Vadodara News: વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા શહેરના 31 સ્મશાનગૃહોના સંચાલનને આઉટસોર્સ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના પગલે વિવાદનો વંટોળ ઊભો થયો છે. આ નિર્ણયનો સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્થાનિક ધારાસભ્યો અને નાગરિકો દ્વારા તીવ્ર વિરોધ થઈ રહ્યો છે. વિરોધીઓનો આરોપ છે કે આ નિર્ણયથી કોર્પોરેશન પર અનાવશ્યક નાણાકીય બોજ વધશે અને વર્ષોથી મફત સેવા આપતી સંસ્થાઓને બાજુ પર ધકેલવામાં આવી છે. વધુમાં, ઠરાવમાં ભ્રષ્ટાચારની શક્યતા હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે.
વડોદરા મહાનગરપાલિકાએ શહેરના 31 સ્મશાનગૃહોનું સંચાલન ખાનગી એજન્સીઓને સોંપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો હેતુ સ્મશાનગૃહોની સુવિધાઓમાં સુધારો કરવાનો અને તેનું આધુનિકરણ કરવાનો જણાવવામાં આવ્યો છે. જોકે, આ નિર્ણયની પ્રક્રિયા અને તેની અમલવારીને લઈને ઘણા પ્રશ્નો ઉભા થયા છે.
સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ, જે વર્ષોથી આ સ્મશાનગૃહોનું વિનામૂલ્યે સંચાલન કરી રહી છે, તેમને આ નિર્ણય પહેલાં કોઈ ચર્ચા કે બેઠકમાં સામેલ કરવામાં આવી નથી. આ સંસ્થાઓનું કહેવું છે કે તેઓ નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહી છે, અને આઉટસોર્સિંગથી નાગરિકોને આર્થિક બોજ પડી શકે છે.
માંજલપુરના ધારાસભ્યએ આ નિર્ણયનો વિરોધ કરતાં મ્યુનિસિપલ કમિશનરને ઠરાવ રદ કરવાની માગણી કરી છે. ધારાસભ્યનું કહેવું છે કે આઉટસોર્સિંગના નામે કોર્પોરેશન દ્વારા ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેનાથી જાહેર હિતને નુકસાન થશે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે આ નિર્ણયમાં પારદર્શિતાનો અભાવ છે અને તેની પાછળ ભ્રષ્ટાચારની શક્યતા દેખાઈ રહી છે.
આ પણ વાંચો:વડોદરા : મકરપુરા GIDCમાં વરસાદી કાંસમાં કેમિકલ યુક્ત પાણી છોડાયું
આ પણ વાંચો:વડોદરા : ડભોઇ મેનપુર ગામે પોલી પ્લાસ્ટ કંપનીમાં બ્લાસ્ટ
આ પણ વાંચો:વડોદરા : રેલ્વે પોલીસે કરોડોની કિંમતનું સોનું પકડ્યું, મુંબઇનાં સેલ્સમેનની અટકાયત
