Gujarat Local Body Election 2026/ ભાણવડમાં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો! કોંગ્રેસના બે અગ્રણી કાર્યકરોની અટકાયત, ધરણાની ચીમકી

દેવભૂમિ દ્વારકાના Bhanvadડમાં ચૂંટણી પૂર્વે કોંગ્રેસના બે સક્રિય કાર્યકરોની અટકાયત થતા ખળભળાટ. સત્તાના દુરુપયોગના આક્ષેપ સાથે કોંગ્રેસ આજે પોલીસ મથકે ધરણા કરશે.

Gujarat Top Stories Others
Bhanvad Politics News:

Bhanvad Politics News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. પોલીસ દ્વારા કોંગ્રેસના બે સક્રિય કાર્યકરો સામે અટકાયતી પગલાં લેવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આ ઘટનાને પગલે કોંગ્રેસ છાવણીમાં રોષ ફાટી નીકળ્યો છે અને તેને સત્તાનો દુરુપયોગ ગણાવવામાં આવી રહ્યો છે.

ચેપ્ટર કેસ નોંધી પરિવારના સભ્યોની અટકાયત

મળતી માહિતી મુજબ, જે બે કાર્યકરો સામે ચેપ્ટર કેસ નોંધી અટકાયત કરવામાં આવી છે, તેઓ સીધી રીતે ચૂંટણી સાથે જોડાયેલા પરિવારના સભ્યો છે. જેમાં જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારના ભાઈ અને તાલુકા પંચાયત બેઠકના ઉમેદવારના પુત્રનો સમાવેશ થાય છે. ચૂંટણીના નિર્ણાયક તબક્કે જ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને કોંગ્રેસે રાજકીય કિન્નાખોરી ગણાવી છે.

Bhanvad Politics News:

કોંગ્રેસનો આક્ષેપ: ‘પ્રચાર રોકવાનો પ્રયાસ’

કોંગ્રેસના સ્થાનિક હોદ્દેદારોએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણીમાં ડરનું વાતાવરણ ઊભું કરવા અને પ્રચારમાં અવરોધ લાવવા માટે જ જાણીજોઈને સક્રિય કાર્યકરોને નિશાન બનાવવામાં આવ્યા છે. લોકશાહીના પર્વમાં પોલીસનો ઉપયોગ કરીને વિપક્ષને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો સુર કોંગ્રેસે વ્યક્ત કર્યો છે.

Bhanvad પોલીસ મથકે ધરણા

આ અન્યાયી કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસે આક્રમક રણશિંગુ ફૂંક્યું છે. અટકાયતના વિરોધમાં આજે સાંજે 4:00 વાગ્યે મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ભાણવડ પોલીસ મથકે એકઠા થશે અને ધરણાનો કાર્યક્રમ યોજશે. કોંગ્રેસે ચીમકી આપી છે કે જો તટસ્થ કાર્યવાહી કરવામાં નહીં આવે અને કાર્યકરોને મુક્ત નહીં કરાય તો આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.

ભાણવડમાં સર્જાયેલી આ સ્થિતિને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે. ચૂંટણીના માહોલમાં આ ધરણા કાર્યક્રમ ભાણવડની બેઠકો પર કેવો પ્રભાવ પાડે છે તેના પર સૌની મીટ મંડાણી છે.


આ પણ વાંચો : રાજકોટ વોર્ડ-6માં પક્ષપલટો કરનારા દેવુ જાદવ કોંગ્રેસમાંથી મેદાનમાં

આ પણ વાંચો : અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં આ વખતે દક્ષિણ ઝોનમાં શાસક પક્ષ માટે કપરા ચઢાણ

આ પણ વાંચો : અમરેલીના વડિયામાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયા કોંગ્રેસ પર ત્રાટક્યા