Gandhinagar News : ગાંધીનગર લોકસભા – હરિયાળી લોકસભા’ સંકલ્પ સાથે આગામી 12 જુલાઈ 2026, રવિવારના રોજ મોટા પાયે સામૂહિક વૃક્ષારોપણ (Tree Plantation)અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત નાગરિકોને પોતાના પરિવારના સભ્ય દીઠ એક છોડ વાવવા અને તેના ઉછેરની જવાબદારી લેવા માટે આહવાન કરાયું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં 2026-27 દરમિયાન ગાંધીનગર લોકસભા હેઠળ આવતી તમામ સાત વિધાનસભા બેઠકોમાં કુલ 1,01,10,026 વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. જેમાં સાણંદ વિધાનસભામાં સૌથી વધુ 52.64 લાખ વૃક્ષ-વાવેતરનું આયોજન કરાયું છે. કલોલ તેમજ ગાંધીનગર (ઉત્તર) જેવા વિસ્તારોમાં પણ લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ (Tree Plantation)કરી ગ્રીન કવરને વ્યાપક બનાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019 થી 2025 સુધીના સમયગાળામાં કરાયેલા સઘન વાવેતરના પરિણામે આ વિસ્તારની ગ્રીન કવરમાં 11.25 ટકાનો નોંધપાત્ર વધારોય થયો છે.
ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના શહેરી વિસ્તારમાં અત્યાર સુધીમાં 94 જેટલા ‘ઑક્સિજન પાર્ક’ (Oxygen Park)તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદના સાબરમતી, ગોતા, થલતેજ, બોડકદેવ, સરખેજ અને વેજલપુર જેવા વિવિધ વોર્ડમાં ફેલાયેલા આ પાર્કોમાં જાપાનીઝ તકનીક ‘મિયાવાકી’ અને ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિથી ખૂબ ટૂંકા ગાળામાં અર્બન ફોરેસ્ટ ઊભા કરવામાં આવ્યા છે.

આગામી રવિવારે યોજાનારા આ સામૂહિક મહોત્સવમાં જનભાગીદારી વધારવા માટે ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરાયું છે. નાગરિકો સવારે નિર્ધારિત મુખ્ય સ્થળો પર પર્યાવરણ મહોત્સવનો હિસ્સો બની શકશે. આ મહા-અભિયાનમાં જોડાવા અને વૃક્ષારોપણ (Tree Plantation)ની નોંધણી કરાવવા માટે સત્તાવાર વેબસાઇટ www.gandhinagarloksabha.in પર રજીસ્ટ્રેશન કરાવવા સૌ નાગરીકોને અપીલ કરવામાં આવી છે.
