Navsari News : દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ (Heavy Rain)ને પગલે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel)નવસારી (Navsari)માં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને અન્ય સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની હાલની સ્થિતિ, રાહત અને બચાવ કામગીરી તેમજ જરૂરી સેવાઓની ઉપલબ્ધતા અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે અસરગ્રસ્ત લોકોને સમયસર મદદ પહોંચે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તમામ વિભાગો વચ્ચે સંકલન સાથે ઝડપી કામગીરી કરવા સૂચના આપી હતી.

બેઠક દરમિયાન માર્ગ વ્યવસ્થા, વીજ પુરવઠો, પીવાના પાણીની સુવિધા, સ્થળાંતર કરાયેલા લોકો માટે આશ્રય અને આવશ્યક સેવાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને પરિસ્થિતિ પર સતત નજર રાખવા તેમજ કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે જરૂરી રજૂઆતો કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું હોવાનું પણ બેઠકમાં જણાવાયું હતું.
