Sabarkantha News: સાબરકાંઠા સહિત રાજ્યભરમાં આવતીકાલેસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્રે ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. આજે, હિંમતનગર જિલ્લા કાર્યાલયથી 1,300 થી વધુ મતદાન મથકો પર 6,000 થી વધુ મતદાન સ્ટાફ અને 2,000 થી વધુ પોલીસ કર્મચારીઓ, EVM મશીનો અને ચૂંટણી સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યા હતા.
સાબરકાંઠાની 34 જિલ્લા પંચાયતો અને ત્રણ નગરપાલિકાઓમાં કુલ 301 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આવતીકાલે 900,000 થી વધુ મતદારો 838 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય અને આદર્શ આચારસંહિતાનું કડક પાલન થાય તે માટે વહીવટીતંત્રે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે.
સાબરકાંઠામાં ચૂંટણીના દિવસે જ હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ રવિવારે કાળઝાળ ગરમીની સંભાવના છે. મતદારોને ગરમીથી કોઈ તકલીફ ન પડે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મતદાન મથક પર મેડિકલ ટીમ અને જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. આ સિવાય કોઈપણ ઇમરજન્સી માટે 108 એમ્બ્યુલન્સ, મેડિકલ વાન અને નજીકના પ્રાથમિક વહીવટીતંત્ર તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન મથકોએ પણ વહીવટીતંત્ર દ્વારા ગરમીને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોને છાંયડો મળી રહે તે માટે કેટલાય સ્થળોએ લાંબી લાઇન માટે મંડપ પણ ગોઠવાયા છે, કેટલાય સ્થળોએ વધારાના પંખા પણ રાખવામાં આવ્યા છે. આ સિવાય ઓઆરએસના પાઉચ પણ રાખવામાં આવ્યા છે, જેથી મતદારોને ડીહાઇડ્રેશનથી બચાવી શકાય. આ સિવાય મતદાનમથક પર ઉમેદવારની તબિયત લથડે તો તેને ઘટનાસ્થળે જ સારવાર આપવા દરેક મતદાન મથકની બહાર 108ની એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવી છે. તેની સાથે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોને ઓન ડ્યુટી રહેવા માટે જણાવી દેવાયું છે.
