Gandhinagar News/ ડેટા સેન્ટર હબ બનાવવા માટે રાજ્ય સરકારનું મહત્વપૂર્ણ પગલુ; રાજ્ય સરકારે  ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’ લોન્ચ કરી

ગુજરાત સરકારે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’ લોન્ચ કરી છે. નવી પોલિસી હેઠળ રોકાણકારોને વિશેષ પ્રોત્સાહનો, સિંગલ-વિન્ડો મંજૂરી અને ગ્રીન એનર્જી પર ભાર સાથે અંદાજે ₹6 લાખ કરોડના રોકાણની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat Gandhinagar Breaking News
Gujarat Data Center Policy 2026-29

Gandhinagar News: ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’ લોન્ચ કરી છે. નવી પોલિસી હેઠળ રોકાણકારોને વિશેષ પ્રોત્સાહનો, સિંગલ-વિન્ડો મંજૂરી અને ગ્રીન એનર્જીને પ્રાધાન્ય આપવામાં આવશે. રાજ્ય સરકારના અંદાજ મુજબ આ પોલિસીથી આગામી વર્ષોમાં આશરે  6 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષાઈ શકે છે, જે ગુજરાતના ડિજિટલ અને ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપશે.

ગાંધીનગરમાં નવી ડેટા સેન્ટર પોલિસી લોન્ચ | Gujarat Data Center Policy 2026-29

ગુજરાત સરકારે રાજ્યને ભારતનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવા માટે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’ (Gujarat Data Center Policy 2026-29) જાહેર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં પોલિસીનું લોન્ચિંગ કર્યું. નવી પોલિસી અંતર્ગત સામાન્ય ઔદ્યોગિક નીતિ કરતાં વધુ આકર્ષક સબસિડી અને પ્રોત્સાહનો આપવામાં આવશે.

6 લાખ કરોડ રૂપિયાના રોકાણનો અંદાજ

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે નવી પોલિસીથી ગુજરાતમાં અંદાજે 6 લાખ કરોડનું રોકાણ આકર્ષાઈ શકે છે. પોલિસી જાહેર થાય તે પહેલાં જ 14 કંપનીઓએ કુલ 10 ગીગાવોટ ક્ષમતાવાળા ડેટા સેન્ટર માટે રસ દર્શાવ્યો છે.

રોકાણકારોને મળશે સિંગલ-વિન્ડો સુવિધા

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવા માટે જાહેર કરાયેલી નવી પોલિસી હેઠળ રોકાણકારોને સામાન્ય ઔદ્યોગિક નીતિ કરતાં વધુ આકર્ષક પ્રોત્સાહનો અને સબસિડી આપવામાં આવશે. ડેટા સેન્ટર સ્થાપવા માટે જરૂરી ભારે મૂડીરોકાણ, સતત વીજ પુરવઠો અને પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો માટે રાજ્ય સરકાર વિશેષ સહાય પૂરી પાડશે. પોલિસીના અસરકારક અમલીકરણ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળનું ડિરેક્ટોરેટ ઓફ ICT એન્ડ ઈ-ગવર્નન્સ નોડલ એજન્સી તરીકે કામગીરી સંભાળશે તેમજ રોકાણકારોને તમામ મંજૂરીઓ માટે સિંગલ-વિન્ડો સુવિધા ઉપલબ્ધ કરાવશે.

ગ્રીન એનર્જી ફરજિયાત

ડેટા સેન્ટર્સ 24 કલાક સતત કાર્યરત રહેતા હોવાથી તેમાં વીજળીનો વપરાશ ખૂબ જ વધારે હોય છે. પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે નવી ડેટા સેન્ટર પોલિસીમાં મહત્વપૂર્ણ જોગવાઈ કરી છે. તેના મુજબ દરેક ડેટા સેન્ટરે પોતાની કુલ વીજ જરૂરિયાતમાંથી ઓછામાં ઓછી 51 ટકા વીજળી રિન્યુએબલ એનર્જી, એટલે કે સૌર અથવા પવન ઊર્જા જેવા સ્ત્રોતોમાંથી મેળવવી ફરજિયાત રહેશે.

ધોલેરા બનશે ડેટા સેન્ટર હબ

રાજ્ય સરકાર ધોલેરા (Dholera)ને વિશ્વના અગ્રણી ડેટા સેન્ટર શહેર તરીકે વિકસાવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. આ માટે સ્ટેકહોલ્ડર્સ સાથે બેઠક યોજાશે, યોગ્ય જમીનની ઓળખ કરવામાં આવશે અને પ્રોજેક્ટના ઝડપી અમલીકરણ માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. ધોલેરા એરપોર્ટ અને અમદાવાદ-ધોલેરા સેમી હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ આ વિસ્તારના વિકાસને વધુ ગતિ આપશે. ઉપરાંત, ધોલેરાને ડેટા સેન્ટર સાથે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC)ના મુખ્ય કેન્દ્ર તરીકે પણ વિકસાવવાની યોજના રાજ્ય સરકાર અમલમાં મૂકી રહી છે.

ગુજરાત ડિજિટલ અર્થતંત્રનું કેન્દ્ર બનશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ( CM Bhupendra Patel)જણાવ્યું કે નવી પોલિસી ક્લાઉડ સર્વિસ, ડિજિટલ ગવર્નન્સ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે. આવનારા સમયમાં ગુજરાત માત્ર ભારત જ નહીં પરંતુ વૈશ્વિક ડિજિટલ અર્થતંત્રમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.


આ પણ વાંચો:અમિત શાહની હરિયાળી ઝુંબેશ: ગાંધીનગર લોકસભામાં 12 જુલાઈએ ‘સામૂહિક વૃક્ષારોપણ અભિયાન’

આ પણ વાંચો:ખેડૂતોનો ડેટા હવે રહેશે ફૂલપ્રૂફ સુરક્ષિત: કૃષિ વિભાગે બનાવી વિભાગીય ડેટા સમિતિ

આ પણ વાંચો:1 લાખથી વધુ વખત ફાઈલ એક્સેસ કરવાનો ટ્રાય, CBSE બોર્ડે કહ્યું- વિદ્યાર્થીઓનો ડેટા 100% સુરક્ષિત