Sabarkantha BJP Sense Process: સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાના સૂત્રો સોંપવા માટે ભાજપે કવાયત તેજ કરી છે. આગામી ટર્મ માટે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ વિવિધ સમિતિઓના ચેરમેનની પસંદગી માટે આજે ભાજપ દ્વારા ‘સેન્સ’ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
Sabarkantha : નિરીક્ષકોએ લીધી સેન્સ
પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા નિરીક્ષકોએ સાબરકાંઠાની મુલાકાત લીધી હતી, જે દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ અને નગરપાલિકાના મહત્વના હોદ્દાઓ માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં નિરીક્ષકોએ સ્થાનિક સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પ્રબળ દાવેદારો સાથે વ્યક્તિગત સંવાદ સાધીને સંગઠનનો મત જાણ્યો હતો, જેમાં મુખ્યત્વે ઉમેદવારની પક્ષ પ્રત્યેની વફાદારી, લોકપ્રિયતા અને વહીવટી ક્ષમતા જેવા માપદંડોને જ પસંદગીનો મુખ્ય આધાર બનાવવામાં આવ્યા છે.

યાદી હવે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં જશે
દિવસભર ચાલેલી આ મંથન પ્રક્રિયાના અંતે નિરીક્ષકો દ્વારા એક વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક પદ માટે ત્રણ-ત્રણ નામોની પેનલ બનાવીને આ યાદી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલી આપવામાં આવશે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં આ નામો પર આખરી મહોર મારવામાં આવશે.
રાજકીય ગરમાવો વધ્યો
સાબરકાંઠાના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. નવા ચહેરાઓને તક મળશે કે જૂના જોગીઓનું પલ્લું ભારે રહેશે, તેના પર સૌની નજર ટકેલી છે. ખાસ કરીને હિંમતનગર અને ઇડર જેવા મહત્વના કેન્દ્રો પર કોણ બાજી મારશે તે જોવું રસપ્રદ રહેશે.
