ બેનરો-પોસ્ટરો સાથે ધરણા કર્યા હતા. આ દરમિયાન કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.
કોંગ્રેસ કાર્યાલય પાસે ABVPનું વિરોધ પ્રદર્શન
દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ અને CJPના નેતાઓ ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar)ના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ આંદોલન સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મેદાને આવી છે. સંગઠને આ આંદોલનને પ્રોપેગેન્ડા અને દેશવિરોધી ષડયંત્ર ગણાવ્યું છે. સંગઠનનો આરોપ છે કે રાહુલ ગાંધી અને CJP યુવાનોને ખોટા રસ્તે દોરી રહ્યા છે.
આ આરોપ સાથે રાજ્યભરમાંથીએબીવીપીના કાર્યકર્તાઓ અમદાવાદના પાલડીમાં આવેલા રાજીવ ગાંધી ભવન (Rajiv Gandhi Bhavan) પહોંચ્યા હતા. ત્યાં તેમણે બેનરો અને પોસ્ટરો સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું.
ABVP વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ
વિરોધને પગલે કોંગ્રેસ કાર્યાલય પાસે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરાઈ હતી. JCP સહિત 100થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવાયો હતો. બેરિકેડ લગાવીને રાજીવ ગાંધી ભવન તરફ જતા ત્રણેય રસ્તા બંધ કરી દેવાયા હતા. રેલી કાઢીને કાર્યકર્તાઓ ભવન પાસે પહોંચ્યા ત્યારે પોલીસે તેમને આગળ વધતા અટકાવ્યા હતા. રોકવામાં આવતાં એબીવીપીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
એબીવીપીનો વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર
કાર્યકર્તાઓએ બેરિકેડ પર ચડીને રાહુલ ગાંધી મુર્દાબાદ અને કોંગ્રેસ મુર્દાબાદના નારા લગાવ્યા હતા. તેમણે ડીજે સાથે ધરણા પ્રદર્શન પણ કર્યું હતું. કાર્યકર્તાઓ તરફથી એવો દાવો પણ કરાયો હતો કે વિદેશી ફંડિંગથી અરાજકતા ફેલાવનારા લોકો સાથે યુવાનો જોડાતા નથી. અડધા કલાક સુધી ધરણા કર્યા પછી કાર્યકર્તાઓ પરત ફર્યા હતા.
SIR પ્રક્રિયાના મુદ્દે વિરોધ
કોંગ્રેસ અને કોકરોચ જનતા પાર્ટી (Cockroach Janta Party) દિલ્હીમાં લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે SIR પ્રક્રિયાના નામે દેશભરમાંથી આશરે 13 કરોડ મતદારોના નામ રદ કરાયા છે. મુખ્ય ચૂંટણી કમિશનરના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. હવે આ વિરોધ સામે એબીવીપી પણ મેદાને ઉતરી છે.
આ પણ વાંચો: વલસાડ હોસ્ટેલમાં ABVPની તપાસ, સડેલા શાકભાજી મળ્યાનો દાવો
આ પણ વાંચો: નવી સિવિલમાં ડો. યોગેનના મોત મામલે ABVPનો વિરોધ, રેગિંગ-માનસિક ત્રાસની તટસ્થ તપાસની માગ
આ પણ વાંચો: ગૂજરાત વિદ્યાપીઠ ગર્લ્સ હોસ્ટેલમાં ABVPનું ચેકિંગ, વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો
