Gujarat Weather: હવામાન વિભાગે ગુજરાતમાં આજે છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. આખા ગુજરાતને મેઘરાજા ધમરોળશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. તેના ભાગરૂપે આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી છે. આ બતાવે છે કે આગામી પાંચ દિવસમાં ભારે વરસાદના કારણે દરિયામાં કેવો કરંટ હશે.

હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. તેના કારણે આગામી પાંચ દિવસ વરસાદ ધુંઆધાર બેટિંગ કરે તેવી પૂરેપરી સંભાવના છે. ઓગસ્ટનો અંતિમ સપ્તાહ આખા રાજ્યને વરસાદથી તરબતર કરી દેશે તેમ માનવામાં આવે છે. સામાન્ય રીતે વરસાદી સિસ્ટમ એક પછી એક આવતી હોય છે, પણ એકસાથે પાંચ સિસ્ટમ સક્રિય થવાના કારણે તોફાની વરસાદ પડશે તેમ માનવામાં આવે છે.

આના કારણે અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદને લઈને રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત અને નવસારીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ છ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આના કારણે એનડીઆરએફની ટીમ સાબદી કરી દેવાઈ છે અને પહેલેથી જ તેની વધારે કુમકો મોકલી દેવાઈ છે. આ છ જિલ્લાઓની મ્યુનિસિપાલિટીના કર્મચારીઓની બધી રજા રદ કરી દેવામાં આવી છે અને ભારે વરસાદથી પાણી ભરાય તેવા સંજોગોમાં તાત્કાલિક નિકાલની તાકીદની વ્યવસ્થા યોજવા જણાવાયું છે. તેની સાથે આ છ જિલ્લાઓના નાગરિકોને પણ કામ વગર બિનજરૂરી બહાર ન નીકળવા ચેતવણી આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અત્યારથી જ સલામત સ્થળે ચાલ્યા જવા માટે કહેવામાં આવ્યું છે. દરેક વોર્ડમાં સરકારી સ્કૂલોને અસરગ્રસ્ત લોકો માટે રાહત કેન્દ્ર માટે તૈયાર રાખવામાં આવે છે. અનાજ તથા દવાઓનો પૂરતો પુરવઠો પણ કરી લેવાયો છે. તેની સાથે રોગચાળો ન ફેલાય તે માટે છંટકાવ જંતુનાશક દવાઓનો પુરવઠો પણ તૈયાર રાખવામાં આવ્યો છે. ડોક્ટરોને પણ ખડેપગે રાખવામાં આવ્યા છે.

આ સિવાય રાજ્યના દસ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતમાં ભરૂચ અને વડોદરાની સાથે-સાથે પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં તાપી અને ડાંગમાં પણ વરસાદની આગાહી છે. કચ્છની સાથે સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, મોરબી અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણાની સાથે-સાથે પાટણ અને બનાસકાંઠામાં પણ આજે ભારે વરસાદની આગાહી છે. આમ ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં પણ તંત્રને સાબદુ કરી દેવાયું છે અને એનડીઆરએફની ટીમને સક્રિય કરી દેવાઈ છે. આ ઉપરાંત અમુક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarat Weather/ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
આ પણ વાંચો: Gujarat Weather/ગુજરાતમાં વરસાદની આગાહી, રાજ્યમાં આજે થઈ શકે છે સાર્વત્રિક મેઘમહેર
આ પણ વાંચો: Gujarat Weather/ગુજરાતમાં ભારે વરસાદની આગાહી,12 જિલ્લામાં યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
