પ્રજાના રૂપિયાનું પાણી કેવી રીતે કરવું તે શીખવું હોય તો તે કોઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પાસેથી શીખે. અમદાવાદ મ્યુનિ.ની વિચિત્રતા એવી છે કે તે એકબાજુએ આડેધડ વૃક્ષો કાપે છે અને બીજી બાજુએ તે શહેરનું ગ્રીન કવર વધારવામાં માટે કરોડો રૂપિયા ખર્ચી રહ્યુ છે. આ રૂપિયા મ્યુનિ.ના હોદ્દેદારો કંઈ પોતાના ખિસ્સામાંથી તો ખર્ચતા નથી, પરંતુ પ્રજાના વેરામાંથી ખર્ચે છે. અમદાવાદ મ્યુનિ.નો આ વિરોધાભાસી ભર્યો અભિગમ કદાચ સામાન્ય અમદાવાદીની સમજની બહાર છે.
હવે આ જ મ્યુનિ. કોર્પોરેશન જ્યારે પ્રજાના રૂપિયે વૃક્ષારોપણના તાયફા કરવા 2.57 કરોડ રૂપિયાના ધૂળ અને ઢેફાં ખરીદશે તેવું સાંભળવામાં આવે તો ભલભલાનું મગજ બહેર મારી જાય. આ 2.57 કરોડ તો એક જ ઝોન પાછળ ખર્ચશે. હવે અમદાવાદના ચાર ઝોન જોઈએ તો દસ કરોડ રૂપિયાથી વધારે ખર્ચ તો ધૂળ અને ઢેફાં ખરીદવા પાછળ જ થશે.
હજી જો છોડ ખરીદવા પાછળ રૂપિયા ઉપયોગમાં લેવામાં આવે તો સમજી શકાય, પરંતુ ધૂળ અને ઢેફા પાછળ કોઈ મ્યુનિ. આટલો ખર્ચો કરતી હોય તેવું કદાચ અમદાવાદ મ્યુનિ. જ નહીં પણ દેશના કોઈપણ કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલી જ વખત બન્યું હશે. કહેવત છે કે ચપટી ધૂળની પણ જરૂર પડે છે તેને હવે મ્યુનિ.એ આ પ્રકારે સાચી ઠેરવી છે.
આશ્ચર્યની વાત એ છે કે આ જ કોર્પોરેશન રસ્તાના બાંધકામ અને રિપેરિંગમાં આટલી તકેદારી રાખતું નથી. કોઈપણ વસ્તુ ખરીદવાની હોય એટલે જાણે કોર્પોરેશનમાં રીતસરની દોડમદોડ મચી જાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે મ્યુનિસિપાલિટીએ પોતે સ્વીકાર્યું છે કે તેના દ્વારા દર વર્ષે કરવામાં આવતા વૃક્ષારોપણ અભિયાનમાં 60 ટકા રોપાઓ બળી જતાં હોય છે. આમ મ્યુનિ.નું જ કહેવું છે કે તેણે રોપેલા 40 ટકા છોડ જ બીજું ચોમાસુ ભાળે છે. આવું જ હોય તો પછી ધૂળ અને ઢેફાં ખરીદીને પ્રજાના રૂપિયા ધૂળમાં નાખવાની શી જરૂર છે.
અમદાવાદ મ્યુનિસિપાલિટી પાસે શું કોઈ સ્થળેથી એટલી રેતી કે ઢેફા મળી શકે તેમ નથી કે તેણે આ માટે ટેન્ડર બહાર પાડવા પડે. આ ટેન્ડર પણ જેવી તેવી રકમના નથી, પણ 2.57 કરોડની રકમના ટેન્ડર છે. ઉત્તર-દક્ષિણ,પૂર્વ-પશ્ચિમ એમ ચારેય ઝોનને ગણીએ તો કુલ દસ કરોડ રૂપિયાથી પણ વધારે રકમના ધૂળઢેફાં મંગાવવામાં આવશે.
એક રીતે મ્યુનિસિપાલિટી વૃક્ષારોપણનો પૂરેપૂરો ખર્ચ જાણે પ્રજાના માથા પર નાખવાની તૈયારીમાં હોય તેવી આ વાત છે. મ્યુનિસિપાલિટીને અમદાવાદમાં શહેરોની ગટરોની સમસ્યા, ગટરોમાંથી ઉભરાતા પાણીની સમસ્યા દેખાતી નથી, પણ ધૂળ-ઢેફાં દેખાય છે. આજે અમદાવાદના કેટલાય વિસ્તારોમાં ગટરોની સમસ્યા છે, આજે પણ નવા ભળેલા વિસ્તારોમાં કેટલાય સ્થળોએ પૂરતા પ્રમાણમાં પાણી આવતું નથી, રસ્તાઓ અને સ્ટ્રીટ લાઇટની સગવડ નથી. તેના કારણે રાત્રે અકસ્માત થવાનો ભય છે. રસ્તાઓ પર પૂરતા પ્રમાણમાં પૂરણ ન કરાતા ભૂવા પડી જાય છે. આ બધી જ સમસ્યાઓ જાણે પૂરી થઈ ગઈ હોય તેમ મ્યુનિ.ને ધૂળઢેફા પાછળ દસ કરોડ જેવી માતબર રકમ ખર્ચવાના અભરખા જાગ્યા છે.
આ જોઈને અમદાવાદીને એવો જ સવાલ થાય કે મ્યુનિસિપાલિટી કોઈ વિઝન સાથે કામ કરે છે કે કોઈ રીઝન સાથે કામ કરે છે. આજે પણ અમદાવાદના કેટલાય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે, ગટરના પાણીની સમસ્યા છે, હજી પણ ગટરના જોડાણો અપાયા નથી, શહેરની હદમાં સમાવાયેલા કેટલાય વિસ્તારોમાં પાકા રસ્તા નથી, શહેરમાં રહેલા રસ્તાઓના ઠેકાણા નથી, તેના રિપેરિંગ કામ સમયસર થતાં નથી, બધી તકલીફોની ફરિયાદ કરવા જોઈએ તો મ્યુનિસિપાલિટીનો જવાબ હોય છે કે ભંડોળ નથી. ભંડોળ આવશે ત્યારે બધું થશે.
હવે આ જ મ્યુનિપાલિટી પાસે ધૂળ-ઢેફાં ખરીદવાનું ભંડોળ પાછું આવી જાય છે. તેના માટે તે અમદાવાદનું ગ્રીન કવર વધારવાની દલીલ કરે છે. તેની સામે કેટલાય લોકોનું કહેવું છે કે કોર્પોરેશનની વાત ગળે ઉતારવી અઘરી છે, કારણ કે કોર્પોરેશન એકબાજુએ અમદાવાદની હદમાં વધારો કરે છે ત્યારે નવા વિસ્તારો શહેરની હદમાં ભળે ત્યારે તે હરિયાળા જ હોય છે. હવે શું મ્યુનિ. તેને પણ ગણી લઈને તો શહેરનું ગ્રીન કવર વધ્યું તેમ બતાવતી નથીને
અહીં ફક્ત ધૂળ અને ઢેફાં ખરીદવા દસ કરોડની રકમ વપરાશે, તેના પછી ટ્રી ગાર્ડ ખરીદવા માટે પાછા બીજા બે કરોડ કરતાં વધુ રકમ વપરાશે. આટલેથી પણ પતી જતું નથી, આ ઉપરાંત છોડ, પરિવહન, માવજત, પાણી વગેરેનો ખર્ચ ઉમેરીએ તો આંકડો આરામથી 20થી 25 કરોડ પર પહોંચી જશે. એકબાજુએ અમદાવાદની વસ્તીનો ગણનાપાત્ર હિસ્સો પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યો છે. મહિલાઓ કોર્પોરેટરોને ત્યાં જઈ માટલા ફોડી વિરોધ દર્શાવે છે તે સમયે મ્યુનિ. આ પ્રકારનો તાયફાઓ શું કામ કરે છે તે મોટો સવાલ છે.
લોકોનું કહેવું છે કે કોર્પોરેશન પ્રજાના રૂપિયાનું પાણી કરે તેના બદલે લોકોને પાણી પહોંચાડે તે જરૂરી છે. આજે પણ શહેરનો ઘણો બધો વિસ્તાર બોરવેલનું પાણી પીવે છે. નર્મદાનું પાણી શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવાનું બાકી છે, આ બધુ જ પડતું મૂકીને કોર્પોરેશન જ્યારે ધૂળ અને ઢેફાં ખરીદવામાં રોકાયું છે ત્યારે સામાન્ય શહેરીજન પણ આશ્ચર્ય પામ્યા વગર રહી શકતો નથી. દરેકના મોઢે એક જ વાત છે ખરીદાતા હશે ધૂળ અને ઢેફાં. પાઈ-પાઈ માટે રોતું આ તંત્ર જ્યારે અચાનક જ કરોડો રૂપિયા ખર્ચવા લાગે ત્યારે તેની દાનત પર શંકા થયા વગર રહેતી નથી.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી
