Rajkot News: રાજકોટ શહેરમાં 16 માર્ચે બનેલી દલિત યુવક ભાવેશ વાણવીની હત્યા (Murder Case)ના બનાવે શહેરમાં ભારે તણાવ ઉભો કર્યો હતો. આ ઘટનાને પગલે દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. લાંબા સમય સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા મામલો ઉગ્ર બન્યો હતો. જોકે મોડી રાતે પોલીસના પ્રયાસોથી મામલો શાંત થયો હતો.
Murder Caseમાં ત્રણ આરોપીની ધરપકડ
પોલીસે આ હત્યા કેસ (Murder Case)માં કાર્યવાહી કરતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે. પોલીસ તપાસ મુજબ ધરપકડ કરાયેલા આરોપીઓમાં રવિ મેરાભાઈ જોગરાણા (33), સાગર મેરાભાઈ જોગરાણા (26) અને ગોપાલ મેરાભાઈ જોગરાણા (22)નો સમાવેશ થાય છે. આ ત્રણેય સગા ભાઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે હમીર અને લાલો નામના બે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
દલિત સમાજના આગેવાનો સામે પણ કેસ
હત્યા (Murder Case)ના બનાવ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસની ફરજમાં રૂકાવટ કરવાનો આરોપ મૂકીને દલિત સમાજના ત્રણ આગેવાનો સામે પણ ફરિયાદ નોંધાઈ છે. પોલીસના જણાવ્યા મુજબ દિલીપ ઉર્ફે ડી.ડી. સોલંકી, અશોક સિંધવ અને નરેશ બગડાએ અન્ય લોકો સાથે મળીને પોલીસ સાથે ધક્કામુક્કી કરી હતી અને ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો.
હત્યાનું કારણ શું?
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ મૃતક ભાવેશ વાણવી અને આરોપી હમીર બંને એક જ યુવતીના સંપર્કમાં હતા, જેના કારણે બંને વચ્ચે અદાવત ઉભી થઈ હતી. આ ઉપરાંત આરોપીના ભાઈના શેરડીના રસના ચિચોડા મુદ્દે થયેલી બોલાચાલીનો પણ ખાર રાખવામાં આવ્યો હતો.
હનીટ્રેપનો આક્ષેપ
હત્યા (Murder Case) પહેલાં આરોપી હમીર જોગરાણાએ રાજકોટ પોલીસ કમિશનરને લેખિત અરજી કરી હતી. તેમાં ભાવેશ વાણવી અને ત્રણ મહિલાઓ પર હનીટ્રેપ દ્વારા પૈસા માંગવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અરજીમાં જણાવાયું હતું કે આરોપી પાસેથી રૂપિયા વસૂલવા માટે ધમકી આપવામાં આવી હતી.
અપહરણ બાદ હુમલો
પોલીસ તપાસ મુજબ 15 માર્ચે ભાવેશ વાણવીનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં આરોપીઓએ તેને માર મારી કારમાં લઈ જઈ 150 ફૂટ રીંગ રોડ નજીક ગ્રીન સિટી વિસ્તારમાં ફેંકી દીધો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
પરિવારનો આક્રોશ
ભાવેશ વાણવીના મોત બાદ પરિવાર અને દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મૃતકના પરિવારજનોએ આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ સાથે સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ધરણાં અને ચક્કાજામ કર્યું હતું. લગભગ 15 કલાક સુધી પરિસ્થિતિ તંગ રહી હતી.
મૃતકનો ભૂતકાળ
પોલીસ મુજબ મૃતક ભાવેશ વાણવી વિરુદ્ધ અગાઉ પણ કેટલાક ગુનાઓ નોંધાયેલા હતા અને પાસા હેઠળ કાર્યવાહી બાદ તે જેલમાં હતો. તે લગભગ 15 દિવસ પહેલાં જ જેલમાંથી છૂટી બહાર આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા કેસની વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાં મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચો:રાજકોટ એઇમ્સના MBBSના વિદ્યાર્થીની આત્મહત્યા
આ પણ વાંચો:રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં યુવકની હત્યા
આ પણ વાંચો:રાજકોટમાં નિવૃત્ત ASIની આત્મહત્યાઃ લમણે ગોળી મારી
