Gandhinagar News/
ગાંધીનગરમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો આપઘાત
પ્રાથમિક તપાસમાં આપઘાત(Suicide) પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી
પ્રાથમિક તપાસમાં આપઘાત(Suicide) પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી
Gandhinagar News : ગાંધીનગરમાં અભ્યાસ કરતા એક વધુ આશાસ્પદ વિદ્યાર્થીના આપઘાત(Suicide)ની ઘટના સામે આવી છે, જેના કારણે વિદ્યાર્થી વર્તુળમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સેક્ટર-15 ખાતે આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી હોસ્ટેલમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થીની ઓળખ રાજન નરેશભાઈ ધાંધલ (ઉંમર 21) તરીકે થઈ છે. તે મૂળ અમરેલી જિલ્લાના કુંકાવાવનો રહેવાસી હતો અને ગાંધીનગરમાં રહીને એન્જિનિયરિંગના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. ગત રોજ પોતાના હોસ્ટેલના રૂમમાં તેણે પંખા સાથે ફાંસો ખાઈ લીધો હતો.
ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે તેના મિત્રોએ રૂમનો દરવાજો ખખડાવ્યો છતાં કોઈ પ્રતિસાદ ન મળતા અંદર જઈ તપાસ કરી. ત્યાં રાજન ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. મિત્રોએ તરત જ તેને નીચે ઉતારીને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.
