New Delhi News : દિલ્હીના જંતર-મંતર (Jantar Mantar Case)ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષા વ્યવસ્થા તોડવાના કેસમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતાઓ (CJP Leaders)સૌરવ દાસ અને આશુતોષ રાંકાને દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)માં આકરા સવાલોનો સામનો કરવો પડ્યો છે. સુનાવણી દરમિયાન અદાલતે તેમની ઉંમર, વિરોધ પ્રદર્શનના હેતુ અને કસ્ટડીના આદેશને સીધો હાઈકોર્ટમાં પડકારવા અંગે સવાલો ઉઠાવ્યા હતા. આ દરમિયાન જસ્ટિસ પ્રસાદે પૂછ્યું હતું કે, તમે જેન-ઝી (Gen Z) નથી? જીવનમાં બીજું શું કરો છો? સુનાવણી બાદ બંને નેતાઓએ પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.
વૈકલ્પિક કાનૂની ઉપાયો હોવા છતાં હાઈકોર્ટમાં કેમ આવ્યા?
બંને નેતાઓએ સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવેલા ડિટેન્શન ઓર્ડરને પડકારતી અરજી દાખલ કરી હતી. જોકે, દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court)સવાલ કર્યો હતો કે નીચલી અદાલત સમક્ષ ઉપલબ્ધ કાનૂની ઉપાયો અજમાવ્યા વિના સીધા હાઈકોર્ટનો દરવાજો કેમ ખખડાવવામાં આવ્યો?
સુનાવણી દરમિયાન અરજદારોના વકીલ અભીક ચિમનીએ જણાવ્યું હતું કે તેઓ અરજી પાછી ખેંચવા માગે છે. ત્યારબાદ હાઈકોર્ટે બંને નેતાઓને અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી. અદાલતે એ પણ નોંધ્યું હતું કે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ ચાલી રહેલી કાર્યવાહીનું પરિણામ આવવાનું બાકી હતું.
શાંતિ બોન્ડ તોડવા અને સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો
અદાલતે સુનાવણી દરમિયાન બંને નેતાઓના વર્તન અંગે સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટની ટિપ્પણી મુજબ, બંનેએ 10 ઑક્ટોબરે શાંતિ જાળવવા માટે બોન્ડ ભર્યો હતો અને ત્યારબાદ 11 ઑક્ટોબરે જ તેનો ભંગ કર્યો હોવાનો મુદ્દો સામે આવ્યો હતો.

જંતર-મંતર (Jantar Mantar Case)ખાતે સુરક્ષા કોર્ડન તોડીને પ્રવેશવા અને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રદર્શન કરવા સંબંધિત બાબતો પણ સુનાવણીમાં ચર્ચાઈ હતી. હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે આવી પરિસ્થિતિમાં તંત્ર દ્વારા તેમની સામે કડક કાર્યવાહી અંગે વિચારણા કરવામાં આવે તો તેના કારણોની તપાસ કરવી જરૂરી નથી?
અદાલતે એમ પણ જણાવ્યું હતું કે મેજિસ્ટ્રેટના 19 ઑક્ટોબરના આદેશને પડકારવા માટે સેશન્સ કોર્ટ અથવા અન્ય યોગ્ય અપીલ પ્રક્રિયા જેવા વૈકલ્પિક રસ્તાઓ ઉપલબ્ધ હોઈ શકે છે.
‘તમે જેન-ઝી નથી?’ ઉંમર અંગે જસ્ટિસ પ્રસાદની ટકોર
સુનાવણી દરમિયાન જસ્ટિસ પ્રસાદે બંને નેતાઓની ઉંમર વિશે પૂછ્યું હતું. વકીલે સૌરવ દાસ (Sourav Das)ની ઉંમર 27 વર્ષ અને આશુતોષ રાંકાની ઉંમર 31 વર્ષ હોવાનું જણાવ્યું હતું. તેના જવાબમાં ન્યાયાધીશે સવાલ કર્યો હતો કે, ‘તો તમે જેન-ઝી (Gen Z) નથી?’
જસ્ટિસ પ્રસાદે ટિપ્પણી કરી હતી કે શરૂઆતમાં આંદોલન વિદ્યાર્થીઓ અને યુવા પેઢી સાથે જોડાયેલું હતું, પરંતુ હવે તેના મૂળ હેતુમાં ફેરફાર થતો હોય તેવું જણાય છે. તેમણે આંદોલનના સ્વરૂપ અને તેમાં સામેલ લોકોની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.
‘તમારો વાસ્તવિક હેતુ શું છે?’ કોર્ટની ટકોર
અદાલતે વિરોધ પ્રદર્શન દરમિયાન ‘શાસન પરિવર્તન’ અને બેલેટ જેવા મુદ્દાઓ ઉઠાવવા અંગે પણ સવાલ કર્યો હતો. જસ્ટિસ પ્રસાદે પૂછ્યું હતું કે, ‘આખરે તમારો વાસ્તવિક હેતુ શું છે? તમે તમારા સામાન્ય જીવનમાં આ સિવાય બીજું શું કરો છો?’
આ ટિપ્પણીઓ દરમિયાન અદાલતે સમગ્ર મામલાની પૃષ્ઠભૂમિ અને વિરોધ પ્રદર્શનના ઉદ્દેશ અંગે વધુ તપાસ કરવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું હતું.
જંતર-મંતરથી અટકાયત, કુલ સાત દિવસની કસ્ટડી
મળતી માહિતી મુજબ, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની 14 ઑક્ટોબરે જંતર-મંતર ખાતે સુરક્ષા કોર્ડન તોડીને પ્રવેશવાના આરોપસર અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે તેમની કસ્ટડી વધુ બે દિવસ લંબાવતાં કુલ કસ્ટડીનો સમયગાળો સાત દિવસ થયો હતો.
કસ્ટડી લંબાવવાના આદેશમાં બંનેના વર્તન અને પ્રતિબંધિત વિસ્તારમાં વારંવાર વિરોધ પ્રદર્શન કરવાના મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બંને નેતાઓએ પોતાની કસ્ટડીને પડકારતી અરજી દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)માંથી પાછી ખેંચી લીધી હતી.
આ પણ વાંચો: દિલ્હીના જંતર-મંતર પર હવે પ્રદર્શન નહીં, આ 3 જગ્યાએ જ મળશે મંજૂરી
આ પણ વાંચો: જંતર-મંતર પ્રદર્શન પહેલા કડક માર્ગદર્શિકા જારી; શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ
આ પણ વાંચો: જંતર-મંતર પર CJPનો વિરોધ: પોલીસની મંજૂરી મુદ્દે ભડક્યા નેતા
