Ahmedabad News : અમદાવાદ સહિત ગુજરાતમાં રેલવે ટિકિટની સુરક્ષાને લઈને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. Google AIનો ઉપયોગ કરીને બનાવટી રેલવે ટિકિટ(AI Fake Railway Ticket) તૈયાર કરી તેના આધારે ટ્રેનમાં મુસાફરી કરવાનું કૌભાંડ રેલવેના ટિકિટ (Railway Ticket Scam)ચેકિંગ સ્ટાફે ઝડપી પાડ્યું છે. આ મામલે બે મુસાફરો અને બોગસ ટિકિટ તૈયાર કરનાર મુખ્ય સૂત્રધાર સહિત કુલ ત્રણ શખસોને પકડી લેવામાં આવ્યા છે. રેલવે પોલીસની તપાસ બાદ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
AI Fake Railway Ticket : ટ્રેનમાં ટિકિટ તપાસ દરમિયાન શંકા જતાં ખુલાસો
મળતી માહિતી મુજબ, 15 ઓક્ટોબરના રોજ ટ્રેન નંબર 11463 વેરાવળ–જબલપુર એક્સપ્રેસ વાંકાનેર જંક્શનથી રવાના થયા બાદ ટિકિટ ચેકિંગની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ફરજ પરના ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર (CTI)એ H-1 અને S-1 કોચના કોરિડોરમાં ઊભેલા બે મુસાફરો પાસે ટિકિટની તપાસ કરી હતી.
બંને મુસાફરોએ પોતાના મોબાઇલ ફોનમાં માસિક સીઝન ટિકિટ (MST) અને મુસાફરીની ટિકિટ બતાવી હતી. જોકે, ટિકિટમાં ભારત સરકારનું નામ, રેલવેનો સત્તાવાર લોગો અને સિક્કા શંકાસ્પદ જણાતાં ટિકિટ નિરીક્ષકને શંકા ગઈ હતી. ત્યારબાદ તેમણે તાત્કાલિક કમર્શિયલ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ટ્રેન સુરેન્દ્રનગર સ્ટેશને પહોંચતાં બંને મુસાફરોને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને સોંપવામાં આવ્યા હતા.
Google AIથી બોગસ ટિકિટ બનાવી વોટ્સએપ પર મોકલી
આ મામલે રાજકોટ રેલવે પોલીસ (Rajkot Railway Police)સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 336(3), 340(2) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસની સર્વેલન્સ ટીમે તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, પકડાયેલા મુસાફરો પાસે રહેલી બનાવટી ટિકિટ ગોંડલમાં રહેતા મનમોહન નામના શખસે Google AI એપ્લિકેશનનો ઉપયોગ કરીને તૈયાર કરી હતી. આ ટિકિટ તેણે પોતાના મોબાઇલ ફોનમાંથી વોટ્સએપ મારફતે મિત્રને મોકલી હતી. ત્યારબાદ આ ટિકિટનો ઉપયોગ ટ્રેનમાં મુસાફરી કરવા માટે કરવામાં આવ્યો હતો.
ગોંડલમાંથી મુખ્ય સૂત્રધાર ઝડપાયો
રેલવે પોલીસની સર્વેલન્સ ટીમે મળેલી બાતમી અને તપાસના આધારે ગણતરીના કલાકોમાં ગોંડલમાંથી મુખ્ય સૂત્રધાર મનમોહનને ઝડપી (Gondal Arrest)લીધો હતો. આ રીતે બનાવટી ટિકિટ તૈયાર કરનાર અને તેનો ઉપયોગ કરનાર બે મુસાફરો સહિત કુલ ત્રણ શખસો પોલીસની પકડમાં આવ્યા છે.
તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલહવાલે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેલવે તંત્રની સતર્કતાને કારણે બનાવટી ટિકિટના આધારે મુસાફરી કરવાના આ કિસ્સાનો પર્દાફાશ થયો છે. આ ઘટના ડિજિટલ માધ્યમથી તૈયાર કરવામાં આવતાં બનાવટી દસ્તાવેજો સામે રેલવેની ટિકિટ તપાસનું મહત્ત્વ પણ દર્શાવે છે.
