Gandhinagar Sector 2 Theft Case: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં તસ્કરોએ પોલીસને પડકાર ફેંકતી એક મોટી ચોરીને અંજામ આપ્યો છે. સેક્ટર-2Cમાં આવેલા એક NRIના બંધ બંગલાને નિશાન બનાવી તસ્કરો અંદાજે 50 લાખ રૂપિયાથી વધુની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ ઘટનાની સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જે સામાન બેંકમાં સુરક્ષિત હતો તેને સાયબર ફ્રોડના ડરે ઘરે લાવતા જ તસ્કરો હાથ મારી ગયા.
સાયબર ફ્રોડનો ડર ભારે પડ્યો
મળતી માહિતી મુજબ, સેક્ટર-2C માં મકાન ધરાવતા પરેશ શર્મા હાલ આફ્રિકામાં બિઝનેસ કરે છે. જાન્યુઆરી મહિનામાં તેઓ ગાંધીનગર આવ્યા હતા. હાલના સમયમાં વધતા સાયબર ફ્રોડ અને બેંકિંગ વ્યવહારમાં થતી છેતરપિંડીથી ડરીને તેમણે બેંક લોકરમાં રહેલી પોતાની વર્ષોની કમાણી જેવી કે મોંઘા દાગીના અને રોકડ રકમ ઉપાડી લીધી હતી. તેમને લાગ્યું કે બેંક કરતા ઘર વધુ સુરક્ષિત છે, પરંતુ આ જ વિચાર તેમને ભારે પડી ગયો.

બહેન તપાસ માટે આવ્યા ને ભાંડો ફૂટ્યો
પરેશભાઈ માર્ચ મહિનામાં ફરી આફ્રિકા પરત ફર્યા હતા અને ઘર બંધ હતું. ઘરની સંભાળ રાખવા માટે તેમના બહેન સમયાંતરે આવતા રહેતા હતા. આજે જ્યારે તેઓ મકાનની મુલાકાતે આવ્યા ત્યારે ઘરની પાછળની બારીની ગ્રિલ તૂટેલી હાલતમાં મળી આવી હતી. અંદર જઈને જોતા તિજોરીના તાળા તૂટેલા હતા અને બધી જ કિંમતી વસ્તુઓ ગાયબ હતી.
કોઈ જાણભેદુ હોવાની શંકા
ઘટનાની જાણ થતા જ સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તસ્કરોએ જે રીતે માત્ર કિંમતી સામાનને જ નિશાન બનાવ્યો છે તે જોતા કોઈ જાણભેદુ વ્યક્તિએ રેકી કરીને આ કૃત્ય કર્યું હોવાની શંકા સેવાઈ રહી છે. આ મામલે પોલીસે આસપાસના રસ્તાઓના સીસીટીવી (CCTV) ફૂટેજ કબજે કર્યા છે, તેમજ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્ક્વોર્ડની મદદથી તસ્કરોનું પગેરું મેળવવા માટેની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે.
ગાંધીનગરના પોશ વિસ્તાર ગણાતા સેક્ટરોમાં ધોળા દિવસે અને રાત્રિના સમયે વધતી જતી ચોરીની ઘટનાઓએ સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ ફેલાવ્યો છે.
