Delhi News: દિલ્હીના લાહોરી ગેટ વિસ્તારમાં દિવાળી પહેલાં લૂંટ (Delhi Robbery)ની મોટી ઘટના સામે આવી છે. ચાર હથિયારધારી બદમાશોએ એક વેપારીની ઓફિસમાં ઘૂસીને કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા. ત્યારબાદ ઓફિસમાં રાખેલા આશરે ₹2.30 કરોડ રોકડ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓને શોધવા માટે તપાસ શરૂ કરી છે અને CCTV ફૂટેજના આધારે તેમની હિલચાલ તપાસવામાં આવી રહી છે.
Delhi Robbery: ઓફિસમાં ઘૂસીને કર્મચારીઓને બનાવ્યા બંધક
પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે સવારે લગભગ 10 વાગ્યે ચાર શખસો લાહોરી ગેટ પોલીસ સ્ટેશનની હદમાં ચર્ચ મિશન પોલીસ ચોકી નજીક આવેલી બહુમાળી ઇમારતમાં પહોંચ્યા હતા. વેપારી વિષ્ણુ કાંતિની ઓફિસ આ ઇમારતના ત્રીજા માળે આવેલી છે.
બદમાશોએ ઓફિસમાં હાજર કર્મચારીઓને હથિયાર બતાવીને ડરાવ્યા અને એક જગ્યાએ બંધક બનાવી દીધા હતા. ત્યારબાદ ઓફિસમાં રાખેલી આશરે ₹2.30 કરોડ (2.30 Crore Robbery)ની રોકડ બેગમાં ભરીને ત્યાંથી નીકળી ગયા હતા.
ચાંદની ચોક થઈને જૂની દિલ્હી રેલવે સ્ટેશન પહોંચ્યા
લૂંટ બાદ આરોપીઓ ચાંદની ચોકની સાંકડી ગલીઓમાંથી પસાર થઈને પગપાળા જૂની દિલ્હી રેલવે સ્ટેશન (Old Delhi Railway Station) તરફ ગયા હતા. ત્યાં પહેલેથી ઊભેલી કારમાં બેસીને તેઓ ફરાર થઈ ગયા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. ફૂટેજના આધારે આરોપીઓ કયા માર્ગે ગયા અને કઈ કારનો ઉપયોગ કર્યો તેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
ઓફિસની માહિતી અગાઉથી હોવાની આશંકા
પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આરોપીઓને ઓફિસ (Business Office Robbery) ક્યાં આવેલી છે અને ત્યાં રોકડ રકમ રાખવામાં આવે છે તેની અગાઉથી જાણકારી હતી કે નહીં. સ્થાનિક સ્તરે આ ઘટનામાં કોઈ અંદરના વ્યક્તિની સંડોવણી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ સમગ્ર મામલે પોલીસની સત્તાવાર પુષ્ટિ હજુ થવાની બાકી છે.
ઓફિસની નીચે તૈનાત સુરક્ષા ગાર્ડના જણાવ્યા અનુસાર, તેની ડ્યૂટી સવારે 11 વાગ્યે શરૂ થવાની હતી, જ્યારે લૂંટની ઘટના આશરે 10 વાગ્યે બની હતી. આરોપીઓએ સુરક્ષા વ્યવસ્થાની માહિતી મેળવીને લૂંટ માટેનો સમય નક્કી કર્યો હતો કે કેમ, તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
દિવાળી પહેલાં લૂંટથી વેપારીઓમાં ચિંતા
દિવાળી પહેલાં જૂની દિલ્હીના વ્યસ્ત વેપારી વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે. પોલીસે કેસ નોંધીને આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ સ્ટાફ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોને તપાસમાં જોડ્યાં છે. અહેવાલ તૈયાર થયો ત્યાં સુધી પોલીસ આરોપીઓને ઝડપી શકી નહોતી.
આ પણ વાંચો: અમદાવાદમાં ₹34.15 લાખની લૂંટ અને અપહરણ કેસમાં મુખ્ય સૂત્રધાર ઝડપાયો
આ પણ વાંચો: અમદાવાદમાં ચા પીતા 3 મિત્રોનું અપહરણ કરી લૂંટ, છરી બતાવી રૂ. 5,500 પડાવ્યા
આ પણ વાંચો: જૂનાગઢમાં છરી બતાવી વેપારી પાસેથી દાગીનાની લૂંટ, પોલીસે બંને આરોપીને ઝડપી કાર્યવાહી કરી
