Ahmedabad News: અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેશરડી ગામમાં વનકવચ ખાતે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ કંપની લિમિટેડ અને ધરતી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વનકવચ
આ કાર્યક્રમની શરૂઆતમાં કેશરડી ગામના આગેવાન સુખદેવભાઈએ વનકવચ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, આ જમીન કેશરડી ગામની સીમની હતી. અગાઉ આ જમીન ખારી અને બંજર હતી, જ્યાં માત્ર ગાંડા બાવળના ઝાંખરા જ જોવા મળતા હતા. આ પરિસ્થિતિ અંગે વિચારણા કરતાં, તેઓ ધરતી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાન્તિભાઈ મકવાણાના સંપર્કમાં આવ્યા. તેમના માર્ગદર્શન હેઠળ, ગામસભામાં ઠરાવ કરીને વૃક્ષો રોપવાનું નક્કી કરવામાં આવ્યું.

આ સંકલ્પને સાકાર કરવા માટે બાવળા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, ધરતી ચેરીટેબલ ટ્રસ્ટ અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ કંપની લિમિટેડના સહયોગથી વર્ષ 2024માં બત્રીસ હજાર વૃક્ષો અને વર્ષ 2025માં સત્તર હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.
સુખદેવભાઈએ ગૌરવ સાથે જણાવ્યું કે, સર્વના સહકારથી આજે આ સ્થળે એક સુંદર અને રમણીય જંગલ ઊભું થયું છે, અને રોપવામાં આવેલ એક પણ વૃક્ષ નિષ્ફળ ગયું નથી.
પ્રાકૃતિક ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કાશીરામભાઈ વાઘેલાએ વનકવચમાં રોપેલા વિવિધ પ્રકારના વૃક્ષોની વિસ્તૃત માહિતી આપી હતી. આમાં ઔષધીય વૃક્ષો, ફળાઉ વૃક્ષો, વધારે ઓક્સિજન આપનાર વૃક્ષો, અને ફૂલ-ઝાડના વૃક્ષોનો સમાવેશ થાય છે.

સુખદેવભાઈએ વધુમાં જણાવ્યું કે, આ સ્થળ આજે જાણે વસંતઋતુ ખીલી ઉઠી હોય એવું રમણીય બની ગયું છે. ત્યાર બાદ, સર્વે મહાનુભાવો અને કર્મચારી ગણે સાથે મળીને આ વનકવચમાં રોપેલા વૃક્ષોનું નીંદામણ કરવાનું શ્રમ કાર્ય હાથ ધર્યું હતું.
અંતે, કાશીરામભાઈ વાઘેલાએ વનકવચમાં રોપેલા વૃક્ષોનો પ્રત્યક્ષ પરિચય કરાવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ કાન્તિભાઈ મકવાણા, ટાટા મોટર્સના ટી.સી.એ. ડિપાર્ટમેન્ટના સી.એસ.આર. હેડ સંપાદાસ ઘોસ સહિત ફોરેસ્ટ વિભાગના કર્મચારીગણ અને ધરતી ચેરીટેબલ ટ્રસ્ટનો સ્ટાફ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો:મુખ્યમંત્રીના હસ્તે ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત સાબરમતી વોર્ડ ખાતે વૃક્ષારોપણ…
આ પણ વાંચો:વૃક્ષારોપણ માટે મ્યુનિ. ધૂળ-ઢેફાં પાછળ દસ કરોડ રૂપિયાથી વધુ રકમ ખર્ચશે

