Gujarat Local Body Election 2026/રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પ્રચારને હવે અંતિમ બે દિવસ બાકી છે, ત્યારે રાજકીય માહોલ ગરમાયો છે. તમામ પક્ષો મતદારોને આકર્ષવા માટે પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ખાસ કરીને સુરત(Surat)માં ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત ઝોકી દીધી છે, જ્યાં મુખ્યમંત્રી(CM) ભૂપેન્દ્ર પટેલ પાટીદાર વિસ્તારોમાં પ્રભાવ વધારવા મેદાને ઉતર્યા છે.
સુરતમાં સીમાડા નાકાથી હીરાબાગ સર્કલ સુધી મુખ્યમંત્રીની ભવ્ય રેલી (Grand Rally)યોજાઈ હતી. આ રેલીને ધ્યાનમાં રાખીને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP)પણ ભાજપને ટક્કર આપવા માટે મેદાનમાં સક્રિય છે, જેના કારણે ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે.
રાજકોટમાં પણ પ્રચાર તેજ બન્યો છે, જ્યાં હર્ષ સંઘવીએ રોડ શો યોજીને ભાજપના ઉમેદવારો માટે મત માગ્યા હતા. રાજ્યભરમાં નાના-મોટા કાર્યક્રમો, સભાઓ અને રેલીઓ(Grand Rally) દ્વારા મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પ્રચાર પર કડક નજર
ચૂંટણી પંચે આ વખતે સોશિયલ મીડિયા પ્રચારને લઈને કડક નિયમો જાહેર કર્યા છે. હવે ઉમેદવારોને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ જેવા પ્લેટફોર્મ પર કરવામાં આવતા તમામ પ્રચાર ખર્ચની વિગત આપવી ફરજિયાત રહેશે. પેઈડ એડ, બૂસ્ટેડ પોસ્ટ અને ડિજિટલ કેમ્પેઇનનો ખર્ચ ચૂંટણી ખર્ચમાં સામેલ કરવો પડશે.

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ઉમેદવાર સોશિયલ મીડિયા ખર્ચ છુપાવવાનો પ્રયાસ કરશે તો તેના સામે કાયદેસર કાર્યવાહી થશે. સાથે જ તમામ ખર્ચના પુરાવા અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વિગતો જાળવવી પણ ફરજિયાત બનાવાઈ છે.
જનરોષ અને રાજકીય ટકરાવ
પ્રચાર દરમિયાન નેતાઓને જનતાના રોષનો પણ સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સ્થાનિક લોકોએ પ્રાથમિક સુવિધાઓના મુદ્દે નેતાઓનો વિરોધ કર્યો હતો. પરિસ્થિતિ તંગ બનતા ભાજપના સાંસદ કિરીટ સોલંકી સહિતના નેતાઓને કાર્યક્રમ અધૂરો છોડવો પડ્યો હતો.
ગોંડલમાં રાજકીય ગરમાવો
ગોંડલ પંથકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. ભાજપે મોવિયા ગામે શક્તિ પ્રદર્શન કર્યું, જ્યારે કોંગ્રેસે માંડવી ચોક ખાતે સભા યોજીને શાસક પક્ષ પર આકરા પ્રહાર કર્યા.
આ દરમિયાન પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓના આક્ષેપોને નકારી કાઢતા કહ્યું કે, તેમણે ક્યારેય ગ્રાન્ટ માટે એક રૂપિયો પણ માંગ્યો નથી. જમીન મામલે લગાવાયેલા આરોપો અંગે તેમણે ખુલ્લો પડકાર આપતા કહ્યું કે, જો કોઈ એક ઈંચ જમીન ગેરકાયદે સાબિત થાય તો તેઓ પોતાના પરિવારના ધારાસભ્ય પદેથી રાજીનામું અપાવી દેશે.
આ રીતે રાજ્યમાં ચૂંટણી પૂર્વે રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે, અને અંતિમ ક્ષણ સુધી પ્રચાર યુદ્ધ વધુ તીવ્ર બનવાની સંભાવના છે.
