Dahod News : દાહોદ જિલ્લામાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. LIBમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીની પત્નીએ પોતાના બે નાનાં બાળકોની હત્યા કર્યા બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. 7 અને 3 વર્ષના બાળકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ મહિલાએ ઝેરી દવા પીધી હતી. અન્ય બનાવમાં દેવગઢ બારીઆ તાલુકાના વડભેટ ગામમાં એક માતા(Mother)એ પોતાના ચાર બાળકો સાથે કુવામાં ઝંપલાવ્યું હતું.

આ બનાવ બાદ મહિલાને તાત્કાલિક ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા જ બી ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

મહિલાએ આ પગલું કયા કારણોસર ભર્યું તે હજી સુધી સ્પષ્ટ થયું નથી અને પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

દાહોદ જિલ્લામાંથી અન્ય એક હૃદયવિદારક ઘટના પણ સામે આવી છે. દેવગઢ બારીઆ તાલુકાના વડભેટ ગામમાં એક માતાએ પોતાના ચાર બાળકો સાથે કુવામાં ઝંપલાવ્યું હતું. અગમ્ય કારણોસર બનેલી આ ઘટનામાં માતા અને એક પુત્રીનો બચાવ કરવામાં આવ્યો છે, જ્યારે ત્રણ નિર્દોષ બાળકોના દુઃખદ મોત નિપજ્યા છે.

માહિતી અનુસાર, માતાએ બે પુત્ર અને બે પુત્રીઓ સાથે આ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને આ બનાવ પાછળનું સાચું કારણ જાણવા પ્રયત્નો ચાલી રહ્યા છે.
