Ahmedabad News: અમદાવાદમાં ચૂંટણીનો જંગ હવે અંતિમ અને નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો છે. તેના કારણે રાજકીય પક્ષોએ પણ અંતિમ દિવસોમાં અને અંતિમ મિનિટોમાં મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી દીધું છે. અમદાવાદમાં કોંગ્રેસે લાંભા વોર્ડમાં ભવ્ય બિક રેલીનું આયોજન કર્યુ હતુ. કોંગ્રેસના પક્ષપ્રમુખ અમિત ચાવડા પોતે પણ બાઇક રેલીમાં જોડાયા હતા. ઉમેદવારોની સાથે મેદાનમાં ઉતરીને જનસમર્થન મેળવવાના મરણિયા પ્રયત્નો કર્યા છે.
આમ ભવ્ય બાઇક રેલી સાથે ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં શાહપુરમાં કોંગ્રેસના ઉમેદવારોએ અનોખી રીતે પ્રચાર કર્યો છે. કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર સાથે વિરોધ કર્યો છે. કોંગ્રેસના ઉમેદવારોએ સાઇકલ, સિલિન્ડર અને તેલના ડબ્બા સાથે વર્તમાન શાસનનો વિરોધ કર્યો હતો અને લોકલાગણીનો પડઘો પાડ્યો હતો.
કોંગ્રેસે જણાવ્યું હતું કે તે લોકોને મોંઘવારીના મારથી બચાવવા પ્રયત્નશીલ છે. કોંગ્રેસે લોકોને પરિવર્તન માટે મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકો શાસક પક્ષથી તંગ આવી ગયા છે. શાસક પક્ષે ફક્ત વાયદાનો વેપાર કર્યો છે. શાસક પક્ષના નેતાઓમાં કોંગ્રેસને અપશબ્દો બોલવા સિવાય બીજી કોઈ આવડત નથી કે તે પ્રજાકીય કાર્યો કરી બતાવે. શાસકો પ્રજાકીય કાર્યોમાં નિષ્ફળ ગયા છે. ખરાબ રસ્તા અને તૂટી પડતાં પુલો આનો પુરાવો છે. આટલું ઓછું હોય તેમ તે લોકોને ધાકધમકી આપે છે.
કોંગ્રેસનું કહેવું હતું કે હાલમાં અમદાવાદની પ્રજા અત્યંત ખરાબ સ્થિતિનો સસામનો કરી રહી છે ત્યારે કોંગ્રેસ તેમની પડખે છે. કોંગ્રેસ પ્રજાની આકાંક્ષાનો પડઘો પાડવા આતુર છે. શાસકોએ પ્રજાકીય કાર્યો કરવાના બદલે પીએમ મોદીનો ચહેરો બતાવીને લોકોને મૂર્ખ બનાવવાનું ચાલુ રાખ્યુ છે. પ્રજાના હિતની વાત કરવાના બદલે તે પ્રજાને અને લોકોને એકબીજા સામે ઉશ્કેરે છે. લોકો મોંઘવારીનો માર સહી રહ્યા છે તો શાસકો તેમની મસ્તીમાં મસ્ત છે. તેમને પ્રજાના હિતની પડી નથી.
