Gandhinagar News: ગુજરાત સરકારે ખેડૂતોના વ્યક્તિગત અને કૃષિ સંબંધિત ડેટાની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કૃષિ વિભાગે ‘વિભાગીય ડેટા સમિતિની રચના કરી છે. આ સમિતિ ખેડૂતોના ડેટાનું સુરક્ષિત, પારદર્શક અને નિયમબદ્ધ સંચાલન કરશે, જેથી ડેટા લીકેજ, છેતરપિંડી અને અનધિકૃત ઉપયોગને અસરકારક રીતે રોકી શકાય.
ખેડૂતોના ડેટાની સુરક્ષા (Farmers’ data security) માટે વિભાગીય ડેટા સમિતિની રચના
ગુજરાત સરકારે (Government of Gujarat)ખેડૂતોની વ્યક્તિગત અને કૃષિ સંબંધિત માહિતીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે ‘વિભાગીય ડેટા સમિતિ (DDC)’ની રચના કરી છે. કેન્દ્ર સરકારના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ-2023 અને ગુજરાત સ્ટેટ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક હેઠળ રચાયેલી આ સમિતિ ખેડૂતોના ડેટાના સુરક્ષિત, પારદર્શક અને વૈજ્ઞાનિક સંચાલન માટે કાર્ય કરશે.
ખેડૂતોની માહિતી રહેશે સુરક્ષિત
નવી વ્યવસ્થા હેઠળ ખેડૂતોની વ્યક્તિગત, બેંકિંગ અને કૃષિ સંબંધિત સંવેદનશીલ માહિતી સુરક્ષિત રહેશે. ખેડૂતોની સ્પષ્ટ સંમતિ વિના કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા તેમના ડેટાનો ઉપયોગ કરી શકશે નહીં. આ પગલાથી વચેટિયાઓ દ્વારા થતી છેતરપિંડી, ડેટાના દુરુપયોગ અને અનધિકૃત પ્રવેશ પર અસરકારક નિયંત્રણ લાવવાનો સરકારનો પ્રયાસ છે.
ડેટા સંચાલન માટે ઉચ્ચસ્તરીય સમિતિ
આ સમિતિ કૃષિ વિભાગ, બોર્ડ-નિગમો તેમજ કૃષિ યુનિવર્સિટીઓના ડેટાનું સંચાલન અને દેખરેખ રાખશે. સમિતિનું નેતૃત્વ વિભાગના અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અથવા સચિવ કરશે. ઉપરાંત મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી (CISO), આઈટી નિષ્ણાતો, કાયદાકીય અધિકારીઓ અને સંબંધિત સંસ્થાઓના વડાઓને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે.
પાંચ શ્રેણીમાં થશે ડેટાનું વર્ગીકરણ
ખેડૂતોના ડેટાને વધુ સુરક્ષિત બનાવવા માટે તમામ માહિતીનું ઓપન, શેરેબલ, પ્રતિબંધિત, સંવેદનશીલ અને નેગેટિવ લિસ્ટ એમ પાંચ શ્રેણીમાં વર્ગીકરણ કરવામાં આવશે. હવામાન, કૃષિ ટેકનિક અને બજાર ભાવ જેવી માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાશે, જ્યારે વ્યક્તિગત અને નાણાકીય માહિતીને ઉચ્ચ સ્તરની સુરક્ષા આપવામાં આવશે.
સંમતિ વ્યવસ્થાને મળશે પ્રાથમિકતા
નવી નીતિમાં ‘કોન્સેન્ટ મેનેજમેન્ટ’ને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ખેડૂતોની મંજૂરીનો સમગ્ર રેકોર્ડ ડિજિટલ રીતે સુરક્ષિત અને ટ્રેક કરી શકાય તેવો રહેશે. જો નિયમોનો ભંગ થશે તો તેની જાણ રાજ્ય ડેટા સત્તામંડળને કરવામાં આવશે.
સાયબર હુમલા સામે રહેશે સતત નજર
ડેટા બ્રીચ અથવા સાયબર હુમલા જેવી ઘટનાઓ પર કૃષિ વિભાગ સતત નજર રાખશે અને જરૂરી તાત્કાલિક કાર્યવાહી કરશે. મુખ્ય ડેટા અધિકારી સહિત સંબંધિત સત્તાધિકારીઓને તરત જ જાણ કરીને નુકસાન અટકાવવાના પ્રયાસો કરવામાં આવશે.
ખેડૂતોને શું મળશે લાભ?
સુરક્ષિત અને પ્રમાણભૂત ડેટા ઉપલબ્ધ થતાં કૃષિ ક્ષેત્રમાં સંશોધન, નવીનતા અને પુરાવા આધારિત નિર્ણય પ્રક્રિયાને વેગ મળશે. સાથે જ કૃષિ સબસિડી, પાક વીમા સહાય, કુદરતી આપત્તિ રાહત અને અન્ય સરકારી યોજનાઓનો લાભ વધુ ઝડપથી અને યોગ્ય ખેડૂતો સુધી પહોંચાડવામાં મદદ મળશે.
આ પણ વાંચો:વરસાદી નુકસાનમાં ખેડૂતોને સહાયની માંગ, ભારતીય કિસાન સંઘે કૃષિમંત્રીને લખ્યો પત્ર
આ પણ વાંચો:ગુજરાતમાં ચોમાસું કેમ અટક્યું? જૂનાગઢ કૃષિ યુનિ.ના નિષ્ણાંતે કરી મોટી આગાહી
આ પણ વાંચો:કૃષિમંત્રી રમેશ કટારાએ વિવાદાસ્પદ નિવેદન અંગે શિક્ષક સમુદાયની જાહેરમાં માફી માંગી
