Ahmedabad News: શહેરના ઘુમા વિસ્તારમાં પ્લોટના બનાવટી દસ્તાવેજો (Ghuma Plot Loan Fraud) તૈયાર કરીને ₹1 કરોડની લોન મેળવવાના ગંભીર કૌભાંડનો ખુલાસો થયો છે. સોસાયટીના ચેરમેનની ખોટી સહી અને સિક્કાનો ઉપયોગ કરીને એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે 72 વર્ષીય વૃદ્ધાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
Ghuma Plot Loan Fraud : પ્લોટ પર પહોંચતા ખુલ્યો સમગ્ર ભાંડો
સિંધુભવન રોડ વિસ્તારમાં રહેતા ભાનુબેન પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે ઘુમા ગામની શ્રી વ્રજશ્યામ સોસાયટીમાં તેમનો પ્લોટ (Ghuma Plot Loan Fraud) આવેલો છે. તેમણે ડિસેમ્બર 2020માં આ પ્લોટ અગાઉના માલિક પાસેથી ખરીદ્યો હતો. 9 માર્ચના રોજ તેમનો દીકરો પ્લોટની મુલાકાતે ગયો ત્યારે ત્યાં ટ્રુહોમ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા લગાવવામાં આવેલી નોટિસ જોવા મળી હતી. આથી શંકા જતાં દસ્તાવેજોની તપાસ કરવામાં આવી, જેમાં મોટું કૌભાંડ બહાર આવ્યું.
ખોટા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ તૈયાર કરાયા
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ વર્ષ 1999ના ખોટા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ તૈયાર કર્યા હતા. આ દસ્તાવેજો પર સોસાયટીના ચેરમેનની નકલી સહી અને સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી દસ્તાવેજો અસલી હોવાનું દર્શાવી શકાય.
બનાવટી દસ્તાવેજોથી ₹1 કરોડની લોન
પોલીસ ફરિયાદ મુજબ, આ બોગસ દસ્તાવેજોના આધારે નિર્મલ બાલાણીએ મુખ્ય અરજદાર અને ભાવેશ બાલાણીએ સહ-અરજદાર તરીકે અરજી કરીને 31 ઓક્ટોબર, 2023ના રોજ ટ્રુહોમ ફાઇનાન્સ લિમિટેડ પાસેથી પ્લોટ (Ghuma Plot Loan Fraud) ગીરો મૂકી ₹1 કરોડની લોન મેળવી હતી. આરોપીઓએ લોનની સંપૂર્ણ રકમનો ઉપયોગ કરી નાખ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ચાર શખ્સો સામે ફરિયાદ
આ સમગ્ર છેતરપિંડીમાં કમલેશ, દીપક, નિર્મલ બાલાણી અને ભાવેશ બાલાણી સહિત ચાર લોકોના નામ સામે આવ્યા છે. વૃદ્ધાને સમગ્ર ઘટનાની જાણ થતાં તેમણે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે કે બનાવટી દસ્તાવેજો કેવી રીતે તૈયાર કરવામાં આવ્યા અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં.
આ પણ વાંચો:બનાવટી દસ્તાવેજોના આધારે વોટર આઈડી કાર્ડ બનાવતા 2 લોકોની ધરપકડ, ERO ફરિયાદ બાદ કેસ નોંધાયો
આ પણ વાંચો:પુત્રીને સગીર બતાવવા માટે પિતાએ બનાવ્યા બનાવટી દસ્તાવેજો
