Dhandhuka News : ધંધુકા હત્યા કેસમાં આરોપીઓ રિઝવાન અને સમીરને કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા વિસ્તારમાં ગત 18 એપ્રિલે ધર્મેશ ગમારા નામના યુવકની કરપીણ હત્યા(Murder)ની ઘટના બાદ પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ મામલે આજે 20 એપ્રિલે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કેસની સંવેદનશીલતા અને તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટએ બંને પક્ષોની દલીલો સાંભળી રિઝવાન અને સમીરના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓની સઘન પૂછપરછ કરશે અને હત્યા(Murder)ના કારણો તેમજ પાછળના સંભવિત ષડયંત્ર અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરશે.
સુનાવણી બાદ આરોપીઓને ભારે પોલીસ સુરક્ષા વચ્ચે ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આશરે 15થી વધુ પોલીસકર્મીઓના કાફલા સાથે સમગ્ર કાર્યવાહી હાથ ધરાઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ, બાઈક ઓવરટેક જેવી નજીવી બાબતે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં સમીરે ધર્મેશ ગમારાને પકડી રાખ્યો હતો અને રિઝવાને છરીના ઘા મારી હત્યા કરી હતી.
ઘટના બાદ વિસ્તારમાં તણાવ ફેલાયો હતો અને હિંસક ઘટનાઓ પણ બની હતી. તોડફોડ અને આગચંપી કરનારા આશરે 125 લોકો સામે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
બીજી તરફ, પીડિત પરિવારની માંગ અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ધંધુકા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
